ચંદ્રયાન-3ને મળી વધુ એક સફળતા: રોવર પ્રજ્ઞાને ચંદ્ર પર ત્રણમાંથી બે કામ કર્યા પૂર્ણ- ISRO જાહેર કરી માહિતી

Published on Trishul News at 10:51 AM, Sun, 27 August 2023

Last modified on August 27th, 2023 at 10:53 AM

Chandrayaan-3 update news: ચંદ્રયાન-3ની સફળતાથી આખો દેશ હાલ ઉત્સાહિત છે અને ISROને પણ ચારે બાજુથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમની સફળ લેન્ડિંગ પછી રોવર પ્રજ્ઞાન ચંદ્ર(Chandrayaan-3 update news) પર ડેટા એકત્રિત કરી રહ્યું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) રોવરની દરેક હિલચાલ પર હાલ નજર રાખી રહ્યું છે. ISROના ચીફ એસ સોમનાથે શનિવારે જણાવ્યું છે કે અમે ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગથી ખૂબ જ ખુશ છીએ.

વૈજ્ઞાનિક મિશનના મોટાભાગના ઉદ્દેશો પૂરા થવા જઈ રહ્યા છે. મને લાગે છે કે તમામ વૈજ્ઞાનિક ડેટા ખૂબ જ સારા લાગી રહ્યા છે. પરંતુ અમે આવનારા 14 દિવસ સુધી ઘણા ડેટા તપાસવાનું ચાલુ રાખીશું અને અમને આશા છે કે આમ કરવાથી અમે વિજ્ઞાનમાં ખરેખર શાનદાર સફળતા મેળવીશું. તેથી અમે આવનાર 13-14 દિવસ માટે ઉત્સાહિત છીએ.

એસ સોમનાથે વ્યક્ત કરી ખુશી
ISROના ચેરમેન એસ સોમનાથે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ અને બેંગલુરુ ખાતે આવેલા ISROના કંટ્રોલ સેન્ટલમાં PM મોદીના આગમન પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, અમે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ અને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતથી ખૂબ જ ખુશ છીએ.

પીએમ મોદીએ મહિલા વૈજ્ઞાનિકોની કરી પ્રશંસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બેંગલુરુ પહોંચ્યા હતા અને ISROના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. ISROના કંટ્રોલ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3માં સામેલ ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમને મળ્યા હતા. આ સાથે PM મોદી મહિલા વૈજ્ઞાનિકોને પણ અલગથી મળ્યા હતા. તેમણે ચંદ્રયાન-3 મિશનમાં મહિલા વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા કરી હતી.

ચંદ્રયાન-3એ ત્રણમાંથી બે ઉદ્દેશ્યો પૂરા કર્યા
આ પહેલા શનિવારે ઈસરોએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ચંદ્રયાન-3 એ તેના ત્રણ ઉદ્દેશ્યોમાંથી બે પૂર્ણ કરી લીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ISROના હેન્ડલ પર લખ્યું હતું કે ચંદ્રયાન-3 મિશનના ત્રણ ઉદ્દેશ્યોમાંથી ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને નરમ લેન્ડિંગનું પ્રદર્શન પૂર્ણ થયું હતું. રોવરે પરિભ્રમણનું પ્રદર્શન પૂર્ણ કર્યું. હવે ઇન-સીટુ વિજ્ઞાનિક પ્રયોગો ચાલુ છે. તમામ પેલોડ્સ સામાન્ય રીતે કાર્ય કરી રહ્યા છે.

દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરી ભારતે ઈતિહાસ રચ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટ (બુધવાર)ની સાંજે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને એક ઈતિહાસ રચ્યો હતો. આ સાથે આપણો દેશ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બન્યો છે અને ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરનાર USA, પૂર્વ સોવિયત સંઘ અને ચીન પછી ચોથો દેશ બન્યો છે.

Be the first to comment on "ચંદ્રયાન-3ને મળી વધુ એક સફળતા: રોવર પ્રજ્ઞાને ચંદ્ર પર ત્રણમાંથી બે કામ કર્યા પૂર્ણ- ISRO જાહેર કરી માહિતી"

Leave a comment

Your email address will not be published.


*