અમદાવાદ(ગુજરાત): કોરોનાકાળમાં લોકોની આર્થિક સ્થિતિ પડી ભાગી છે. સ્કૂલો-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ પણ આર્થિક સંકડામણમાં છે. તેમ છતાં રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી લીધી છે. કોરોનાને કારણે મોટા ભાગનું શિક્ષણકાર્યની સાથે પરીક્ષા પણ ઓનલાઇન લેવામાં આવી હતી, પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા ભલે ઓનલાઈન લીધી, પણ વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી તો ઊઘરાવી જ લીધી. 1 એપ્રિલ 2020થી અત્યારસુધી લગભગ 10 કરોડ રૂપિયા જેટલી ફી ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાના નામે જ ઊઘરાવી છે.
ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની 2 પરીક્ષા યોજાઈ છે, જેમાં પરીક્ષા ફી લેવામાં આવી છે. કોરોનાકાળમાં પણ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની લેટ ફી યુનિવર્સિટીએ ઊઘરાવી છે.
ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 2020ના એપ્રિલથી અત્યારસુધીમાં લાખો વિદ્યાર્થીની 2 પરીક્ષા લેવામાં આવી છે. 2 પરીક્ષામાંથી 1 પરીક્ષા માટે અલગ અલગ સ્ટ્રીમમાં 175થી 225 રૂપિયા સુધીની પરીક્ષા ફી લેવામાં આવી હતી. અંદાજિત 3.30 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફી ભરી છે, જેનો આંકડો 6.50 કરોડ કરતાં પણ વધુ છે.
કુલ વિદ્યાર્થીઓમાંથી 1.5 % જેટલા વિદ્યાર્થીઓ પાસેથી અલગ અલગ ફી લેવામાં આવી છે. જેમાં કોઈની પાસેથી 100, 5000, 1000, 2000 રૂપિયા લેવામાં આવ્યા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓએ 2000 રૂપિયાની લેટ ફી ભરી છે, એટલે કે 5 હજાર વિદ્યાર્થી પાસેથી 50 લાખ કરતાં વધુની ફી લેવામાં આવી છે.
હાલમાં ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ છે એની પણ પરીક્ષા ફી લેવામાં આવી છે, જેમાં 1 એપ્રિલ 2021 પછી પણ 3 કરોડ જેટલી પરીક્ષા ફી લેવામાં આવી છે. આમ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોનાકાળમાં પરીક્ષા ફી અને લેટ ફીના 10 કરોડ જેટલા લેવામાં આવ્યા છે.
કોરોનાને કારણે ઘણા વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપી છે તો ઘણા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો કેટલાકની ઓફલાઈન પરીક્ષા પણ લેવામાં આવી છે. ત્યારે યુનિવર્સિટીએ ત્રણેય પરિસ્થિતિમાં પરીક્ષા ફી અને લેટ ફી તો લીધી છે. તેમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવી નથી. જે પ્રમાણે સ્કૂલોમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવી છે, કેટલીક સ્કૂલોએ સ્વૈચ્છિક ફી માફીની જાહેરાત કરી છે. ત્યારે યુનિવર્સિટીએ આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાકાળમાં પણ ફી પેટે 10 કરોડ રૂપિયાની આવક કરી છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને આવી પરિસ્થિતિમાં લેટ ફી માફી માટે પણ કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી.
આ ઘટના અંગે NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનામાં રાજ્યની અનેક યુનિવર્સિટી અને સ્કૂલોએ ફી માફ કરી છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફી માફી કરવામાં આવી ન હતી. વિદ્યાર્થીઓ પાસેથી કોરોનાકાળમાં પણ પરીક્ષા ફી અને લેટ ફી લેવામાં આવી છે. કોલેજો 1 વર્ષ જેટલો સમય સંપૂર્ણ બંધ રહી છે, આમ છતાં એના દ્વારા ફી લેવામાં આવી છે. NSUI દ્વારા પણ વારંવાર ફી માફીની માગણી કરવામાં આવી છે, આમ છતાં યુનિવર્સિટીએ પરીક્ષા ફી અને પરીક્ષાની લેટ ફીના કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે.
ગુજરાત યુનિવર્સિટીની LLM સેમેસ્ટર-4ની ઓનલાઇન પરીક્ષામાં લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લોનું પેપર હતું. વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે લોગ ઈન કર્યું હતુ. પરીક્ષાનો સમય શરૂ થયો હોવા છતાં અનેક વિદ્યાર્થીઓના પેપર જ ખુલ્યા ન હતા અને બાદમાં વિકલ્પ પણ સિલેક્ટ થતા ન હતા. 6 જુલાઈની પરીક્ષામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટિકિટમાં બેદરકારી પણ જોવા મળી હતી. LLMના સેમ-2ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ હોલ ટિકિટમાં વિદ્યાર્થીનું નામ અલગ અને ફોટો અલગ હોય છે. જેનાથી વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.