ઓસ્ટ્રેલિયા (Australia)ના મહાન લેગ સ્પિનર શેન વોર્ન (Great leg-spinner Shane Warne)ના નિધનના સમાચારે સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. શેન વોર્ને શુક્રવારે થાઈલેન્ડ (Thailand)માં અંતિમ શ્વાસ લીધા હતા. વોર્ને હાર્ટ એટેકના કારણે 52 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. મળતી માહિતી અનુસાર તેમના મૃત્યુનું કારણ બહાર આવ્યું હતું. થાઈલેન્ડના અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરાયેલ ઓટોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, તેમનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું. તે દરમિયાન, મૃત્યુના થોડા કલાકો પહેલાના કેટલાક CCTV ફૂટેજ સામે આવ્યા છે અને શેન વોર્ને તેના અંતિમ સમયમાં શું કર્યું હતું તે જાણવા મળ્યું છે.
CCTV ફૂટેજમાં શેન વોર્નના મૃત્યુનું રહસ્ય:
અહેવાલ મુજબ, શેન વોર્નના મૃત્યુના થોડા કલાકો પહેલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે, શેન વોર્ને ચાર મસાજ કરતી મહિલાઓને રિસોર્ટમાં બોલાવી હતી. શુક્રવારે બપોરે 1:53 કલાકે ચાર મહિલાઓ રિસોર્ટમાં આવી હતી. જેમાંથી બે શેન વોર્નેનાં રૂમમાં ગઈ હતી અને બાકીની બે તેના મિત્રો પાસે ગઈ હતી. CCTV કેમેરા મુજબ તમામ મહિલાઓ બપોરે 2.58 વાગ્યે રિસોર્ટમાંથી નીકળી હતી. બે કલાક અને 17 મિનિટ પછી, એટલે કે 5:15 મિનિટે, શેન વોર્ન પ્રથમ વખત બેભાન જોવા મળ્યો, ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનો કરવામાં આવ્યો ખુલાસો:
થાઈલેન્ડ પોલીસે સોમવારે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર તેનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે. રાષ્ટ્રીય પોલીસના નાયબ પ્રવક્તા કિસાના પાથનાચારોન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વોર્નના પરિવાર અને ઑસ્ટ્રેલિયન દૂતાવાસ પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરનો રિપોર્ટ મોકલવામાં આવેલ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વોર્નના પરિવારને કોઈ શંકા નથી કે તેનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે.
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે:
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સન્માન સાથે દિગ્ગજ સ્પિનર શેન વોર્નના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેમાં લગભગ એક લાખ લોકો એકઠા થવાની ધારણા કરવામાં આવી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ વોર્નનું મનપસંદ મેદાન હતું. તેણે 1994માં આ જ મેદાન પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બોક્સિંગ-ડે ટેસ્ટમાં હેટ્રિક લીધી હતી. MCG મેદાનની બહાર વોર્નની પ્રતિમા લાગી છે. MCGના દક્ષિણી સ્ટેન્ડનું નામ એસકે વોર્ન સ્ટેન્ડ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટેસ્ટમાં 700 વિકેટ લેનાર પ્રથમ બોલર:
શેન વોર્ને તેની કારકિર્દી દરમિયાન 145 ટેસ્ટ મેચોમાં 708 વિકેટ લીધી હતી, જ્યારે 194 વનડેમાં 293 વિકેટ તેના ખાતામાં નોંધાઈ હતી. શ્રીલંકાના મુથૈયા મુરલીધરન પછી બીજા નંબરનો બોલર વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લેવાની બાબતમાં તેની પહેલા 700 વિકેટ પૂરી કરી હતી. બોલિંગના આ ઉચ્ચ શિખરને સ્પર્શનાર તે વિશ્વનો પ્રથમ બોલર બન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.