કોંગ્રેસના નેતાઓ પહોચ્યા મુખ્યમંત્રી રૂપાણીના નિવાસસ્થાને- કરી આ રજૂઆત

આપણે સૌ એ બાબતના સાક્ષી છીએ કે માર્ચ-2020થી કોરોના મહામારીના કારણે સમગ્ર રાજ્યમાં ભયના વાતાવરણ વચ્ચે હાલ વેપાર-ધંધા અને ઉદ્યોગો ભાંગીને ભુક્કો થઇ ગયા છે.…

આપણે સૌ એ બાબતના સાક્ષી છીએ કે માર્ચ-2020થી કોરોના મહામારીના કારણે સમગ્ર રાજ્યમાં ભયના વાતાવરણ વચ્ચે હાલ વેપાર-ધંધા અને ઉદ્યોગો ભાંગીને ભુક્કો થઇ ગયા છે. લાખો યુવાનો બેરોજગાર બની ગયા છે, નોકરીઓ છીનવાઈ રહી છે, ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે. મહિલાઓને મોંઘવારી પજવી રહી છે અને ગરીબ તથા મજુરોને બે ટંકનો રોટલો મળવો પણ મુશ્કેલ બન્યો છે.

મોંઘી ફીના બોજ વચ્ચે સદંતર બંધ શાળા-કોલેજોથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે. હવે આપણે સૌએ એ સ્વીકારવું પડશે કે મંદી, મોંઘવારી અને બેરોજગારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખુબજ આર્થિક, માનસિક અને શારીરિક તકલીફો ભોગવી રહ્યા છે અને આવી કટોકટીની સ્થિતિ વચ્ચે કોરોના સંક્રમણની અતિ ઘાતક, આક્રમક અને વ્યાપક બીજી લહેરે આરોગ્યની પાંગળી વ્યવસ્થા વચ્ચે મોત સામે સંઘર્ષ કરી રહેલા સમગ્ર ગ્રામીણ ગુજરાતમાં ખુબ જ ભયજનક સ્થિતિ ઉભી કરી છે.

કોરોનાના કેસો શહેરોની સાથોસાથ હાલ ગ્રામ્યકક્ષાએ ખૂબ વધી રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં દરેક ગામોમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ કોરોના ટેસ્ટની પુરતી કીટ અને સુવિધા ઉપલબ્ધ ન હોવાથી કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ કે પ્રાથમિક લક્ષણો હોઈ તેવા દર્દીઓને સમયસર અને સહેલાઈથી ટેસ્ટ ન થઈ શકવાના કારણે નિદાન થવામાં વિલંબ થઈ જાય છે અને કોરોના પોઝીટીવ છે તેની ખબર પડે ત્યાં સુધીમાં અનેક નાગરીકોના સંપર્કમાં આવી ચુકયા હોય છે.

આવા દર્દીઓની પરિસ્થિતિ ગંભીર બને ત્યારે તેમને દાખલ થવા સહિત ઓકસિજનની જરૂરીયાત ઉભી થાય છે. સ્થાનિક કક્ષાએ પુરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાના લીધે દર્દીની સ્થિતિ ગંભીર બને છે. રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત મુખ્ય શહેરી વિસ્તારોમાં કોરોના સક્રમણ બેકાબૂ છે. આવા મહાનગરોમાં આરોગ્યની સરકારી અને ખાનગી સુવિધાઓ/હોસ્પિટલો મોટી સંખ્યામાં ઉપલબ્ધ હોવા છતાં જરૂર પડતા તાત્કાલિક સારવાર કે પથારી કોરોના દર્દીઓને મળી શકતી નથી.

મોટા શહેરોમાં જયાં ખાનગી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં તજજ્ઞ ડોકટરો હોય છે અને અનેક એમડી કક્ષાના ખાનગી ડોકટરો હોય છે, તેવા શહેરોમાં પણ હોસ્પિટલોમાં જગ્યાઓ/પથારીઓ ઉપલબ્ધ ન હોવાથી 108 એમ્બ્યુલન્સ 24 થી 48 કલાક સુધી દર્દીને લેવા માટે આવતી નથી ત્યારે એ કલ્પના કરવી જ રહી કે, 8-10 ગામો વચ્ચે એક માત્ર MBBS ડોકટર હોય છે.

