વડાપ્રધાન મોદીના વતનના એક કોંગ્રેસી કાર્યકર એ રાહુલ ગાંધીને લખ્યો ખુલ્લો પત્ર- જાણો શું કહ્યું

કોંગ્રેસમાં હાલમાં કેટલાક પદાધિકારીઓ અને ધારાસભ્યો રાજીનામા આપીને પક્ષપલટો કરી રહ્યા છે, ત્યારે હજુ પણ એવા કેટલાક કોંગ્રેસના પાયાના કાર્યકરો છે જેઓએ કોંગ્રેસને અનેકવાર હાર…

કોંગ્રેસમાં હાલમાં કેટલાક પદાધિકારીઓ અને ધારાસભ્યો રાજીનામા આપીને પક્ષપલટો કરી રહ્યા છે, ત્યારે હજુ પણ એવા કેટલાક કોંગ્રેસના પાયાના કાર્યકરો છે જેઓએ કોંગ્રેસને અનેકવાર હાર મળવા છતાં પણ હાર માની નથી અને એક નવા આશાવાદ સાથે ઝઝૂમી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં થી કોંગ્રેસના એક પાયાના કાર્યકર એવા શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલે રાહુલ ગાંધીને એક ખુલ્લો પત્ર લખીને તેમનું મનોબળ વધારવાનો પ્રયત્ન કર્યો છે.

ખુલ્લો પત્ર

રાહુલજી, લોકસભામાં કૉંગ્રેસ ની હાર નહીં, પણ લોકશાહી ના ભોગે ભાજપના રાજકીય કાવાદાવા ની જીત થઈ છે.

ભારતની પ્રખ્યાત વોલીબોલ ખેલાડી અને એવરેસ્ટ શિખર સર કરનાર પ્રથમ દિવ્યાંગ મહિલા અરુણિમા સિન્હાએ આત્મવિશ્વાસ ને લઈને કહ્યું છે કે, ” જ્યાં સુધી વ્યક્તિ પોતે હાર ન સ્વીકારે ત્યાં સુધી તેને કોઈ હરાવી શકતું નથી, હા નિષ્ફળતાઓ અવારનવાર તેની કસોટી જરૂર કરે છે, પરંતુ પ્રયત્ન ચાલુ રાખો સફળતાના દ્વાર એક દિવસ ચોક્કસ ખુલશે.”  અરુણિમા ના જીવનની સફળતાના આ મંત્ર માંથી દરેક વ્યક્તિને એક ચોક્કસ પરિણામ મળી રહે છે આ મંત્ર રાજકીય, સામાજિક કે કોઈપણ ક્ષેત્રમાં ઝઝૂમી રહેલા દરેક વ્યક્તિને ચોક્કસ પ્રેરણા પૂરી પાડે છે.

તાજેતરમાં દેશના રાજકારણમાં ઘણી મોટી ઉથલપાથલ થઈ રહી છે જોકે દેશમાં ભાજપ મજબૂત બની રહી છે તો અડધી સદીથી વધુ સમય સુધી સત્તા ભોગવનાર કોંગ્રેસ નબળી પડી રહી છે ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાહુલજી આપે રાજીનામું આપીને આપે આપના પિતા સ્વ. રાજીવ ગાંધીજી અને દાદી સ્વ. ઇન્દિરા ગાંધીજી ના આત્માને ઠેસ પહોંચાડી છે. રાહુલજી આપે રાજીનામું આપીને ચૂંટણી પરિણામો પછી પણ કૉંગ્રેસના કાર્યકરોના બાકી બચેલા આત્મ વિશ્વાસ ને તોડી નાખ્યો છે. જંગ જીતવા નીકળેલ સેનાનો સેનાપતિ જ્યારે હિંમત હારી જાય છે જીતની આશા છોડી દે છે ત્યારે એક વાત સ્પષ્ટ છે કે જંગ લડયા પહેલા જ સૈનિકોનો આત્મવિશ્વાસ તૂટી જાય છે.

