કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે ૫૦ ટકા કરતાં વધુ મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે અને હવે સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે. અમારું પ્રથમ લક્ષ્ય મોદીને હરાવવાનું છે. અમે આ માટે તમામ તાકાત લગાવીને કામ કરી રહ્યા છીએ. અમારું પોલિંગ સ્પષ્ટપણે નિર્દેશ આપે છે કે ભાજપ હારી રહ્યું છે. નરેન્દ્ર મોદીના ચહેરા પર પણ હાર દેખાઈ રહી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ખેડૂતો, રોજગાર અને પીએમના ભ્રષ્ટાચાર સહિતના મુખ્ય મુદ્દાઓ છે અને ભાજપ ચૂંટણી હારી રહ્યું છે એવું અમારું સ્પષ્ટ માનવું છે.
રાહુલ ગાંધીએ એવું પણ જણાવ્યું હતું કે આર્મી, એરફોર્સ અને નેવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કોઈ અંગત સંપત્તિ કે મિલકત નથી, જ્યારે મોદી એવું કહે છે કે યુપીએ વખતે સર્જિકલ સ્ટ્રાઈક માત્ર વીડિયો ગેમ્સમાં થયાં હતાં તો આ કોંગ્રેસનું નહીં, પરંતુ ભારતીય સેનાનું અપમાન છે. આ સર્જિકલ સ્ટ્રાઈક મોદીજીએ નથી કર્યાં, પરંતુ સેનાએ કર્યાં છે. અમે સેનાનું રાજકીયકરણ નથી કરતા, વડા પ્રધાનમાં એટલી સમજ હોવી જોઈએ કે તેઓ આર્મીનું અપમાન ન કરે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશની જનતા પૂછવા માગે છે કે મોદીજીએ રોજગારી અંગે કરેલા વાયદાનું શું થયું? અમારા મેિનફેસ્ટોમાં પ્રથમ ચેપ્ટર રોજગારી અંગે છે. મોદીજી આ અંગે કંઈક કહેતા નથી, કારણ કે તેમની પાસે કોઈ યોજના નથી. મેંં મોદીજીને કહ્યું હતું કે આ મુદ્દે ચાલો આપણે ડીબેટ કરીએ.
હું કોઈ પણ જગ્યાએ ડીબેટ કરવા તૈયાર છું. બસ, હું માત્ર અનિલ અંબાણીના ઘરે નહીં જઉંં. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે રાફેલ મામલામાં ચોકીદારે રૂ. ૩૦,૦૦૦ કરોડની ચોરી કરી છે. મેં સુપ્રીમ કોર્ટની આ મુદ્દે માફી માગી છે, પરંતુ ચોકીદાર ચોર છે એ એક નારો છે અને આ એક સચ્ચાઈ છે. મેં ભાજપ અને નરેન્દ્ર મોદીની માફી માગી નથી, મેં માત્ર સુપ્રીમ કોર્ટની માફી માગી છે, કારણ કે મારાથી ભૂલ થઈ ગઈ હતી.