MBBS ડોકટરને કોવિડ-19 કે શ્વાસ, ફેફસા કે તેને લગતી અતિ ગંભીર બિમારીની સારવારનો અનુભવ નથી તેવા ગામોમાં અનેક કેસો નોંધાયા છે અને તેને સમયસર નિયંત્રિત અને નિદાન ન કરવાના કારણે ગામોની પરિસ્થિતિની કલ્પના કરવાથી જ હ્રદય દ્વવી ઉઠે છે. આવા ગ્રામ્યના નાગરીકોને આરોગ્યની પ્રાથમિક સારવાર આપવી એ સરકારની બંધારણીય ફરજ છે. ફરજ નહીં તો પણ માનવતા દાખવીને સારવાર કે સમયસર નિદાન ન થવાના કારણોસર કોઈ નાગરીકનો જીવ જાય કે વધુ નાગરીકો તેના કારણે સંક્રમિત થાય તે બિલકુલ વ્યાજબી કે ન્યાયી નથી.

ડીસેમ્બર-2020ની સ્થિતિએ રાજ્યમાં સરકારી અને જનરલ હોસ્પિટલોમાં વર્ગ-1ની 829, વર્ગ-2ની 628, વર્ગ-3ની 3857 અને વર્ગ-4ની 1006 જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-1ની 479, વર્ગ-2ની 298, વર્ગ-3ની 1182 અને વર્ગ-4ની 1164 જેટલી જગ્યાઓ ખાલી છે. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-2ની 502, વર્ગ-3ની 1358 અને વર્ગ-4ની 1169 જેટલી જગ્યાઓ ખાલી છે.

વર્ગ-1 અને વર્ગ-2ની ડોકટરો અને પેરામડીકલ સ્ટાફની મોટાપાયે જગ્યાઓ ખાલી હોવાથી નાગરીકોને મહામારીમાં સમયસર સારવાર મળતી નથી. ગ્રામ્ય કક્ષાએ કોરોનાના કેસો વધતા અનેક માનવ જીંદગીઓ પાણી વગર માછલી તરફડે તેમ ઓકસીજન, દવાઓ સહિતની સારવાર ઉપલબ્ધ ન થવાના કારણે માનવ જીંદગી તરફડી રહી છે અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસોને અટકાવવા નક્કર પગલાંઓ લેવામાં નહીં આવે તો મોટી માનવ જીંદગીઓને કોરોનાની બીજી ઘાતક લહેર છીનવી જશે.

કોરોનાની પહેલી અને બીજી લહેર વચ્ચે અંદાજે એક વર્ષ જેટલો સમય થયો એટલે કે, પહેલી લહેર બાદ સરકારે કોરોના સામે આયોજનપુર્વક સામનો કરવા માટે વૈજ્ઞાનિક અને તબીબી આયોજન કર્યું હોત તો કરી શકાયું હોય અને સી-પ્લેનના ઉદ્ઘાટન અને આયોજન કરવાના બદલે મહામારીમાં લડવા સામે એર એમ્બ્યુલન્સ નહીં તો રોડ પર ચાલી શકે તેવી એમ્બ્યુલન્સ, ઓકસિજન ક્ષમતા, દવાઓ, વેકસીનેશન કાર્યક્રમ, આઈસોલેશન સેન્ટર, રેમડીસીવર ઈંજેકશન વગેરે સહિતના અનેક આગોતરા આયોજન કરીને નાગરીકોના જીવ બચાવી શકાયા હોત.

