ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણમાં મોટે પાયે ઘટાડો થયો છે, ત્યારે રાજ્યમાં લગાવાયેલાં મોટા ભાગનાં નિયંત્રણો દૂર કરવા માટે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય-સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને પત્ર લખીને કોવિડ કેસોમાં ઘટાડો થયો હોવાથી રાજ્ય સરકારો પોતાની રીતે સમીક્ષા કરીને વધારાનાં નિયંત્રણો દૂર અથવા હળવાં કરી શકે છે તેવી ભલામણ કરી છે, જેને પગલે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવાની કવાયત હાથ ધરી છે. ત્યારે આજે કોર કમિટીની બેઠકમાં સ્કૂલ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ થશે.
રાજ્યમાં કોરોના દૈનિક કેસો 1 હજારની નીચે આવી ગયા છે અને એક્ટિવ કેસોમાં પણ મોટે પાયે ઘટાડો થયો છે. બીજી તરફ, રસીકરણ પણ 10 કરોડ ડોઝને પાર થઇ ગયું છે ત્યારે વધારાનાં તમામ નિયંત્રણો દૂર થઇ શકે છે. સરકાર દ્વારા પ્રાથમિક સ્કૂલો બાદ બાળમંદિર અને કેજીની સ્કૂલો શરૂ કરવાની મંજૂરી આપી છે. હવે વ્યાપારિક ગતિવિધિઓ અને અન્ય નિયંત્રણો પણ દૂર થશે.
હોટલ- રેસ્ટોરાં હાલ 75% ક્ષમતા સાથે મંજૂરી અપાઇ છે, એ દૂર કરીને 100% ક્ષમતા સાથે ચાલુ રાખવાની મંજૂરી અપાય એવી શક્યતા, સિનેમા હોલ, જિમ, વોટર પાર્ક, સ્વિમિંગ પૂલ, કોચિંગ સેન્ટરો, ઓડિટોરિયમ અને મનોરંજક સ્થળોની મર્યાદા દૂર થઈ શકે છે.
રાજ્ય સરકારે ગત અઠવાડિયે વધારાનાં 19 શહેરમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે, જ્યારે હાલ માત્ર 8 મહાનગરમાં રાત્રે 12થી 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત્ છે, જેની સમીક્ષા થશે, પરંતુ હાલ કર્ફ્યૂ ઉઠાવી લેવાય તેવી શક્યતા ઓછી છે. હાલ આઠ મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે.
બીમાર વ્યક્તિ, સગર્ભા મહિલા કે અશક્ત વ્યક્તિને અટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ, બસ, રેલવે કે વિમાનના પ્રવાસીઓને અવરજવરની છૂટ. ટિકિટ દર્શાવવાની રહેશે. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓને છૂટ, અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનારા લોકોએ ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે સારવારને લગતા કાગળો રજૂ કરવાના રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનાર સાથે અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ રાખવાનો રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.