લોકસભા ચૂંટણી બાદ વિજય રૂપાણી CM નહીં હોય! જાણો ક્યાં દિગ્ગજ નેતાએ કર્યો દાવો

Published on: 5:51 am, Wed, 17 April 19

જેમ જેમ ચૂંટણી માહોલ દરમિયાન રાજકીય પારો વધી રહ્યો છે તેમ તેમ નેતાઓની જીભ વધુને વધુ લપસી રહી છે. ગુજરાત કોંગ્રેસના ઈન-ચાર્જ રાજીવ સાતવે મંગળવારે કહ્યું કે, ભાજપના વિજય રૂપાણી બે મહિના પછી તેમના મુખ્યમંત્રીના પદે નહિ રહે. ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ સતવની આ કોમેન્ટ પર આકરો પ્રતિભાવ આપતા લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો.

રાજીવ સાતવને જવાબ આપતા રૂપાણીએ કહ્યું, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીનું રાજકારણ બે મહિનામાં ખતમ થઈ જશે. આમ તેમણે ઈશારામાં કહ્યું હતું કે કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પણ હારી જશે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીની મતગણતરી 23 મેના રોજ યોજાવાની છે. સાતવે એરપોર્ટ પર એક રિપોર્ટર સાથેની વાતચીતમાં રૂપાણી પર કોમેન્ટ કરી હતી.

આ નિવેદનને લઈને મીડિયા માધ્યમો દ્વારા સંપર્ક કરાતા રૂપાણીએ જણાવ્યું, “શું સાતવ મને હટાવવાનો નિર્ણય લેવા ભાજપમાં જોડાઈ રહ્યા છે? તે દીવાસ્વપ્ન જોઈ રહ્યા છે.” તેમણે વધુમાં જણાવ્યું, “કોંગ્રેસે 2017 વિધાનસભા ચૂંટણી પહેલા પણ આવી અફવા ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો. અમારી જીત પછી પણ વિપક્ષે આવી અફવા ફેલાવાનું બંધ નહતું કર્યું.” રૂપાણીએ ગીર-સોમનાથ ડિસ્ટ્રિક્ટના સુત્રાપાડામાં રિપોર્ટર્સ સાથે વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશ પછી મુખ્યમંત્રી રૂપાણી નું પદ જોખમમાં છે તેવી વિગતો બહાર આવી હતી પરંતુ હજી સુધી કોઈ ફેરફારો થયા નથી.