ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી તૈયારીઓનું રણશિંગુ ફૂંક્યું છે. ભાજપ-આપની સાથે હવે કોંગ્રેસ પણ ચૂંટણી મોડમાં આવી ગઈ છે. તાજેતરમાં જ કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી કેન્દ્રીય મોવડીમંડળ સાથે મળી હતી, જેને પગલે ગુજરાત કોંગ્રેસ પણ ચૂંટણીની રણનીતિ ઘડી રહી છે. કોંગ્રેસ ટૂંક સમયમાં કેટલાક ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા છે.
કોંગ્રેસે ગત સપ્તાહે કેન્દ્રીય સાથેની બેઠક દરમિયાન ઉમેદવારોની પસંદગી માટે લીલી ઝંડી આપી દીધી છે ત્યારે હવે કોંગ્રેસે પ્રદેશ સ્તરે કવાયત તેજ કરી છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર 182 વિધાનસભા બેઠકોમાંથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં 26.37 ટકા એટલે કે 47 બેઠકોની જાહેરાત આગામી એકથી બે મહિનામાં કરવામાં આવશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 47માંથી માત્ર 8 બેઠકો મળી હતી.
5-10 હજારના માર્જિનથી હારેલી બેઠકોની પુનઃસમીક્ષા
હાઈકમાન્ડે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 5 થી 10 હજાર મતોના માર્જિનથી જીતેલી કે હારેલી બેઠકના સંબંધિત પાસાઓની પુનઃતપાસ કરવા સૂચના આપી છે. મોવડીમંડળે સમીક્ષા કરીને રિપોર્ટ તૈયાર કરીને દિલ્હી મોકલવા જણાવ્યું છે.
અમે વર્ષોથી જે બેઠક હારી રહ્યા છીએ તેના ઉમેદવારની જાહેરાત કરીશુંઃ વિપક્ષના નેતા
વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, અમને મોવડીમંડળ દ્વારા સૂચના આપવામાં આવી છે કે અમે વર્ષોથી જે બેઠકો ગુમાવી રહ્યા છીએ તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ. જે સીટ પર અમે વર્ષોથી હારી રહ્યા છીએ તે ઉમેદવાર વહેલી તકે નક્કી કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.