વરિષ્ઠ રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ: હર્ષદ રિબડિયા વિસાવદર બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવા માટેની તૈયારીઓ કરીને મામલતદાર કચેરીએ બેઠા હતા. તેમના માટેનું મેન્ડેટ એટલે કે કૉંગ્રેસના તેઓ સત્તાવાર ઉમેદવાર છે તે માટેનો પત્ર લઈને જૂનાગઢ જિલ્લાના કૉંગ્રેસ પ્રમુખ લીલાભાઈ ખૂંટી પહોંચવાની તૈયારીમાં જ હતા. અચાનક એક ટાબરિયું – ટાબરિયું એટલે નાની ઉંમરનું છોકરું આવ્યું અને ખૂંટીના હાથમાંથી મેન્ટેડનું કાગળિયું લઈને નાસી ગયું.
ખૂટી ત્યાં જ ખોડાઈને જોતા રહી ગયા અને રિબડિયા મામલતદાર કચેરીમાં રાહ જોતા રહી ગયા. વિસાવદરની ચૂંટણી પ્રથમ તબક્કામાં થવાની હતી અને 25 નવેમ્બર ઉમેદવારીપત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો. તેમની ઉમેદવારી હવે કૉંગ્રેસના સભ્ય તરીકે થવી મુશ્કેલ બની ગઈ હતી.
લોકો મોં વકાસીને જોઈ રહ્યા કે રાષ્ટ્રીય પક્ષ કૉંગ્રેસની આ હાલત છે. આ વાત 2012ની છે. બાદમાં દોડધામ કરવાનો દેખાવ થયો અને કૉંગ્રેસની કચેરીએથી મામલતદાર કચેરીએ ફેક્સ કરીને ઉમેદવારીપત્રક મોકલવામાં આવ્યું હતું, પણ સ્વાભાવિક છે કે તે કંઈ માન્ય રહે નહીં. (આમાં સાઇડ સ્ટોરી એ પણ છે કે હકીકતમાં છેલ્લી ઘડીએ હર્ષદ રિબડિયાની જગ્યાએ રતિલાલ માંગરોળિયાનું નામ કૉગ્રેસમાં નક્કી થયું હતું. બંને વચ્ચે ટિકિટની ખેંચતાણ હતી અને રિબડિયાનું નામ નક્કી હતું, પણ મેન્ટેડમાં નામ લખાયું હતું રતિલાલ માંગરોળિયાનું. એટલે ટાબરિયું કોનું એ રહસ્ય કાયમ રહસ્ય જ રહ્યું. રતિલાલ માંગરોળિયાએ બાદમાં ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી હતી કે ટાબરિયાની ગુનાહિત પ્રવૃત્તિને કારણે તેઓ કૉંગ્રેસના ઉમેદવાર તરીકે મેન્ટેડ આપીને ફોર્મ ભરી શક્યા નથી. તેમણે ઉમેદવારી માન્ય કરવા માટે અરજી કરી હતી, પણ શક્ય બન્યું નહોતું. ચૂંટણી અધિકારીઓએ કોર્ટમાં જણાવ્યું હતું કે 13 ડિસેમ્બરે મતદાન માટે 25 નવેમ્બરના રોજ ત્રણ વાગ્યા સુધીમાં મેન્ટેડ આપી દેવું જરૂરી હતું, પરંતુ તે પાંચ મિનિટ મોડું મળ્યું હતું.)
આખો ખેલ વિસાવદરમાં કેશુભાઈ પટેલને સહેલાઈથી જીતાડવા માટેનો હતો. કેશુભાઈ હકીકતમાં પટેલ પાવરની વાત કરીને ઓબીસીના મતો મોદીને અપાવવા માટે મહેનત કરી રહ્યા હતા, પણ કૉંગ્રેસના અબૂધ નેતાઓ એમ સમજતા હતા કે કેશુભાઈને કારણે ભાજપને સૌરાષ્ટ્રમાં ફટકો પડશે. કેશુભાઈની જીપીપી પાર્ટીને ગણીને બે બેઠકો મળી હતી. એક વિસાવદરમાં કૉંગ્રેસની મહેરબાનીથી અને બીજી ધારીની બેઠક મળી હતી.
ગોઠવણ પ્રમાણે જ કેશુભાઈ અને ગોરધન ઝડફિયા સાજનમાજન સહિત આખી જીપીપી લઈને ભાજપમાં ભળી ગયા હતા. 2014માં વિસાવદરની પેટાચૂંટણી આવી ત્યારે આ વખતે હર્ષદ રિબડિયાને કૉંગ્રેસની ટિકિટ મળી અને આ વખતે કોઈ ટાબરિયું કાગળિયું ખેંચી ગયું નહીં.
કેશુભાઈની જગ્યાએ ભાજપે તેમના પુત્ર ભરત પટેલને ટિકિટ આપી હતી. પણ હર્ષદ રિબડિયાએ તેમને હરાવી દીધા હતા. હર્ષદ રિબડિયાએ ફરી 2017માં પણ જીત મેળવી હતી. વધુ માર્જિન સાથે જીત મેળવી હતી.
હર્ષદ રિબડિયા હવે સત્તાવાર રીતે ભાજપમાં જોડાવાની જાહેરાત કરે ત્યારે આગળની વાત થઈ શકે. કૉંગ્રેસની વિરુદ્ધમાં તેમણે સ્ક્રિપ્ટ પ્રમાણે બોલવાનું શરૂ પણ કરી દીધું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ ત્યારે ક્રોસ વૉટિંગ કરનારા તરીકે 11માં એક રિબડિયા હતા તેવી ચર્ચાઓ ચાલેલી. ત્યારે રિબડિયાએ એવું કહેલું કે સિંહ કાંઇ ખડ ના ખાય. રાજ્યસભાની ચૂંટણી વખતે 40 કરોડ રૂપિયા આપતા હતા ત્યારે ના ગયો તો હવે શાનો જાવ. પરંતુ પહેલા નોરતે ભાજપના નેતાઓ સાથે ગરબે ઘૂમતા જોવા મળ્યા એટલે વાતો ફરી ચાલતી થઈ હતી.
2012માં જ કૉંગ્રેસની કથળેલી સ્થિતિનો ક્લાસિક નમૂનો એટલે ટાબરિયું કાગળિયું ઝૂંટવી ગયું એ હતું. એક દાયકા પછી 2022માં રાજસ્થાનમાં હાથે કરીને જે ઉંબાડિયા થયા એ પણ ગુજરાતના કૉંગ્રેસીઓએ જોયા છે. અશોક ગેહલોત રાજસ્થાનમાંથી હવે ક્યારે પરવારે અને ક્યારે ગુજરાત કૉંગ્રેસની વહારે આવે તે ભગવાન જાણે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.