બાળકોના યૌન શોષણના કેસમાં કાર્યવાહી કરતા CBIએ 83 આરોપીઓ વિરુદ્ધ 23 કેસ નોંધ્યા છે. આ તમામ આરોપીઓ પર બાળકોનું યૌન શોષણ કરવાનો અને તેમના વીડિયો બનાવીને વેચવાનો આરોપ છે. આ મામલામાં સીબીઆઈ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 76 સ્થળો પર દરોડા પાડી રહી છે. આ દરમિયાન ઓડિશામાં CBI ટીમ પર સ્થાનિક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
ઓડિશાના ઢેંકાનાલમાં CBI ટીમની સાથે મારામારી કરવાનો મામલો સામે આવ્યો છે. CBI ટીમ ઓનલાઈન ચાઈલ્ડ શોષણના મામલામાં રેડ કરવા માટે ગઈ હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ CBI ટીમની સાથે મારપીટ અને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના દરમિયાન સ્થાનિક પોલીસે CBI અધિકારીઓનું રેસ્ક્યૂ કર્યું હતું.
આ રાજ્યોમાં દરોડા પડી રહ્યા છે:
મળતી માહિતી મુજબ સીબીઆઈ દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, યુપી, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને તમિલનાડુમાં દરોડા પાડી રહી છે.
આ પ્રકારની ધરપકડ ગયા વર્ષે પણ થઈ હતી:
ગયા વર્ષે, સીબીઆઈએ આવા જ કેસમાં યુપી સરકારમાં કામ કરતા જુનિયર એન્જિનિયર રામ ભુવન યાદવ અને તેની પત્ની દુર્ગાવતીની ધરપકડ કરી હતી. તેઓ બાળકોના જાતીય શોષણનો વીડિયો બનાવીને ડાર્કનેટ પર વેચતા હતા. એ જ રીતે સીબીઆઈએ જમ્મુ અને કાશ્મીરના રહેવાસી નિયાઝ અહેમદ મીરની પણ આવા જ આરોપમાં ધરપકડ કરી હતી, જે અમેરિકામાં રહેતી તેની પત્ની દ્વારા તે દેશના બાળકોના જાતીય શોષણના વીડિયો અને તસવીરો વિદેશમાં ડાર્કનેટ દ્વારા વેચતો હતો. જ્યારે એફબીઆઈને આ અંગેની જાણ થઈ તો તેઓએ સીબીઆઈને જાણ કરી, ત્યારબાદ આ ધરપકડ કરવામાં આવી.
ડાર્કનેટ દ્વારા વિડિયો વેચાય છે:
સીબીઆઈ એ ભારતમાં ઈન્ટરપોલની નોડલ એજન્સી છે અને તેના કારણે પણ સીબીઆઈ બાળકો સામેના ગુનાઓને રોકવા અને તેની સામે કાર્યવાહી કરવામાં મદદ કરે છે. કારણ કે આવા મોટા ભાગના વીડિયો વિદેશમાં ડાર્કનેટ દ્વારા વેચવામાં આવે છે અને તે વિદેશમાંથી ઇન્ટરનેટ પર અપલોડ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાંથી પણ આવા કિસ્સાઓ સામે આવી રહ્યા હતા, જે બાદ CBIએ આ સ્પેશિયલ યુનિટની રચના કરી જેથી બાળકો સામે થતા ગુનાઓને રોકી શકાય.