ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર આપી શકે તેવું લાગતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 182 બેઠકોને લઇને ત્રિપાંખિયો જંગ જમવા જઈ રહ્યો છે. એવામાં તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવા માટેના રાજકીય દાવ અપનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં સુરત એક એવો જિલ્લો છે કે જેની 12 બેઠકોને લઇને રાજકીય દાવ ખેલાઈ શકે છે.
અમે તમને જણાવી દઇએ કે, સુરતમાં 12 વિધાનસભા બેઠકો આવે છે. કોંગ્રેસ અને ભાજપ અહીંયા વર્ષોથી પોતાનો રાજકીય દાવ અપનાવી રહી છે. પરંતુ આ વિધાનસભાની ચૂંટણીનો મુકાબલો વધારે રોમાંચક થવા જઇ રહ્યો છે. કારણ કે, આ વખતે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ ગઈ છે. જેના પડઘા છેક ભાજપની કબ્જાવાળી 12 સીટો પર પણ જોવા મળી રહ્યાં છે.
જોકે સુરતની 12 વિધાનસભા સીટો પરની સ્થિતિ શું હશે તે તો 8 ડિસેમ્બરના રોજ જ્યારે ચુંટણીનું પરિણામ આવશે ત્યારે જ ખ્યાલ આવી શકે છે. મહત્વનું છે કે, વર્ષ 2021માં મ્યુનિસિપલ ચૂંટણી જીતીને સુરતમાં AAPએ એન્ટ્રી તો કરી લીધી હતી. પરંતુ આ દરમિયાન પાર્ટીના 27 નગરસેવકોએ જીત હાંસલ કરી હતી.
જો વાત કરવામાં આવે તો આ વખતની ચૂંટણીમાં AAPએ 12 વિધાનસભા બેઠકો પર મોટા પાટીદાર ચહેરાઓને મોકો આપ્યો છે. જો વાત કરવામાં આવે તો વરાછા બેઠક પરથી અલ્પેશ કથીરિયા, ઓલપાડથી ધાર્મિક માલવિયા અને કતારગામથી ગોપાલ ઇટાલિયાનું નામ સામેલ છે કે જેઓ આ વખતે વિધાનસભા ચૂંટણી લડશે. એમાં પણ ગોપાલ ઇટાલિયા પાસે તો AAPની કમાન પણ છે. આ સાથે પ્રચાર અભિયાન દરમિયાન પણ પાર્ટીના પ્રમુખ ચહેરા તરીકે પણ તેઓ સામે આવી ચૂક્યાં છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.