સુરત: શહેરમાં કોરોનાની લહેર સામે જંગ જારી છે. મોટી સંખ્યામાં કોમોર્બિડ અને વડીલ દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે. હ્રદયના વાલ્વની બિમારી ધરાવતા નાનપુરા વિસ્તારના ૫૦ વર્ષીય ઝાકિરાબીબી મહંમદ શેખે પૂરતાં આત્મવિશ્વાસ સાથે કોરોના સામે વિજય મેળવ્યો છે. હદયના વાલની બિમારીથી પીડિત ઝાકીરાબીબીબેન સ્મીમેર હોસ્પિટલમાં ૨૪ દિવસની સારવાર લઈ કોરોનામુક્ત થઈને ઘરે પરત ફર્યા ત્યારે તેમનો પરિવાર ખુશખુશાલ બન્યો હતો.
સ્મીમેર હોસ્પિટલમાં સારવાર મેળવી સ્વસ્થ થયેલા ઝાકિરાબીબી શેખ જણાવે છે કે, ‘તા.૧૮ એપ્રિલના રોજ તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા RTPCR ટેસ્ટ કરાવ્યો. જે પોઝિટીવ આવ્યા બાદ તા.૨૦નાં રોજ પરિવારના સભ્યો દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મને ૧૫ લિટર ઓક્સિજન માસ્ક પર રાખવામાં આવી હતી. મને સાત વર્ષથી હ્રદયના વાલ્વની બિમારી છે. શરૂઆતમાં કોરોનાના ડરને કારણે મારી તબિયત વધુ બગડતાં તા.૨૩ એપ્રિલે મને બાપપેપ પર રાખવામાં આવી હતી, ત્યારે તબીબોએ મને સમજાવી કે ધીરજ અને આત્મવિશ્વાસ રાખો, અમે તમારા જેવા કેટલાય દર્દીઓને સ્વસ્થ કર્યા છે.તમને કોરોના છે જ નહિ એવી કલ્પના કરો, બાકીનું અમારા પર છોડી દો.’ તબીબોની પ્રેરણાથી ‘હું સ્વસ્થ થઈશ જ’ એવી આશા ઉભી થઈ હતી.
પૂરતી સારવાર અને નિયમિત મોનિટરીંગથી શ્વાસ લેવામાં ઘણી રાહત મળી હતી, ત્યારબાદની આપવામાં આવેલી સારવારથી તબિયતમાં ઘણો સુધાર થયો. તા.૭ મેએ ૪ લિટર ઓક્સિજન માસ્ક સાથે તબિયત સારી હોવાથી સુરત મહાનગરપાલિકાના ગવર્નમેન્ટ ક્વોટાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી, જ્યાં મને નોર્મલ રૂમમાં રાખી ૧૩ મેના રોજ રજા આપવામાં આવી. મારા સ્વસ્થ થવા પાછળ સ્મીમેર હોસ્પિટલનાં તબીબો અને અન્ય સ્ટાફની મહેનત છે. હું એમની આભારી અને કૃતજ્ઞ છું, કારણ કે તેમની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર, યોગ્ય સંભાળથી હું કોરોના મહામારી સામે હ્રદયની બિમારી છતાં જીતી છું.’
સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ડો.જનક રાઠોડ, ડો.વંદના, ડો.રિયા, ડો.જયમિન, ડો.શ્રેયા, ડો.નિરવ, ડો.ઐશ્વર્યા, ડો.ચેતના, ડો.પુનમ, ડો.શ્રેયા અને ટીમ દ્વારા જહેમતભરી યોગ્ય સારવાર કરવામાં આવી. જેથી તેઓ કોમોર્બિડ હોવા છતાં કોરોનામુક્ત થયા.
