કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ધર્મગુરુઓને ભીડ ભેગી ન થાય તે અંગેની સાવચેતી રાખવા વિનંતી કરી હતી, પરંતુ શુક્રવારે ઉત્તર પ્રદેશ ના આગ્રા અને અલીગઢ જિલ્લા ની મસ્જિદોમાં લોકો મોટા પ્રમાણમાં ભેગા થઈને નમાઝ અદા રહ્યા હતા.
અલીગઢ શહેરના મુફ્તી, ખાલિદ હમીદ કહે છે કે મસ્જિદમાં નમાઝ અટકાવી શકાય નહીં, પરંતુ સાવચેતીઓ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે,”કોરોના વાયરસ ખૂબ જ ખતરનાક છે પરંતુ અમે દરેક પ્રકારની સાવચેતી રાખી રહ્યા છીએ.” જોકે, તેમણે સ્વીકાર્યું છે કે લોકોની સંખ્યા ઘટાડી શકાય છે તેમ જ તેમને ઘરેથી જ નમાજ અદા કરવાની વિનંતી કરી ભીડ ભેગી થતી અટકાવી શકાય છે.
જયારે આગ્રા શહેરના મુફ્તી મુદસ્સર ખાન સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, આવા સમયે શરિયત નમાઝ અટકાવવાની પરવાનગી આપી શકે નહીં. જેથી તેઓ આ અંગે કોઈ વિનંતી કરી શકે નહીં. જોકે તેઓ મસ્જિદની અંદર નમાઝ અદા કરતી વખતે સાવચેતી રાખી રહ્યા છે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ધર્મગુરુઓને મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ બંધ રાખવા માટે વિનંતી કરી છે જેથી લોકો એકઠા ન થાય.
જ્યારે બીજી બાજુ, શુક્રવારે તાજમહાલ બંધ હોવાથી ત્યાં નમાજ પઢવામાં ન આવી. તાજમહેલ ના કર્મચારીઓએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો એકઠા ન થાય તે માટે સ્મારક બંધ કરવામાં આવ્યું છે, કોઈને પણ અંદર ઘુસવા દેવામાં આવશે નહીં.