કોરોના મહામારીના કારણે લાગુ થયેલ લોકડાઉન વચ્ચે આજે એક મહિના બાદ ગરીબ મજૂરોને પોતાના વાતને જવાની પરવાનગી મળી છે. પરંતુ આ ગરીબ શ્રમિકો પાસેથી સામાન્ય કરતા પણ વધારે ભાડું વસુલવામાં આવી રહ્યું છે. જેને પગલે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પરપ્રાંતિય મજૂર માટે મોટો નિર્ણય લેતા ટ્રેનની ટિકિટનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. જેથી આજે સુરત શહેર કોંગ્રેસે ઉત્તર પ્રદેશ જનારા પરપ્રાતિય મંજૂરોનું લિસ્ટ બનાવીને કલેક્ટરને આપ્યું છે. તે સાથે ટ્રેનની ટિકિટનો ખર્ચ પણ આપ્યો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર હાજર રહેલા કોંગ્રેસી નેતા અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જેથી પોલીસે ચાર કોંગ્રેસી નેતાઓની ધરપકડ પણ કરી છે.
અત્યાર સુધીમાં 27 ટ્રેનમાં 33 હજાર પેસેન્જરો ગયા છે. જેમાં આજે એક યુપી જતી ટ્રેનમાં કોંગ્રેસ દ્વારા 1200 મજૂરોનું એક ટિકિટના 710 કુલ 8.52 લાખનું ભાડું ચૂકવી મોકલવામાં આવ્યા છે. જોકે, રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં એકઠાં થયેલા કોંગ્રેસી નેતાઓને પોલીસ દ્વારા જાહેરનામાંનો ભંગ થતો હોવાથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવતા બોલાચાલી થઈ હતી. જોકે, ત્યારબાદ કોંગ્રેસના અગ્રણીઓએ વચ્ચે પડી હાલ મામલો શાંત પાડ્યો છે.
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા એ જણાવ્યું હતું કે, શ્રમિકોને ટ્રેનમાં મૂકવા માટે સુરત રેલવે સ્ટેશન પર આવ્યા હતા. અમે કોઈ પણ કાયદાનો ભંગ કર્યો નથી. કાયદાની મર્યાદામાં રહીને કામગીરી કરી છે. અમે કોરોના વોરિયર છીએ. લેભાગુ તત્વો દ્વારા કોઈને કોઈ જગ્યાએ સંડોવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતાઓ ટ્રેન ઉપડે ત્યારે ભાજપનો ઝંડો લઈને સમર્થકો સાથે પહોચી જતા હોય છે અને તેમની સાથે પોલીસ પણ દેખાતી હોય છે. પણ કોંગ્રેસી નેતાની ધરપકડ કરાતા પોલીસના બેવડા વલણને લઈને કેટલાય સવાલો ખડા થયા છે.
જયારે બીજી બાજુ સુરત રેલવેના ડીવાયએસપી બી જી કંથારીયા એ જણાવ્યું હતું કે, સુરત કોંગ્રેસ પ્રમુખ સહિત 4 લોકોની ધરપકડ કરાઈ છે. ધરપકડ બાદ તમામને જામીન મુક્ત કરાયા છે. અમે રેલવે પરિસરમાં જાહેરનામાનો ભંગ અને એપેડમીક એકટનો ભંગ બદલ ગુનો નોંધ્યો છે. બાબુ રાયકાએ જણાવ્યા મુજબ તેમની પાસે કલેક્ટર અનુમતિ કાર્ડ હતો છતાં ધરપકડ કરાઈ હોવા અંગે જણાવ્યું કે, એ બાબતે પણ તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news