કોરોના સંક્રમિત દર્દીઓની હિંમત અને કોરોના વોરિયર ડોક્ટર્સની મહેનત જ્યારે સાથે મળે છે ત્યારે કોરોનાને પણ હાર માનવી પડે છે. મૂળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વરલ ગામના ૪૧ વર્ષીય પ્રવિણભાઈ અમરાભાઈ કવાડ સુરતની સિવિલ હોસ્પિટલમાં ૨૦ દિવસની સંઘર્ષમય અને દીર્ઘ સારવાર બાદ કોરોના સામે જંગ જીત્યા છે. પ્રવિણભાઈને ૫૫ ટકા ફેફસાંમાં કોરોનાનું ઈન્ફેકશન હતું. ૧૫ દિવસ બાયપેપ રહીને સ્વસ્થ થયાં છે. તબીબોની મહેનત રંગ લાવી હતી, જ્યારે ગત તા.૧૪ મે ના રોજ તેઓને સંપૂર્ણ સ્વસ્થ કરીને ઘરે મોકલ્યા હતાં.
પ્રવિણભાઈએ જણાવ્યું કે, તાવ, ખાંસી, કફ જેવા પ્રાથમિક લક્ષણો હોવાથી વતનમાં ખાનગી દવાખાનામાં પ્રાથમિક સારવાર લીધી. પરંતુ શ્વાસ લેવામાં તફલીફ વધતાં તબીબની સલાહથી પરિવારજનોએ એમ્બ્યુલન્સ મારફતે સુરતની સિવિલ હોસ્પિટલમાં તા.૨૫મી એપ્રિલના રોજ દાખલ કર્યો. જ્યાં રેપિડ અને RTPCR રિપોર્ટ પોઝિટીવ આવ્યો. જેથી કોવિડ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી, એ સમયે મારૂ ઓક્સિજન લેવલ ઘટીને ૮૪ ટકા થઈ ગયું હતું. જેથી તત્કાલ બાયપેપ પર રાખવામાં આવ્યો.
જરૂરી સારવાર સાથે પ્લાઝમા પણ આપવામાં આવ્યું. ૧૫ દિવસ સતત બાયપેપ રાખ્યા બાદ તબિયતમાં સુધારો થતાં ત્રણ દિવસ NRBM ઓક્સિજન માસ્ક પર રાખ્યો. ડોકટરોની મહેનતના પરિણામે મારી તબિયતમાં ખાસ્સો સુધારો આવતા બે દિવસ નોર્મલ રૂમ એર પર રાખ્યો. સિવિલમાં કુલ ૨૦ દિવસની લાંબી સારવાર બાદ તબિયતમાં સુધારો આવ્યો, અને આખરે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તા.૧૪ એપ્રિલે રજા આપવામાં આવી. ૨૦ દિવસ સુધી કોરોના સામે સંઘર્ષમય લડત બાદ હું સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો છું, જેનો સંપૂર્ણ શ્રેય સિવિલના મહેનતુ તબીબોને જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાથી ડર્યા વગર સારવાર લેવી જોઈએ. માનસિક રીતે ‘પોઝિટિવ’ રહી કોરોનાને ‘નેગેટિવ’ કરી શકાય છે. કોરોના થયો અને મારૂ ઓક્સિજન લેવલ ઓછું થઈ જવા છતાં બિલકુલ ગભરાયો નહિ, અને કોરોનાને મ્હાત આપી છે. ૨૦ દિવસની સારવારમાં ૧૫ દિવસ બાયપેપ પર રહ્યો એ મારા માટે ખૂબ કઠિન દિવસો હતાં. અમને નવી સિવિલના તબીબો પર વિશ્વાસ હતો, જેથી સારવાર માટે ભાવનગરથી સુરત આવ્યાં હતાં. સિવિલના સ્ટાફનો આભાર માનતાં તેઓ કહે છે કે, સિવિલમાં મળેલી નિ:સ્વાર્થ સારવારના કારણે આજે હું મારા પરિવારને ફરી વાર મળી શક્યો છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.