જૂનાગઢના આ વૃદ્ધ માજીએ 15000 વિધવાઓને સરકારી યોજનાનો લાભ અપાવ્યો. જાણો વિગતે

વૃદ્ધાવસ્થામાં ઘણા બધા લોકો હિમ્મત હારી ને નિવૃત્તિ લઈ લેતા હોય છે. પરંતુ જૂનાગઢના આ માજીએ જે કામ યુવાનો ન કરી શકે તે વૃદ્ધાવસ્થામાં કરીને…

વૃદ્ધાવસ્થામાં ઘણા બધા લોકો હિમ્મત હારી ને નિવૃત્તિ લઈ લેતા હોય છે. પરંતુ જૂનાગઢના આ માજીએ જે કામ યુવાનો ન કરી શકે તે વૃદ્ધાવસ્થામાં કરીને બતાવ્યું. માજી એ ભક્તિ કરવાને બદલે અન્ય મહિલાઓને તેમનો હક અપાવ્યો. આજે એક એવા સેવાભાવી વૃધ્ધાની વાત કરવી છે કે જેમણે જન સેવા એ જ પ્રભુ સેવાનો સંવેદનશીલ અભિગમ અપનાવી સરકારની યોજનાઓનો મહિલાઓને લાભ અપાવવાનો ભેખ ધર્યો છે.

આ માજી નું નામ છે રૂપીબેન માલદેભાઈ કેશવાલા. માણાવદરના બસ સ્ટેશન નજીક રહેતા ૬૫ વર્ષના રૂપીબેનના પતિ પોલીસ જમાદાર હતા અને વર્ષો પહેલા તેમનું અવસાન થયેલું છે.તેમના પતિ પણ સેવાભાવી હતા અને એમના જ માર્ગે તેઓએ સેવાનો રાહ પકડ્યો છે.

માણાવદર મામલતદાર કચેરીમાં વિધવા મહિલાઓને શોધીને તેમને વિધવા સહાયનો લાભ અપાવવા આવેલા રૂપિમાએ કહ્યું કે 30 વર્ષથી તેઓ બહેનોને ખાસ કરીને વિધવા બહેનો પગભર થાય તે માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળે અને તેમના ડોક્યુમેન્ટ યોગ્ય રીતે તૈયાર થાય તે માટે તે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે.

મહિલાઓને સમય કાઢીને સરકારી કચેરીઓ સુધી લઈ આવે છે અને ડોક્યુમેન્ટ પૂરા ન હોય તો તે માટે પણ મદદ કરે છે. રૂપીમાએ કહ્યું કે ત્રીસ વર્ષમાં પંદર હજારથી વધુ માણાવદર અને બાટવા પંથકની બહેનોને જુદી જુદી સરકારી યોજનાઓનો લાભ તેમજ તેમને કોઈ ને કોઈ કામ મળી રહે તે માટે એકબીજાને મળીને સફળ પ્રયત્નો કર્યા છે.

ર૦ વર્ષથી તેમને થાઇરોઇડની બીમારી છે. તેઓએ કહ્યું કે છેલ્લા શ્વાસ સુધી તે આ સેવા કરી શકે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે સરકારે ચાલુ વર્ષે વિધવા બહેનોને રાહત મળે તે માટે પુખ્ત ઉંમરના પુત્ર ન હોવાની શરત કાઢી નાખી છે . જેથી હવે વૃધ્ધા વિધવા ને પણ આ યોજનાનો લાભ મળશે.માણાવદર પંથકમાં પાત્રતા ધરાવતી વિધવા બહેનોને સહાય મળે તે માટે તેઓ પ્રયત્નશીલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *