- જો મોદી સરકાર કેન્દ્રમાં બહુમતી સાથે આવશે તો આશા છે કે, સરકાર ધીમે ધીમે એ નિર્ણયો લેશે જે તેમના એજન્ડામાં છે
- ત્રિપલ તલાક, આતંકવાદ, સમાન નાગરિક કાયદા વિશે કડક નિર્ણય લઈ શકે છે બીજેપી સરકાર
સમગ્ર દેશમાં એક્ઝિટ પોલ્સની ચર્ચા થઈ રહી છે. ઈન્ડિયા ટૂડે અને એક્સિસ માય ઈન્ડિયાએ અંદાજ લગાવ્યો છે કે, ન માત્ર નરેન્દ્ર મોદી પરત ફરી રહ્યાં છે પરંતુ તેમની આ સત્તા વાપસી ઘણી જ ધમાકેદાર રહેવાની છે. માનવામાં આવે છે કે, નરેન્દ્ર મોદીનો ફરી સત્તામાં આવવાનો અંદાજ એવો છે કે, તેઓ 2014ના રેકોર્ડ પણ તોડી શકે છે. ઈન્ડિયા ટૂડે અને એક્સિસ માય ઈન્ડિયાએ એનડીએને એવરેજ 352 સીટ મળવાનો અંદાજ દર્શાવ્યો છે. જે ગઈ વખતે એનડીએના ફાઈનલ આંક 336 કરતા પણ વધારે છે. આ સંજોગોમાં હવે દરેકની નજર 23 મે પર ટકેલી છે.
જો મોદી સરકાર કેન્દ્રમાં બહુમતી સાથે આવશે તો આશા છે કે, સરકાર ધીમે ધીમે એ નિર્ણયો લેશે જે તેમના એજન્ડામાં છે. આ નિર્ણયો નોટબંધી જેવા કડક પણ હોઈ શકે છે. કારણ કે વડાપ્રધાને જાતે જ કહ્યું છે કે, દેશહિતમાં કડક નિર્ણય લેવા માટે તેઓ કદી પાછી પાની નહીં કરે.
મોદી સરકાર બનતા આ સાત આકરા નિર્ણયો લેવાઈ શકે છે.
બેનામી સંપત્તિ પર પ્રહાર?
મોદી સરકાર 2014માં આવતા જ નોટબંધી અને જીએસટી જેવા આકરા પગલાં લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોથી દરેક વ્યક્તિ દંગ થઈ ગયા હતા. વિપક્ષે આ નિર્ણયોની નિંદા પણ કરી હતી. પરંતુ મોદી સરકાર સંપૂર્ણ તાકાતથી આગળ વધ્યા હતા. આટલું જ નહીં, આ પાંચ વર્ષ દરમિયાન વડાપ્રધાન મોદી ઘણી વખતે બેનામી સંપત્તિનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. જો તેમની સરકાર બનશે તો તેઓ બેનામી સંપત્તિ પર આકરા પ્રહાર કરી શકે છે.
GSTમાં સુધારો
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વિશે પણ લોકોમાં કન્ફ્યૂઝન છે. શરૂઆતના સમયમાં જીએસટી વિશે નાના-મોટા વેપારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પહેલાં સરકારે સતત જીએસટીના રેટની સમીક્ષા કરીને લોકોને રાહત આપવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી હવે આશા છે કે, જો મોદી સરકાર સત્તામાં આવશે તો જીએસટીમાં ઘણાં મોટા ફેરફાર થઈ શકે છે.
એક દેશ એક ચૂંટણી પર નિર્ણય શક્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એજન્ડામાં એક દેશ, એક ચૂંટણી એટલે કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે થવી જોઈએ. તેઓ આ વિશે વિવિધ રાજ્યોમાં વાત પણ કરી ચૂક્યા છે પરંતુ તે હજી શક્ય બન્યું નથી. હવે જો સંપૂર્ણ સત્તા બીજેપીના હાથમાં આવી જાય તો તેઓ તેમનો આ એજન્ડા પૂરો કરી શકે છે.
NRCના મુદ્દે આગળ વધી શકે છે સરકાર
પૂર્વોત્તરમાં NRCનો મુદ્દો ફરી એક વખત ચૂંટણીમાં છવાયેલો રહ્યો હતો. આસામ-અરુણાચલમાં જે પ્રમાણે વિરોધ છતા બીજેપી આ મુદ્દે આગળ વધી હતી અને વિપક્ષે આકરા પ્રહાર પણ કર્યા હતા. બીજેપીએ એનઆરસીને સમગ્ર દેશમાં લાગુ કરવાનો વાયદો કર્યો હતો. આ સંજોગોમાં એક્ઝિટ પોલના પરિણામ જો સાચા સાબીત થાય તો નવી કેન્દ્ર સરકાર તેને હકીકતમાં ફેરવી શકે છે.
સમાન નાગરિક કાયદો
દરેક નાગરિક માટે એક જ કાયદાના મુદ્દા વિશે બીજેપી ઘણાં સમયથી વાત કરી રહી છે. એટલે કે કોઈ પણ ધાર્મિક કાયદાની જગ્યાએ માત્ર બંધારણીય કાયદો જ ચાલશે. આ કાયદા અંર્તગત દરેક પરિવારમાં બે બાળકો, લગ્ન, સંપત્તિના અધિકાર નિયમીત કરવામાં આવશે. એક્ઝિટ પોલના પરિણામ સાચા સાબિત થયા તો ભારતીય જનતા પાર્ટી આ વિશે એક પગલું આગળ વધી શકે છે.
આતંકવાદ વિશે વધુ કડક નિર્ણયો
આતંકવાદ વિશે મોદી સરકાર ખૂબ કડક છે. 282 સીટોના દમ પર બીજેપીની સરકારે પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલાં લીધા હતા. પછી ભલે તે સર્જિકલ સ્ટ્રાઈક હોય કે એર સ્ટ્રાઈક. એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપી જો ફરી સત્તામાં આવશે તો પાકિસ્તાન વિરુદ્ધ વધારે કડક નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
ત્રિપલ તલાક વિશે કડક નિર્ણય
મુસ્લિમ મહિલાઓને હક અપાવવાની બાબતે બીજેપીએ સંસદમાં ત્રિપલ તલાક બિલ રજૂ કર્યું છે. તેમાં પોતાની પત્નીઓને ત્રિપલ તલાક આપનાર મુસ્લિમ પુરુષો સામે એક્શન લેવાની વાત કરવામાં આવી છે. બીજેપી આ બિલને લોકસભામાં લઈ આવી છે પરંતુ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો બીજેપી ફરી સત્તામાં આવશે તો મુસ્લિમ મહિલાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.