સુરત(SURAT): આજકાલ સતત દેશનું યુવાધન ઉંધા રવાડે ચડી રહ્યું છે. પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર ડ્રગ્સની હેરાફેરી કરી રહેલ આરોપીની ધરપકડ કરવામાં આવી એવાં સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવ્યા છે.
સુરત શહેર સહિત જિલ્લામાં નશાનો કાળો કાળોબાર મોટા પાયે ધમધમી રહ્યા છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ વિદેશી દારૂ તેમજ માદક પ્રદાર્થોની હેરાફેરી સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર રોક લગાવવા કમર કસવામાં આવી રહી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પણ Say No, to Drugs સહિતની જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. છતાં પણ વિદેશી દારૂ તેમજ માદક પદાર્થની ગેરકાયદેસર હેરાફેરી યેનકેન પ્રકારે ચાલતી જ આવી છે. જેના ભાગ રૂપે સુરત જિલ્લા SOG પોલીસ દ્વારા બારડોલી ખાતે પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલી જોળવા રેસીડેન્સીમાંથી માદક પદાર્થ એવા અફીણના જથ્થા સહિત કુલ રૂપિયા 7.55 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લા SOG પોલીસ મથકના PI એમ.એમ ગીલાતરને મળેલી માહિતી અને સૂચના પ્રમાણે નાર્કોટિક્સની પ્રવૃત્તિને ડામી દેવા કવાયત હાથ ધરવામાં આવતા SOG પોલીસ સ્ટાફના એ.એસ.આઇ પ્રવિણભાઈ અર્જુનભાઇ તેમજ હે.કો જગદીશભાઈ કામરાજભાઈ મળેલી સયુંકત બાતમી અને હકીકતને આધારે પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલી જોળવા રેસીડેન્સી ખાતે આવેલા મકાન 333 માં રેઇડ કરી રૂપિયા 29.200 ની કિંમતના અફીણનો જથ્થો, મોબાઇલ કિંમત રૂપિયા ૧૫ હજાર,રોકડા રૂપિયા 10890 તેમજ ક્રેટા ગાડી નંબર જીજે 18-બીઇ 8164 કિંમત રૂપિયા 7 લાખ મળી કુલ 7.55 લાખના મુદ્દામાલ સહિત ત્રણની અટકાયત કરવામાં આવી હતી.
અટકાયત કરવામાં આવેલ આરોપીઓમાં સુરેશકુમાર સાવલારામ બીશ્નોઈ ઉ.વ 40 હાલ રહે.મકાન નંબર-333 જોળવા રેસીડેન્સી જોળવા તા.પલસાણા જી.સુરત મૂળ રહે.બડસમ ગામ તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન), મહેન્દ્ર કુમાર ઠાકરારામ બાંગડવા (બીશ્નોઈ) અફીણનો જથ્થો લાવનાર ઉ.વ 24 હાલ રહે. મકાન નંબર-241 રહે.બાંગુડોકીધણી ખારાગામ તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન), રવિ હેમારામ ભાદુ (બીશ્નોઈ) અફીણનો જથ્થો લાવનાર ઉ.વ 28 રહે. મેઘવાલો કી ધાણી,ખારાગામ તા.સાં ચોર જી.જાલોર (રાજસ્થાન)નો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે અફીણનો જથ્થો પૂરો પાડનાર લાડુ રામ ગંગારામ બાંગડવા (બીશ્નોઈ) રહે.બાંગુડોકીધાણી ખારાગામ તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પકડાયેલા ત્રણેય વિરુદ્ધ SOG પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.