ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો: ગુજરાતમાં એક જ દિવસમાં 8 યુવકોના ડૂબવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ

Gujarat News: ગઈકાલે ધુળેટી પર્વની ઉજવણી સમગ્ર દેશમાં રંગે ચંગે કરવામાં આવી હતી, ધૂળેટીના દિવસે ધૂળેટી રમ્યા બાદ નહેરો, નદી, તળાવોમાં જઈને ન્હાવાનો ક્રેજ જોવા મળ્યો હતો.‌ ત્યારે સુરક્ષાના મોટી દૂર્ઘટના સામે આવી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ખેડા, ભાવનગર અને બનાસકાંઠાના પાલનપુરમાં(Gujarat News) યુવકો નદીમાં ન્હાવા જતા મોતને ભેટ્યા છે.

8 લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત
ગઈકાલે લોકોએ રંગોના તહેવારને ખુબ જ ધામધૂમથી ઉજવ્યો હતો,પરંતુ ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.કારણકે ગઈ કાલે રાજ્યમાં આઠ લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.જેમાં ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં ન્હાવા પડેલા 5 પૈકી 3 વિદ્યાર્થીઓ ડૂબતા ત્રણેયના મોત નિપજ્યા છે. ભાવનગરના તળાજા તાલુકાના મણાર ગામે ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા છે. પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે.

વિદ્યાર્થીઓનું ગ્રુપ ધૂળેટી રમવા આવ્યું હતું
વડતાલની ઘટનાને વિગતવાર જોઈએ તો વડતાલ ખાતે આજે 12 વિદ્યાર્થીઓનું ગ્રુપ ધૂળેટી રમવા આવ્યું હતું. વડતાલ સ્થિત ગોમતી તળાવમાં આ 12 પૈકી 5 વિદ્યાર્થીઓ ન્હાવા પડ્યા હતા. જેમાં આ 5 વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા હતા અને બુમરાણ મચાવતા સાથે આવેલા વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોએ 2 વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. જ્યારે 3 વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં લાપતા બન્યા હતા.

ધૂળેટીનો પર્વ મનાવી ન્હાવા પહેલા બે યુવકો ડૂબ્યા
બનાસકાંઠા જિલ્લામાં બનેલી ઘટનાને વિગતવાર જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની બાલારામ નદીમાં ડીસાના બે યુવકો ધૂળેટીનો પર્વ મનાવી ન્હાવા માટે પડ્યા હતા. જે ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તુરંત સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ પાલનપુર પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

તળાજાના મણાર ગામમાં ડૂબી જતાં ત્રણના મોત
આ તરફ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામ પાસે આવેલા ચેકડેમમાં નહાવા પડેલા રવિ મકવાણા, મુકેશ મકવાણા તેમજ અન્ય રવિ કુડેચાનું ડૂબી ગયા હતા. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગે ચેકડેમમાંથી મૃતદેહને બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રંગોના આ પર્વ પર ત્રણ યુવાનોના ડૂબી જવાથી મોત નીપજતા ભાવનગર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.