સુરતમાં વધ્યું ‘ગ્રીન ગણેશા’નું ચલણ- જ્યાં વિસર્જન થશે ત્યાં છોડ બની જીવનભર ઓક્સિજનરૂપી આશીર્વાદ આપશે

સુરત(ગુજરાત): નદી, તળાવ, ઓવારા, દરિયા વગેરેમાં છેલ્લા 3 વર્ષથી મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે. એટલું જ નહીં, પીઓપીની મૂર્તિઓના નુકશાન વિશે જાગૃત કરાતાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ વધી રહ્યું છે. તે દરમિયાન શહેરમાં સ્થપાતી 70 હજારમાંથી 75 ટકા મૂર્તિ માટીની હોય છે. ગ્રીન ગણેશા પ્રોજેક્ટની શરૂઆત કરનારી NGOએ જણાવ્યું હતું કે, તેઓ રાજ્યભરમાં છેલ્લા 4 વર્ષથી માટીમાંથી બનેલી ઇકોફ્રેન્ડલી મૂર્તિનું વિતરણ કરે છે. ઘરઆંગણે આ મૂર્તિનું વિસર્જન કર્યા પછી બચેલી માટીમાં બીજ વાવી વિવિધ છોડ ઉગાડવામાં આવે છે. આ સિવાય કાગળ, પુઠ્ઠા વગેરેમાંથી પણ મૂર્તિ બનાવવામાં આવે છે. આ વર્ષે 3 હજારથી વધુ ટ્રી-ગણેશાનાં બુકિંગ થયાં છે.

ગ્રીન ગણેશા:
સંપૂર્ણ કાળી માટીમાંથી આ પ્રતિમા બને છે. જેમાં આસોપાલવ, ભીંડા, ગલગોટા સહિતના બીજો રોપવામાં આવે છે. 2 ફૂટ સુધીની મૂર્તિનો ભાવ 1500થી 2500 રૂપિયા છે. તેમજ 4 ફૂટ સુધીનો ભાવ 4થી 5 હજાર રૂપિયા છે. શહેરમાં 2 ફૂટ સુધીની 2500 અને 4 ફૂટ સુધીની 6 મૂર્તિનું બુકિંગ છે. મૂર્તિ વિસર્જિત થાય ત્યાં જ છોડ બની ઓક્સિજન તરીકે જીવનભર આશીર્વાદ આપે છે.

માટીની મૂર્તિ:
માટીની મૂર્તિમાં 2 ફૂટ માટે 25 કિલો કાળી માટી જોઈએ છે. નાની મૂર્તિનો ભાવ 1500-1800 રૂપિયા હોય છે તેમજ મોટી મૂર્તિનો ફૂટદીઠ ભાવ 3000-3500 રૂપિયા જેટલો હોય છે.

ગોમુખી ગણેશ:
ગાયના છાણ અને માટીમાંથી આ મૂર્તિ બનાવામાં આવે છે. જ્યાં વિસર્જનની સુવિધા ન હોય તેવી જગ્યાએ આવી મૂર્તિઓની ડિમાન્ડ વધારે હોય છે. 6 થી 10 ઇંચ સુધીની મૂર્તિ 200થી 300 રૂપિયામાં વેચાય છે.

પુઠ્ઠા -પેપરના ગણેશ:
પેપર-પુઠ્ઠાના ગણેશ કેટલાક પર્યાવરણ પ્રેમીઓ સાંકેતિક સ્થાપના કરવા માટે બનાવે છે. આ માટે પુઠ્ઠા કે કાગળને નેચરલ પેઇન્ટ કરીને ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. જોકે આવી મૂર્તિની આ વર્ષે ડિમાન્ડ ન હોવાથી મૂર્તિકારો આવી મૂર્તિ બનાવતા નથી. આ મૂર્તિ 30 મિનિટમાં જ ઓગળી જાય છે. આવી મૂર્તિનો ભાવ 5 હજારથી લઈ 15 હજાર સુધીનો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *