પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનની રીતભાત પૂરી રીતે નકારાત્મક નથી અને દરેક વખતે તેમની ટીકા કરવાથી અને તેમના કરેલા કાર્યોને અસ્વીકાર કરવાથી કોઇ લાભ થવાનો નથી. તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે હાલમાં જ જણાવ્યું છે. રમેશે વધુમાં કહેતા જણાવ્યું હતું કે આ એ સમય છે કે આપણે પ્રધાનમંત્રી મોદીજીના કાર્યને અને 2014થી 2019ની વચ્ચે તેમણે એવા ક્યા કાર્યો કર્યા જેના કારણે તે ફરીથી સત્તામાં આવ્યા તેના મહત્ત્વને સમજવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 37.4 ટકા મતો મળ્યા હતાં. જ્યારે સમગ્ર એનડીએને 45 ટકા મતો મળ્યા હતાં.
સાથે સાથે જયરામ રમેશે એક રાજકીય વિશ્લેષક દ્વારા લખવામાં આવેલા પુસ્તકના વિમોચન પ્રસંગ આપેલા ભાષણમાં આ વાત જણાવી હતી. અને તેમણે કહ્યું હતું કે મોદી એવી ભાષામાં વાત કરે છે જે તેમને લોકો સાથે જોડે છે. જ્યાં સુધી આપણે એ વાતનો સ્વીકાર નહીં કરીએ, અને તે જે કાર્ય કરી રહ્યાં છે તેની લોકો પ્રશંસા કરી રહ્યાં છે ત્યાં સુધી આપણે તેમની સામે ટકી નહીં શકીએ.
તેમણે વધુ કહેતા જણાવ્યું હતું કે જો તમે દરેક વખતે તેમને ખલનાયક તરીકે રજૂ કરશો તો પણ તમે તેમનો મુકાબલો કરી શકવાના નથી. મનમોહન સિંહ સરકારમાં ગ્રામીણ વિકાસ પ્રધાન રહેલા જયરામ રમેશે વધુમાં જણાવ્યું હતું કે હું એમ કહી રહ્યો નથી કે વડાપ્રધનના કાર્યોની પ્રશંસા કરવામાં આવે પણ તેમના શાસનની પ્રણાલીને સ્વીકારવામાં આવે.
કર્ણાટકના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે મોદી સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(પીએમયુજી)ની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ યોજનાને કારણે મોદી લાખો મહિલાઓમાં લોકપ્રિય બની ગયા છે. 2014માં જે મહિલાઓ મોદીને સમર્થન આપતા ન હતા તેઓ પણ તેમના સમર્થનમાં આવી ગયા છે. જયરામ રમેશે ફરી એક વખત જણાવ્યું હતું કે જ્યારે શાસનના આૃર્થશાસ્ત્રની વાત આવે છે ત્યારે મોદીનું શાસન મોડેલ સંપૂર્ણપણે નકારાત્મક નથી.