કોરોનાકાળ(Coronal period) દરમિયાન ઘણા લોકોએ પોતાના પરિવારજનો તેમજ પ્રિયજનોને ગુમાવ્યા છે. તે સમયગાળામાં ઘણી મહિલાઓ પણ નિરાધાર થઈ ગઈ હતી. તેમાં ઘણી મહિલાઓએ એકમાત્ર આધારસ્તંભ એવા પિતા તેમજ પતિને ગુમાવ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ આ મહિલાઓએ ઓશિયાળા બનવાને બદલે પોતાનો આત્મવિશ્વાસ અને મજબૂત ઇરાદા રાખીને પોતાનો કૌટુંબિક વ્યવસાય કે ધંધો ચાલુ રાખ્યો છે તેમજ પરિવારનો આધાર બન્યા છે.
આજે વિશ્વ મહિલા દિવસ નિમિતે શહેરની અનેક મહિલાઓ પૈકી 4 મહિલાઓના સંઘર્ષની વાત જણાવી રહ્યા છીએ. તેઓએ પોતાના પતિ કે પિતાને ગુમાવ્યા પછી પણ હચમચી જવાને બદલે હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કરીને પોતાના પરિવારનો આધારસ્તંભ બની છે અને પારિવારિક વ્યવસાયને આત્મસન્માન સાથે ચલાવી રહી છે.
પિતાના અચાનક મૃત્યુ બાદ કપરી કસોટી, ભણવા સાથે વ્યવસાય-પરિવારને સંભાળ્યો:
મહિલાઓ ધારે તે કરી શકે છે તેથી જ તેