સાબરકાંઠા(Sabarkantha) જિલ્લાના હિંમતનગર (Himmatnagar)ના ગાંભોઈ (Gambhoi)માં ગઈકાલે એટલે કે ગુરુવારના રોજ એક ખુબ જ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં જીવતી દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. આજે તે બાળકીનાં માતા-પિતા મળી આવ્યાં છે. પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.
માતાએ સ્વિકાર્યું છે કે, તેણે જ બાળકીને નજીકના ખેતરમાં દાટી દીધી હતી. પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણપોષણ કરી શકે તેમ ન હતા. તેથી બાળકીને દાટી દેવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. હાલ પોલીસ દ્વારા માતા-પિતાની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
માસૂમ બાળકીને ખેતરમાં દાટી દીધી હતી:
મળતી માહિતી અનુસાર, ગાંભોઈમાં આવેલા GEB પાસેના હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેતમજૂર મહિલાને માટીમાં કાંઈક હલતું દેખાતાં તેણે બૂમાબૂમ કરી હતી. જેને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યાં ખોદતાં જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. દાટેલું નવજાત શિશુ જીવિત હોવાની જાણ થતાં તાત્કાલિક 108 સેવાને જાણ કરવામાં આવી હતી.
બાળકીને હિંમતનગર સિવિલ ખાતે દાખલ કરાઈ હતી:
ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકોએ તેના માવતર સામે રોષ વરસાવ્યો હતો. તેમજ આ અંગે ગાંભોઇ પોલીસને જાણ કરાતાં તે પણ તાત્કાલિક પણે ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. 108 એમ્બ્યુલન્સમાં બાળકીની સારવાર શરૂ કરાઈ હતી અને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું અને બાળકીને હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.