ગુજરાત(Gujarat): રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર બાદ હવે સુરતમાં ભૂકંપનો આંચકો (Earthquake In Surat) અનુભવાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો સુરત(Surat)માં મોડી રાત્રે 3.8ની તીવ્રતાનો આંચકો આવતા ધરતી ધ્રુજી હતી. મહત્વનું છે કે, રાત્રે 12.52 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને જ્યારે સુરતથી 27 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. ભૂકંપના હળવો આંચકો આવવાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ સાવરકુંડલા, કચ્છમાં પણ આ પ્રકારના ભૂકંપના આંચકા અનુભવાયા છે.
જો વાત કરવામાં આવે તો ત્રણ દિવસપહેલા કચ્છના ભચાઉમાં રાત્રે 9 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 નોંધાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિલોમીટર દૂર હોવાનું પણ જાણવા મળ્યું હતું. જ્યારે તેના બીજી દિવસે ફરીવાર કચ્છમાં બપોરે 1 વાગ્યાને 45 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા જોવા મળી હતી. જ્યારે તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 19 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું હતું. 11મી જાન્યુઆરીના રોજ સવારે 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં અને 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયા હતા અને થોડા સમય માટે અફરાતફરી મચી જવા પામી હતી.
સાથે જ 6 ફેબ્રુઆરીએ અમરેલી જિલ્લામાં ભૂકંપના ભયનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. જો વાત કરવામાં આવે તો મીતીયાળાની ધરા સાથે અનેક ગામડામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. સાથે જ સાવરકુંડલા, ખાંભા સહિતના 10 ઉપરાંતના ગામડાઓની ધરા ભૂકંપને કારણે ધ્રુજી ઉઠતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. મિતિયાળા પછી અન્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવતા ગામડાઓમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
મહત્વનું છે કે, અગાઉ ડિસેમ્બર મહિનામાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી હતી. ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં 20 સેકન્ડ સુધી ધરતી ધણધણી ઉઠી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.