લગ્ન થઇ ગયા બાદ પતિ કોઈ પણ કામ કરતો ના હતો. તેથી એની પત્ની તેના ત્રણ સંતાન સાથે વાપીમાં રહેવા આવી ગઈ. આ મહિલાને બિલ્ડરે નોકરીએ રાખ્યા બાદ બળજબરીથી વારંવાર શારીરિક સબંધ બાંધીને બાદમાં ચાર મિત્રોના હવાલે કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા નોકરી છોડી રહી છે તેમ કહ્યું તો બિલ્ડરે રિવોલ્વર બતાવીને સબંધ અંગે કોઇને નહી કહેવા ધમકી આપી હતી. જોકે, ત્રણ દિવસ પહેલા મહિલાને ગર્ભવતી હોવાની જાણ થતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અને મોડીરાતે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશની રહેવાસી 35 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2005 માં તેના જ વતનમાં થયા હતા. જોકે, લગ્ન સમયથી જ બેરોજગાર તેનો પતિ બે પુત્રી અને એક પુત્રીના જન્મ બાદ પણ કોઈ કામધંધો કરતો ના હતો. મહિલાએ ત્રણ વર્ષના પુત્રને વતનમાં માતાપિતા પાસે મૂકી 14 અને 11 વર્ષની બે પુત્રીને લઇ વાપીમાં પિતરાઈ ભાઈને ત્યાં રહેવા વર્ષ 2011 માં આવી હતી. ત્રણ વર્ષ પછી તેને એક હોસ્પિટલમાં રિસેપ્શનીસ્ટની નોકરી મળી ત્યારે એક વ્યક્તિએ વાપીમાં કિંગ વર્લ્ડ રીયલ્ટીના નામે કન્સ્ટ્રકશનનું કામ કરતા અને મેઈન હાઇવે નિશાન કારના શોરૂમની ઉપર શાંતિ કોમ્પ્લેક્ષમાં 102 માં ઓફિસ ધરાવતાં બિલ્ડર ગીરીરાજસિંહ હેમંતસિંહ જાડેજાનો મોબાઈલ નંબર આપી સારી નોકરી માટે તેમનો સંપર્ક કરવા કહ્યું હતું.
મહિલાએ સંપર્કના બે મહિના બાદ આ મહિલાને રૂપિયા 16 હજારના પગારે ઓફિસ મેનેજમેન્ટનું કામ સોપવામાં આવ્યું હતું. અને ચલા એરિયામાં ગુરુકુળ રોડ ખાતે એક રેસિડેન્સીમાં રહેવા ફ્લેટ પણ અપાયો હતો. એક દિવસ બપોરે ગીરીરાજસિંહ આ ફ્લેટ પર આવ્યો અને તેને બળજબરીથી બેડરૂમમાં લઇ જઇને શારીરિક સબંધ બાંધ્યો હતો. આમ નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી ગીરીરાજસિંહે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
મારું વાપીમાં બવ મોટું નામ છે, સાથે-સાથે રાજકારણમાં અને પોલીસ ખાતામાં મારી મોટી ઓળખાણ છે. તું મારા કહ્યા મુજબ નહીં કરે તો તને ક્યાંય રહેવા નહીં દઉં તેવી ધમકી આપી. ત્યાર બાદ ગીરીરાજસિંહે મહિલાને નોકરીમાથી કાઢી મુકવાની ધમકી આપી અવારનવાર શારીરિક સબંધ બાંધ્યો હતો. તે મહિલાને દમણની એક હોટલમાં પણ લઇ ગયો હતો અને ત્યાં પણ શરીર સુખ માણ્યું હતું. ગઈ 21 નવેમ્બરની રાત્રે ગીરીરાજસિંહે મહિલાને ફોન કરી કહ્યું “હું મારા ચાર મિત્રોને ફ્લેટ ઉપર મોકલું છું તેઓ તારી સાથે રાત ગુજારજે”. આવું કહેતા મહિલાએ કહ્યું “હું તેવી નથી , હું તેમને ઘરમાં આવવા નહીં દઉં” તો ગીરીરાજસિંહે ગુસ્સે થઇ મારુ ઘર ખાલી કરી દે તેમ કહ્યું હતું. આ વાત આ મહિલાની 14 વર્ષીય પુત્રીએ સાંભળી હતી અને તેણે સુરતમાં રહેતી આ મહિલાના મિત્રને ફોન કરી જાણ કરતા તે વાપી આવી હતી અને હકીકત જાણી પોતાની સાથે લઈ જવા તૈયારી કરી દીધી હતી.
આ મહિલા નોકરી છોડી સુરત તેની ફ્રેન્ડને ત્યાં જાય છે તેમ કહેવા બિલ્ડરની ઓફિસે પહોંચી તો ગીરીરાજસિંહે રિવોલ્વર બતાવી કોઈને પણ સંબંધ અંગે નહીં જણાવવા ધમકી આપી હતી. તેમજ લેટર અને કોરા કાગળો ઉપર સહી કરાવી અને અંગુઠાની છાપો લઇ મોબાઈલ ફોન અને રૂપિયા 2000 લઇ લીધા હતા. તે સાંજે જ મહિલા તેની ફ્રેન્ડના સુરતના અડાજણ સ્થિત ઘરે બે પુત્રીઓ સાથે રહેવા આવી ગઈ હતી. દરમિયાન, ત્રણ દિવસ અગાઉ ગર્ભવતી હોવાની જાણ થતા તેણે ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સારવાર બાદ મહિલએ ગત મોડી રાતે ગીરીરાજસિંહ વિરુદ્ધ અડાજણ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે બનાવ વાપી ટાઉન પોલીસ મથકની હદમાં બન્યો હોય તપાસ વાપી ટાઉન પોલીસને સુપરત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.