બારડોલીમાં ડમ્પરચાલક બેફામ ઝડપે આવતા બાઈકસવારને કચડ્યા: એકનું ઘટનાસ્થળે જ મોત, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

Bardoli Accident: બારડોલીમાં રફ્તારનો કહેર જોવા મળ્યો છે. જેમાં ડમ્પર ચાલકે બાઈકચાલકને અડફેટે(Bardoli Accident) લેતાં તેનું સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં અને પોલીસને જાણ કરી હતી. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
પ્રાપ્ત થતી વિગતો અનુસાર તરૂણભાઇ દોલતભાઇ પરમાર પોતાના કબ્જાની માલીકીની મોટરસાયકલ લઇને મિત્ર પરેશ પરમાર સાથે તરસાડી પીજીપી ગ્લાસ કંપની નજીકથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન પાછળથી પૂરપાટ આવી રહેલા ડમ્પરના ચાલકે પોતાનાં કબ્જાનું ડમ્પર ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી આગળ ચાલી રહેલા સદર બાઇકચાલકને અડફેટમાં લીધા હતા. બાઈકસવાર ડમ્પર નીચે આવી જતા તેના તોતિંગ ટાયરો યુવકના પગ પરથી પસાર થતા યુવકના પગ કપાઈ ગયા હતા. અકસ્માત સર્જી ચાલક ડમ્પર મુકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

પોલીસે આરોપી સામે ગુનો નોંધી પકડવા ચક્રો ગતિમાન કર્યા
અકસ્માત થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ત્યાર બાદ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આરોપી ડ્રાઈવર સામે પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી લીધી છે અને આરોપીની મદદ કરનારને પણ કાયદાનો કોરડો વિંઝાશે.

ચાલક ડમ્પર મુકી ફરાર થઈ ગયો
અકસ્માતની ઘટનામાં બાઇકચાલક પરેશ પરમારને માથાનાં તેમજ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. તેમજ પાછળ બેઠેલા તરૂણ પરમારને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.