આપઘાતની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં, આપઘાત કરનાર પતિએ વિડીયો ઉતાર્યા બાદ સાબરમતી(Sabarmati) નદીમાં પડતુ મૂકી આપઘાત કર્યો હતો. આ વિડીયોમાં તેણે જણાવ્યું હતું કે, ‘હું કંટાળી ગયો છું, હું આપઘાત કરું છું, તેની જવાબદારી મારી પત્નીની રહેશે.’ આટલું કહી યુવકે આપઘાત કરી લીધો હતો. જે મોબાઇલથી વીડિયો બનાવ્યો હતો, તે પણ યુવક પાસે જ હોવાથી ભીનો થઇ જતાં ફોન બંધ થઇ ગયો હતો. જો કે, ત્યારબાદ ફોન રિપેર થતાં વીડિયો સામે આવ્યો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પત્નીનું મનસ્વી વર્તન:
મળતી માહિતી અનુસાર, કિરીટ દેવડા અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં રહે છે. તેમના લગ્ન 9 ડિસે. 2016ના રોજ સામાજિક રીત રીવાજ મુજબ મંજુ રાઠોડ સાથે થયા હતા. ત્યારબાદ મંજુએ દીકરીને જન્મ આપ્યો હતો. લગ્નના બે વર્ષ બાદ મંજુ પિતા અને ભાઇની ચઢામણીએ આવી જતાં મનસ્વી વર્તન કરવા લાગી હતી અને પતિ સહિતના સાસરિયાં સાથે ઝઘડો કરતી હતી. આ ઉપરાંત આર્થિક મદદ કરવા દબાણ પણ કરતી હતી.
કિરીટને સાવરણીથી માર્યો એટલે પિયર મૂકી આવ્યો:
પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મંજુ પતિ પર હાથ ઉગામતી હતી તથા મરી જવાની ધમકી આપતી હતી. આ ઉપરાંત સ્ત્રી તરફી કાયદા હોવાથી મંજુ પરિવારને કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપતી હતી. 30 જૂનના રોજ મંજુએ ઘરમાં કચરો વાળવાની બાબતે ઝઘડો કર્યો હતો. ત્યારે પતિ કિરીટે જણાવ્યું હતું કે, બહાર માતા-પિતા છે, ધીરે બોલ ત્યારે પત્ની ઉશ્કેરાઇ ગઇ હતી અને કિરીટને સાવરણીથી માર માર્યો હતો.
જેને પગલે પરિવારના સભ્યો આવ્યા હતા અને મંજુને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કોઇની વાત સાંભળવા તૈયાર ન હતી. જેથી કિરીટે સાળાને ફોન કરી મંજુને લઇ જવા કહ્યું હતું. પરંતુ તેણે સવારે લેવા આવીશું તેમ કહ્યું હતું. જેથી બીજા દિવસે કિરીટ પત્નીને પિયર મૂકી આવ્યો હતો. પરંતુ કિરીટ પાછો ફર્યો ન હતો. આ દરમિયાન બપોરે કિરીટના ભાઇ મનોજ પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કિરીટે નદીમાં કૂદી આપઘાત કરી લીધો છે.
કિરીટના ભાઈએ ભાભી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી:
આ પછી પરિવાર રિવરફ્રન્ટ પહોંચ્યો હતો. જ્યાં કિરીટની લાશ મળી આવી હતી. બીજી તરફ કિરીટનો મોબાઇલ અને પર્સ પણ મળી આવ્યું હતું. મોબાઇલ ફોન ભીનો થયો હોવાથી બંધ થઇ ગયો હતો. પરંતુ તેને ચાલુ કરાવતા તેમાં વીડિયો હતો. જેમાં કિરીટે કહ્યું હતું કે, હું મારી જિંદગીથી કંટાળી ગયો છું, એટલે આપઘાત કરવા જાઉં છું તેની જવાબદાર મારી પત્ની રહેશે. આ વીડિયો બાદ કિરીટના ભાઇએ ભાભી મંજુ સામે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.