રાહુલજી , વ્યક્તિએ હારમાંથી પોતાની ખામીઓ શોધીને તેને દૂર કરતાં પણ શીખવું જોઈએ. એવું જરૂરી નથી કે વ્યક્તિ પોતાની નિષ્ફળતા માટે પોતે જ જવાબદાર છે, રાજનીતિમાં તો ઘણી વખત ટાટીયા ખેચ ની સ્પર્ધામાં તમારી આસપાસ રહેલા કેટલાંક પરિબળો પણ તમને ખોટી માહિતીઓ દ્વારા સફળતાના પથ પર ચાલતા અટકાવી શકે છે. કદાચ આપને મળેલી ચૂંટણી ની નિષ્ફળતાઓ પાછળ પણ એવું જ કોઇ એક પરિબળ પણ ભાગ ભજવી ગયું હોઈ શકે છે. આપની પાસે આપના પૂર્વજોનો ભવ્યાતિભવ્ય રાજકીય વારસો છે. ભવ્યાતિભવ્ય સફળતાઓના ઇતિહાસ ના સંસ્મરણો છે જેનો કદાચ ઉપયોગ કરવામાં કૉંગ્રેસ શા માટે અસમર્થ રહી શકે છે ?

ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ ના શબ્દો ને યાદ કરીએ તો એટલું જરૂર કહી શકાય કે તમારે તમારા હરીફ ની નબળી નસ ને પારખતા શીખવું જોઈએ.જે દિવસે તમને આ કળા આવડી જશે એ દિવસે વિશ્વ ચેમ્પિયન ને પણ તમે ધૂળ ચાટતા કરી શકશો.હાર અને જીત તો એક સિક્કાની બે બાજુઓ છે. લોકસભાની ચૂંટણીઓ માં કોંગ્રેસની હાર થઇ નથી, પરંતુ લોકશાહીના ભોગે ભાજપના કાવાદાવા ની જીત થઈ છે. બસ હવે જરૂર છે સમજવાની એ ભાજપના કાવાદાવાઓ અને નિમ્ન કક્ષાની રાજનીતિને. ડૂબતો સુરજ ભલે અંધારું આપી જાય છે, પરંતુ એ જ સૂરજ બીજા દિવસે ઊગે ને અજવાળું જરૂર આપે છે. માટે રાહુલજી કાર્યકરો ના મનોબળ ને મજબૂત બનાવવા સેના અધ્યક્ષ બની કૂદી પડો, ફતેહ છે આગે.

આ કોઈ મારી એકલાની વેદના નથી પરંતુ આવા અનેક કાર્યકરો ના દિલ માં હજુ પણ એક વેદના ક્યાંકને ક્યાંક છુપાયેલી છે.પણ એ વેદનાને આજે મેં આપની સમક્ષ  વ્યક્ત કરી છે.  સાથે એટલું પણ જરૂર કહીશ કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરા દેશનું નેતૃત્વ સંભાળી રહ્યા છે એ નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં આજે હું મારી કાર્યકરોની ટીમ સાથે અડીખમ બનીને કોંગ્રેસને મજબુત બનાવી રહ્યો છું. વડનગર નગરપાલિકામાં તમામ કોર્પોરેટરો ભાજપના છે,ત્યારે હજુ પણ હું કોંગ્રેસના કોર્પોરેટર તરીકે સેવા આપું છું. ત્યારે હજુ પણ મનમાં ઊંડે ઊંડે અમને એ આશા જરૂર છે કે આવનાર સુરજ કૉંગ્રેસ માટે સુવર્ણ સમય લઇને જરુર આવશે.

બસ એજ,

કોંગ્રેસ પાર્ટી નો એક નાનો સૈનીક

વડનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તથા નગરસેવક

ગીરીશકુમાર સોમાભાઈ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *