હાલના સમયગાળામાં લોકો અમરનાથ(Amarnath) યાત્રા પર જતા જતા હોય છે. ત્યારે ત્યાં થોડા દિવસ પહેલા જ એક દુર્ઘટના સર્જાઈ હતી. ત્યાં વાદળ ફાટવાને કારણે કેટલાય લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે હાલ વધુ એક દુ:ખદ સમાચાર મળી આવ્યા છે. પાટણ(Patan) શહેરના ચાર યુવકો અમરનાથ દર્શન કરવા ગયા હતા. અમરનાથ દર્શનાર્થે જઇ રહેલા પાટણના એક શ્રદ્ધાળુંનું ઓક્સિજન લેવલ ઘટી જતાં ગુફાથી 10 કિ.મી. દૂર નિધન થયું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવકના પાર્થિવદેહને શ્રીનગર (Srinagar)થી અમદાવાદ(Ahmedabad) વિમાન મારફતે લવાયો હતો અને વતનમાં તેની અંતિમ વિધિ કરતા આખું ગામ હિબકે ચડ્યું હતું.
ગુફાથી 10 કિ.મી. દૂર તબીયત લથડી:
તા.15 જૂલાઇના રોજ પાટણનાં ચાર મિત્રો હાર્દિક મુકેશભાઇ રામી, આશિત હેમંતભાઈ તન્ના, નીશુ ઠક્કર અને ક્રિશ પ્રજાપતિ જમ્મુ-કાશ્મીરનાં પવિત્ર યાત્રાધામ અમરનાથયાત્રા પ્રવાસે ‘બરફીલા બાબા’નાં દર્શનાર્થે જવા નીકળ્યા હતા. અને મંગળવારે તા. 19મી જૂલાઇની સવારે 10 વાગે યાત્રાનાં માર્ગમાં હતા, ગુફાથી 10 કિ.મી. દૂર જે દરમિયાન હાર્દિક રામી નામના યુવકનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું અને તેને શ્વાસની તકલીફ ઉભી થતાં તે ઘોડા પર જ ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકો તેમજ અન્ય યાત્રાળુઓ દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી તેનું મૃત્યુ થઇ ચુક્યું હતું.
મૃતદેહ ફ્લાઇટમાં અમદાવાદ લાવવા મંજૂરી મળી:
મળતી માહિતી અનુસાર, હાર્દિકનાં પાર્થિવ દેહને બાલતાલ સોનમર્ગ લાવવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં લઇ જઈ લાશનો કબજો પોલીસે લીધો હતો અને તેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. હાર્દિકનાં પાર્થિવ દેહને અમદાવાદ અને પાટણ લાવવા માટે અને તેનાં મિત્રોને સરળતા રહે તથા કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે હાર્દિકનાં પાર્થિવ દેહને ફ્લાઇટમાં અમદાવાદ લાવવા મંજૂરી મળી હતી.
પરિવારમાં શોક:
જાણવા મળ્યું છે કે, પાર્થિવ દેહને અમદાવાદ લાવવા તથા હાર્દિકનાં ત્રણે મિત્રોની વિમાન ટિકીટની વ્યવસ્થા ગુજરાત સરકારે જ કરી આપી હતી. આ દરમિયાન સાંજે શ્રીનગરમાં વાતાવરણ ખરાબ હોવાથી આ ફ્લાઇટ હવે રાત્રે નવ વાગે અમદાવાદ પ્રસ્થાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પાટણ લઇ જવાયો હતો. જ્યાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ દુઃખદ ઘટનાથી તેનાં પરિવાર અને મિત્રમંડળમાં ભારે શોક પ્રસરી ગયો હતો. મૃતક હાર્દિક રામીના લગ્ન થઈ ચુક્યા હતા. તેમજ તેને એક બાળક પણ છે. ઘટનાને પગલે તેના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.