વિશ્વ પર્યાવરણ દિવસ: સુરતની આ મહિલાને મળ્યું છે‘તુલસીભાભી’ ઉપનામ, તો બીજી બાજુ સિંગણપુરમાં ઝાડ કાપી નાખ્યું

સમગ્ર વિશ્વમાં આજે 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ કોરોનાની મહામારીમાં લોકોને વૃક્ષોની કિંમત સમજાઈ ગઈ છે. અનેક પર્યાવરણ પ્રેમીઓના ઉમદા કાર્યોની ચર્ચાઓ થતી હોય છે. આ દરમિયાન સુરતમાં એક એવા ગૃહિણી છે જેમણે ચાર વર્ષમાં 13 હજારથી વધુ તુલસીના છોડનું વાવેતર કરીને નિઃશુલ્ક વિતરણ કર્યું છે. તુલસીના બીજને જાતે જ રોપીને છોડનો ઉછેર કરી ફ્રી વિતરિત કરતા હોવાને કારણે તેઓ “તુલસીભાભી” ના હુલામણા નામથી પણ જાણીતા છે.

આ ઉપરાંત, વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે જ સુરતના સિંગણપુર રોડ પર વિજય રાજ સર્કલ પાસે કોઈ એ ઝાડ કાપી નાખ્યુ છે. આજે પર્યાવરણ દિવસે ઝાડ કાપી નાખ્યુ. જે ખુબ જ નિંદનીય વાત કહી શકાય.

જાણવા મળ્યું છે કે, બાળપણથી જ ગાર્ડનિંગનો શોખ ધરાવનાર સુરેખાબેન પટેલ એક ગૃહિણી છે. શહેરના ઘોડાદોડ વિસ્તારમાં રહેતા સુરેખાબેને 58 વર્ષની ઉંમરે પણ એક ઉમદા કાર્ય કર્યું છે. તેમનો પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જોઈને ભલભલા આશ્ચર્યચકિત થઈ જાય છે. સુરેખાબેનને ખાસ કરીને તુલસીના છોડ પ્રત્યે અનોખો જ પ્રેમ છે અને તેઓ તુલસીના ગુણ પણ સારી રીતે જાણે છે.

આ ઉપરાંત, છેલ્લા 4 વર્ષમાં તેમણે સો-બસો નહિ પરંતુ, 13,000 કરતા પણ વધુ તુલસીના છોડ તૈયાર કરીને તેમનું ફ્રીમાં વિતરણ કર્યું છે. તેમણે ત્રણ વર્ષ પહેલા 10,000 તુલસીના છોડ પોતાના ખેતરમાં વાવીને પ્લાન્ટ તૈયાર કરીને તેમનું મફત વિતરણ કર્યું હતું. ત્યારથી જ તેમણે આ સેવા અવિરતપણે ચાલુ રાખી છે.

હાલમાં ચાલી રહેલ કોરોનાને કારણે લોકોનો આયુર્વેદ પર વિશ્વાસ વધ્યો છે. ત્યારે હાલ ઘણા લોકોએ તેમની પાસે તુલસીના છોડની ડિમાન્ડ પણ કરી છે. જેથી તેમણે 550 જેટલા તુલસીના છોડ વાવીને તૈયાર કર્યા છે. જેને તેઓએ પારસી સમાજ તેમજ નારી સંરક્ષણ ગૃહની દીકરીઓને વિતરિત કર્યા છે.

નારી સંરક્ષણ ગૃહમાં દીકરીઓ તુલસીનો ઉકાળામાં ઉપયોગ કરીને નિરોગી રહે તે માટે તેમને તુલસીના છોડ આપ્યા છે. જાણવા મળ્યું છે કે, સુરેખાબેન પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા રહે છે. પરંતુ જ્યારે પણ તેઓ ભારત આવે છે ત્યારે તેઓ આ સેવાનું કાર્ય કરતા રહે છે. તેઓ પોતાના ખેતરમાં જ બીજની રોપણી કરે છે અને તેની સારસંભાળ રાખે છે. તેમજ તૈયાર થયા બાદ લોકોને ફ્રીમાં તેનું વિતરણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *