સુરતના પાટીદાર ઉદ્યોગપતિઓએ ચૂંટણીમાં ભાજપને સાથ ન આપવો પડે તે માટે આ રીતે કાઢ્યો હતો રસ્તો…

ગુજરાતમાં ગઈકાલે લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ. ચૂંટણીમાં અઢળક ખર્ચો કરવામાં આવ્યો હોય છે. ભાજપ કે કોંગ્રેસ ગમે તે પક્ષ હોય ચૂંટણી જીતવા માટે કરોડોનો ધુમાડો કરતા હોય છે. પાર્ટીફંડના નામે દરેક પક્ષો ગુજરાતના ઉદ્યોગપતિઓ પાસેથી ફંડ મેળવતા હોય છે. ગુજરાતમાં ચૂંટણી દરમ્યાન દરેક પક્ષને  ચૂંટણી ફંડ આપતા ઉદ્યોગપતિઓમાં પાટીદારો નો દબદબો હોય છે. ભાજપ અને કોંગ્રેસ ના નેતાઓને ઘણા પાટીદાર ઉદ્યોગપતિઓ દ્વારા ચૂંટણી ખર્ચ આપવામાં આવે છે, અને જરૂર પડ્યે છે તે પક્ષની મદદ પોતાના કામ કઢાવવા માટે લેતા હોય છે.

આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા સુરતમાં સૌરાષ્ટ્રના પાટીદાર યુવાન અશોક સાસપરા ને ટિકિટ અપાતા, સુરતના મોટા ગજાના પાટીદાર ઉદ્યોગપતિઓ એ ભાજપને મદદ ન કરી ને કોંગ્રેસને સોફ્ટ કોર્નર આપવા માટે એક અજીબ રસ્તો અપનાવ્યો હતો. મળતી વિગતો અનુસાર, સુરતના એક મોટા ગજાના ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા સુરતના મુખ્ય ઉદ્યોગપતિઓને સ્પેશિયલ પ્લેન બુક કરાવીને તુર્કી લગ્ન પ્રસંગમાં લઈ ગયા છે. જેથી સુરત માં રહીને કોઈ ઉદ્યોગપતિ ભાજપને સીધી મદદ ન કરી શકે અને પોતાના સમાજના ઉમેદવારને નડી પણ ન શકે.

મળતી વિગતો અનુસાર એટલાસ ગ્લોબલ નામનું એરબસ વિમાન બુક કરાવીને સુરતના મુખ્ય ઉદ્યોગપતિઓને ચૂંટણીના પહેલા જ તુર્કી લઈ ગયા હોવાની વાત થઈ રહી છે. આ ફ્લાઇટ 24 એપ્રિલ બાદ જ સુરત પરત આવશે તેવું પણ જાણવા મળ્યું હતું. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ભાજપકે કોંગ્રેસ ને પગભર કરવા માટે પાટીદાર સમાજની ગરજ સૌપ્રથમ પડતી હોય છે. સામાજિક ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે પાટીદાર સમાજ ગુજરાતમાં અવલ આવે છે. જેથી પાટીદાર સમાજની અવગણના કોઈ કરી શકે નહીં.

સુરતમાં ભાજપ માંથી પાટીદાર આગેવાન મહેશ સવાણી દ્વારા ટિકિટની માગણી કરાઈ હતી, જે સંતોષાઇ ન હતી અને ફરીથી મૂળ સુરતી એવા દર્શનાબેન જરદોશને ટિકિટ ફાળવવામાં આવી હતી. જેના કારણે પણ પાટીદાર ઉદ્યોગપતિઓમાં નારાજગી જોવા મળી રહી હતી અને દર વખતે ની જેમ પ્રચારમાં પણ કોઈ ગરમાટો જોવા મળ્યો ન હતો. સુરતના પાટીદારોમાં તો એવી પણ વાતો થઇ રહી છે કે આ વખતે ભાજપને પાટીદાર ઉદ્યોગપતિઓએ ફૂટી કોડી પણ નથી આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *