પાટીલે બે હાથ જોડી, કહ્યું- ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરો…ક્ષત્રિયોના વિરોધ વચ્ચે CR પાટીલની પ્રતિક્રિયા

Published on Trishul News at 5:43 PM, Tue, 2 April 2024

Last modified on April 2nd, 2024 at 5:44 PM

Parashottam Rupala Controversy: પરસોત્તમ રૂપાલાના નિવેદનથી શરૂ થયેલો વિવાદ અને ક્ષત્રિય સમાજમાં ભભૂકી રહેલી આક્રોશની આગને ઠારવા ભાજપ હવે અતિ ગંભીર બન્યું છે. રૂપાલાએ સોશિયલ મીડિયા થકી અને ત્યાર બાદ ગોંડલમાં ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠકમાં માફી માંગ્યા બાદ પણ વિવાદ યથાવત(Parashottam Rupala Controversy) રહેતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

ક્ષત્રિય સમાજ પરની એક ટિપ્પણીને કારણે સમાજમાં રોષ
ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ક્ષત્રિય સમાજના અનેક આગેવાનોએ બેઠક કરી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભાજપના રાજપૂત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત હતા. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના વરિષ્ઠ નેતાઓ પણ સામેલ હતા. આ બેઠક બાદ પાટીલે મીડિયા સાથે વાત કરીને જણાવ્યું કે, “છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પરની એક ટિપ્પણીને કારણે સમાજમાં રોષ ફેલાયો છે.”

‘ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે માફ કરી દો’
તેમણે વધુમાં કહ્યું કે, “ક્ષત્રિય સમાજનો આ રોષ સ્વાભાવિક છે. ત્રણ વખત રૂપાલાએ માફી માંગી છે છતાં રોષ ઓછો થતો નથી. હવે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફ કરે. ભૂલ માટે વારંવાર માફી માંગી છે. તેથી ક્ષત્રિય સમાજ હવે માફ કરી દે. આજે ભાજપના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, કેસરીસિંહ, મહેન્દ્રસિંહ, આઈકે જાડેજા, બળવંતસિંહની આગેવાનીમાં મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં અમે બેઠક યોજી છે. હવે તેમણે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ માફ કરી દે.”

બેઠકમાં કોણ કોણ હાજર હતા?
પાટીલના બંગલોએ મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સંગઠન મંત્રી રન્નાકરજી, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ, બળવંતસિંહ રાજપૂત, આઇ.કે. જાડેજા હાજર રહ્યા હતા. આ બેઠકમાં રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ પાટીલના બંગલે ખાસ ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી.

3 એપ્રિલે અમદાવાદના ગોતા રાજપૂત ભવન ખાતે મળશે ક્ષત્રિયોની બેઠક
ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજની આવતીકાલે બુધવારે બેઠક મળશે. જેમાં ગુજરાતની વિવિધ ક્ષત્રિય અને રાજપૂત સમાજની સંસ્થાઓના આગેવાનો હાજર રહેશે. રાજપૂત સમાજની મહિલા આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહેશે. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાન ભેગા મળી આજે મંગળવારે ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપના નેતાઓ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે મળેલી બેઠક અંગે ચર્ચા થશે. ગોતા રાજપૂત ભવન ખાતે મળનારી બેઠકમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી અને ક્ષત્રિય આગેવાન એવા પ્રદિપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો પણ હાજર રહેશે.

‘ઉમેદવાર બદલવાની કોઈ વિચારણા નથી’
આ ઉપરાંત પાટીલે કહ્યું કે, “ક્ષત્રિય સમાજની 92 લોકોની સંકલન સમિતિ છે. આ સંકલન સમિતિની આવતી કાલે (3 એપ્રિલ) 3 વાગ્યે બેઠક મળશે. જેમાં રોષ સાંભળવામાં આવશે અને સમજાવવામાં પણ આવશે. ધીમે-ધીમે વાતાવરણ સુધરે તે માટેના પ્રયાસો થશે. આજે અમારી બેઠકમાં કોને મળવું અને કેવી રીતે મળવું તે તમામ જવાબદારીઓ નક્કી થઈ ગઈ છે. જલ્દીથી આ વિવાદનો નિવેડો આવે તેના માટે ભાજપ તરફથી પણ પ્રયાસો શરૂ થયા છે.”

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]