ખેર! અત્યારે આ સરકારની ટીકા કરવાનો સમય નથી પરંતુ હકીકતે સરકારે કરવાની થતી કામગીરી ન કરીને સ્વપ્રસિધ્ધી માટે કામગીરી કરી હોઈ તેવા કારણોસર રાજ્યના નાગરીકો જીવ ગુમાવી રહ્યાનો અહેસાસ થાય છે. કોરોના દર્દીઓના ઓકસિજનના અભાવે મૃત્યુ ન થાય તે માટે એપ્રિલ-2020માં ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ, ભારત સરકારે જરૂરી ઓકસિજન પ્લાન્ટ ઉભા કરવા અને આયોજન કરવાની જાણ કરવામાં આવેલ તેમ છતાં રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગે કોઈ નક્કર પગલાં લીધાં નહીં અને તેના કારણે રાજ્યમાં કોરોના દર્દીઓ માટે ઓકસીજન, સીલીન્ડરમેળવાવ અફરા-તરફી મચી જવા પામેલ અને કોરોના દર્દીઓના પરીવારજનોને કલાકો સુધી ઓકસીજન સીલીન્ડર રીફીલીંગ કરાવવા માટે લાઈનમાં ઉભા રહેવાની નોબત આવી હતી. રાજ્યમાં બેફામ રેમડીસીવર ઈજેંકશનની ગેરકાયદેસર થતી કાળાબજારી અને ગેરકાયદેસર બનાવટી રેમડીસીવર ઈંજેકશનનું ઉત્પાદન અને વેચાણ અટકાવવામાં તેમજ જરૂરીયાતવાળા દર્દીઓને સમયસર રેમડેસીવર ઈંજેકશનો પુરા પાડવાના આયોજનમાં રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર બિલકુલ નિષ્ફળ નિવડ્યા છે.

દર્દીઓને સમયસર રેમડીસીવર ઈંજેકશનો પુરા પાડવાનું આયોજન કરવામાં નિષ્ફળ જતાં દર્દીના સ્વજનો કાળાબજારીમાં હજારો-લાખો રૂપિયાના ઈંજેકશનો લેવા મજબુર બન્યા છે. તેમજ બનાવટી રેમડીસીવર ઈંજેકશનના કારણે અનેક દર્દીઓ મોતના મુખમાં ધકેલાયા છે. આવા બનાવટી ઈંજેકશનોનું ઉત્પાદન શરૂ થઈને હજારો-લાખો ઈંજેકશનો અનેક દિવસો સુધી રાજ્યના અનેક જીલ્લાઓમાં વેચાઈ રહ્યા હતા તેમ છતાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર દ્વારા કેમ અટકાવવામાં ન આવ્યા?

હાલના સંજોગોમાં ગુજરાતના 18000 ગામોમાં કોરોના સક્રમણને ફેલાતું અટકાવવા માટે તાત્કાલિક નિદાન અને પુરતી સારવાર સમયસર મળી રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ સુવિધા ઉપલબ્ધ હોવાની વાત તો દૂર રહી પરંતુ તાલુકા કક્ષાએ પણ નિદાન માટે જરૂરી RT-PCR ટેસ્ટ, સીટી સ્કેન, ડી-ડાઈમર સહિતના ટેસ્ટ થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ નથી અને અમુક જીલ્લામાં તો જીલ્લા કક્ષાએ પણ ખૂબ મુશ્કેલીઓ છે.

ગ્રામ્ય કક્ષાએ 8-10કે તેથી વધુ ગામો વચ્ચે માત્ર એક સામુહીક આરોગ્ય કેન્દ્ર (CHC) કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) હોય છે ત્યાં પુરતા પ્રમાણમાં કોરોના ટેસ્ટીંગ માટેની રેપીડ એન્ટીજન ટેસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ નથી. આ દરમિયાન RT-PCR ટેસ્ટની તો વાત જ કયાં કરવી? આ સત્ય હકીકત છે જેને સ્વીકારવી જ રહી. આવા મહામારીના સમયે ગ્રામ્ય કક્ષાએ કોરોના મહામારીમાં નાગરીકોને સમયસર સારવાર મળી રહે તે માટે તાત્કાલિક નીચેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.

(૧) ગ્રામીણ વિસ્તારોમાં દરેક સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પુરતી સંખ્યામાં RT-PCR ટેસ્ટ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા, RT-PCR ટેસ્ટનો દર વધારવા તેમજ પર્યાપ્ત માત્રામાં ટેસ્ટીંગ કીટ ઉપલબ્ધ કરાવવા વિનંતી.
(૨) દરેક તાલુકા કક્ષાએ સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ કરાવવી.
(૩) ગ્રામીણ વિસ્તારોમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાલીમ તજજ્ઞ મેડીકલ સ્ટાફની ઘટ પુરવી.

(૪) કોરોના માટે સંજીવની સમાન રેમડીસીવર ઈંજેકશન, ફેબીબ્લુવગેરે દવા સહિત ઓકસીજનનો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવો.
(૫) ગ્રામીણ વિસ્તારોમાં દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વેન્ટીલેટર, આઈસીયુ અને ઓકસીજનની સુવિધા ઉપલબ્ધ કરાવવી.
(૬) ગ્રામ્ય, તાલુકા, જીલ્લા કક્ષાએ કોરોના માટે જરૂરી ઈંજેકશન અને દવાની કાળા બજારી અટકાવવી.

(૭) હોમ આઈસોલેશન કે શાળામાં આઈસોલેશન વોર્ડમાં રહેતા લોકોને દૈનિક મેડીકલ ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવે અને આવા દર્દીઓને જરૂરી દવાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે.
(૮) ગામમાં હોમ આઈસોલેશનની જરૂર હોય ત્યારે ગામના બધા નાગરીકોના ઘરે અલગથી હોમ આઈસોલેશન થઈ શકાય તેવી જગ્યા/મકાન હોતું નથી. તેથી ગામમાં કોઈ નાગરીકોના ઘરે આઈસોલેશનની યોગ્ય જગ્યા ન હોય અને હોમ કવોરીન્ટીન રાખવું શકય ન હોય જેના કારણે ઘરના એક સભ્ય દ્વારા બીજા સભ્યોને સંક્રમણનો ભોગ ન બને તે માટે ગામની પ્રાથમિક કે માધ્યમિક શાળામાં ૧૫-૨૦ બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવે અને તેની જવાબદારી કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને સોંપવામાં આવે.
(૯) RT-PCR ટેસ્ટ નેગેટીવ આવે છે પરંતુ હકીકતમાં દર્દીને કોરોનાના લક્ષણો હોય છે તેવા દર્દીઓ માટે ચોક્કસ નીતિ નક્કી કરીને સારવાર ઉપલબ્ધ કરાવવા.

(૧૦) ગામમાં કોઈ નાગરીકોને કોરોના સંબંધી આરોગ્યલક્ષી જરૂરીયાત હોઈ તો તાલુકા આરોગ્ય અધિકારીશ્રી કે તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરી શકે તે માટે તેઓના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવે.
(૧૧) રાજ્યના તમામ તાલુકા સ્તરે કોવીડ લેબોરેટરી શરુ કરવા તથા RT-PCR તથા ડીડાઈમરની ટેસ્ટીંગ કીટ સત્વરે અને પૂરી માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવે.
(૧૨) રાજ્યના તમામ તાલુકામાં PHC અને CHC કેન્દ્રોને સત્વરે દવા, રેમડેસિવીર ઇન્જેક્શન, પુરતી માત્રામાં ઓક્સીજન, ઓક્સીજન માસ્ક, રીબ્રીધીંગ માસ્ક, જમ્બો સીલીન્ડર અને ચાવી તથા પાના સહિતની એસેસરીઝ, ઓક્સીપલ્સ મીટર, ઓક્સીફ્લો મીટર, હ્યુમીડીફાયર, HFNC અને બાઈપેક વેન્ટીલેશનની સુવિધા સહીત સત્વરે કોવીડ કેર સેન્ટરમાં તબદીલ કરવા માટે વિનંતી.

(૧૩) તાલુકા કક્ષાએ કોરોના માટેનો હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવે.
(૧૪) રાજ્યના તમામ તાલુકામાં CHC સંલગ્ન ઓક્સીજનની સુવિધા સહીત ICU એમ્બ્યુલન્સ સત્વરે ઉપલબ્ધ કરાવવામાં આવે.
(૧૫) રાજ્યના તમામ તાલુકા સ્તરે સ્થિત સરકારી હોસ્પિટલ તેમજ CHC અને PHCમાં ડોક્ટર, પેરા-મેડીકલ સ્ટાફ, લેબોરેટરિયન સહીત વિવિધ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓને હંગામી કે કાયમી ધોરણે ભરવાની સત્વરે કાર્યવાહી કરવામાં આવે.

(૧૬) રાજ્યમાં ઓક્સીજન વાયુનું ઉત્પાદન કરતા તમામ ખાનગી પ્લાન્ટોના હંગામી ધોરણે સંપૂર્ણ વીજબીલ માફ કરવામાં આવે.
(૧૭) રાજ્યની તમામ ડેઝીગ્નેટેડ તથા નોન-ડેઝીગ્નેટેડ એવી સરકારી અને ખાનગી હોસ્પિટલોને સમાન ધોરણે તમામ પ્રકારના દર્દીઓની સારવાર માટે હંગામી ધોરણે છૂટ આપવામાં આવે તથા કોવીડના દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલોને પણ રેમડેસિવિર અને ટોસીજુબેમ જેવા ઇન્જેકશનો સહીત પર્યાપ્ત માત્રામાં જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
(૧૮) રાજ્યમાં ઓક્સીજનના ખાલી સિલિન્ડરનું ઉત્પાદન કરતી દરેક કંપનીઓને સત્વરે લીક્વીડ ઓક્સીજન વાપરવાની મજુરી સહીત પર્યાપ્ત માત્રામાં જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે.

(૧૯) રેમડેસિવિર અને ટોસીજુબેમ જેવા જીવન રક્ષક ઇન્જેકશનોની ઉત્પાદક કંપનીઓને સરકારના નિયંત્રણ તળે સ્થાનિક ખુલ્લી બજારમાં સીધું વેચાણ કરવાની મંજુરી આપવામાં આવે.
(૨૦) રાજ્યમાં તમામ તાલુકા સ્તરે કોવીડ કેર સેન્ટરોમાં આયુષ અને અન્ય ઉપચાર વિષયના તજજ્ઞ અથવા અનુભવી ડોકટરોની સહાયક તરીકે સત્વરે નિમણુંક કરવામાં આવે.
(૨૧) રાજ્યની હોસ્પીટલોમાં હાલ વારંવાર બનતા આગજનીના બનાવોને રોકવા માટે અતિ-જવલનશીલ એવા લીક્વીડ ઓક્સીજનની 93%+ શુધ્ધતાને ઘટાડી અને માત્ર 85%+ સુધી નિયંત્રિત કરવામાં આવે, જેથી આગજનીના બનાવો ઘટાડી શકાય તેમજ ઓક્સિજનનો વધુ જથ્થો ઉત્પાદિત થાય.

(૨૨) રાજ્યની સરકારી અને ખાનગી કોવીડ કેર હોસ્પીટલમાં કામ કરનારા વિવિધ સંવર્ગના તમામ કોરોના વોરીયર્સને વિનામુલ્યે સારવાર, વીમાનું રક્ષણ, વિશેષ આર્થિક વળતર તથા આરોગ્ય તકેદારીના ઉચિત પગલાં ભરવામાં આવે.
(૨૩) રાજ્યની દરેક સરકારી હોસ્પિટલ, PHC તથા CHC માં તમામ દર્દીઓને વિના વિલંબે દાખલ કરવા તથા તેની યોગ્ય સારવારની ખાતરી આપવામાં આવે.
(૨૪) સમગ્ર રાજ્યમાં કોરોના વિરુધ્ધની લડાઈને વધુ અસરકારક બનાવવા માટે ગ્રામ્ય, તાલુકા, જીલ્લા અને રાજ્યસ્તરે વાઈરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કો-ઓર્ડીનેશન કમિટીની સત્વરે રચના કરવામાં આવે.

(૨૫) રાજ્યમાં હવાઈ, રેલ કે અન્ય પ્રવાસીઓ માટે માત્ર એન્ટીજન ટેસ્ટ ફરજીયાત બનાવી અને હાલ અગ્રતાના ધોરણે અતિ જરૂરીયાતમંદ સારવાર હેઠળના દર્દીઓને RT-PCR નો રીપોર્ટ સત્વરે ઉપલબ્ધ કરાવીએ.
(૨૬) રાજ્યના દરેક જીલ્લા તથા તાલુકા સ્તરે RT-PCR તથા HRCT ટેસ્ટની વિનામુલ્યે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.
(૨૭) રાજ્યના 18+ આયુના તમામ લોકોને વિનામુલ્યે રસીકરણનું સરળ અને સુદ્રઢ આયોજન અને તેનું સત્વરે અમલીકરણ કરવામાં આવે, તેમજ 45+ આયુના તમામ લોકોને બીજા તબક્કાની રસી સત્વરે ઉપલબ્ધ કરાવવામાં આવે.

(૨૮) રાજ્યમાં તમામ જીલ્લા અને તાલુકા સ્તરે RT-PCR, HRCT અને બ્લડ રીપોર્ટ તથા ઓક્સીજન લેવલના આધારે સારવાર માટે હંગામી ધોરણે ઓનલાઈન માર્ગદર્શન કેન્દ્ર શરુ કરવામાં આવે.
(૨૯) રાજ્યમાં કોવીડની અતિગંભીર મહામારી વચ્ચે સરકારી અને ખાનગી તમામ હોસ્પિટલોમાં માં અને માં-અમૃતમ યોજના હેઠળના તમામ નાના, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વિનામુલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે.
(૩૦) રાજ્યમાં મેડીકલ અથવા નર્સિંગના વિવિધ કોર્સમાં પાસ થયેલ પરંતુ હાલ નોકરીથી વંચિત અથવા નિષ્ક્રિય હોઈ તેવા તમામ અનુભવી ડોકટરો અને કુશળ કાર્યકર્તાઓને સત્વરે હંગામી કે કાયમી ધોરણે સરકારી કે ખાનગી કોવીડ કેર સેન્ટરોમાં નિમણુંક આપવામાં આવે.

(૩૧) વિદેશમાં MBBS નો અભ્યાસ પૂર્ણ કરી અને પરત આવેલા પરંતુ હાલ MCI ની પરીક્ષા/મજુરી ન મેળવી હોઈ તેવા તમામ ડોકટરોને PHC અને CHC લેવલે હંગામી ધોરણે કામગીરી કરવાની છૂટ આપવામાં આવે.
(૩૨) રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2020-21 દરમ્યાન ધોરણ 10 અને 12 સહીત તમામ વિદ્યાર્થીઓને સર્વગ્રાહી મૂલ્યાંકનના આધારે માસ અથવા મેરીટ બેજ પ્રમોશન આપવું જોઈએ.
(૩૩) રાજ્યમાં કોરોનાની ઘાતક મહામારીથી સામાન્ય માણસને સાવચેત કરવા માટે 1-જાન્યુઆરી, 2021થી 30-એપ્રિલ, 2021 દરમિયાન કોરોનાનું સંક્રમણ, કોરોનાની આડઅસર અને કોરોનાથી શંકાસ્પદ રીતે નોંધાયેલા મૃત્યુના સાચા આંકડાઓ સત્વરે જાહેર કરવામાં આવે.

ગ્રામ્ય કક્ષાએ કોરોનાની સારવાર ઉપલબ્ધ ન હોવાથી છેક જીલ્લા કક્ષા સુધી સારવાર માટે લાંબુ થવું પડે છે ત્યારે જીલ્લા કક્ષાએ તો પહેલાંથી જ કોરોના દર્દીઓ અને સંખ્યા વધુ હોવાના કારણે જીલ્લા કક્ષાએ પણ જરૂરી પથારી, ઓકસીજન, આઈસીયુ કે વેન્ટીલેટરની સુવિધા ન મળવાથી અંતે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે ગ્રામ્ય કક્ષાએ કોરોના કેસો ખૂબ વધી રહ્યા છે તેવામાં ગ્રામ્ય કક્ષાએ સારવાર અને સુવિધા પૂરી પાડવી રાજ્ય સરકારની જવાબદારી છે ત્યારે ઉપરોક્ત માંગણીઓ અને સૂચનો અન્વયે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી.

ગુજરાતમાં કોરોનાની બેકાબુ પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવવા માટે સરકાર તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટર, સ્ટાફ ઉપલબ્ધ કરાવે, ટેસ્ટિંગ માટેની કીટ અને લેબોરેટરી વધારો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની કાયમી ભરતી કરો, એમ્બ્યુલન્સ વધારો, ગરીબ જરૂરિયાત મંદ લોકોને આર્થિક સહાય પેકેજ આપવામાં આવે જેવી વિવિધ પ્રજાના જીવ બચાવવા અને સુખાકારી માટેની માંગણી સાથે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને આવેદન આપવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *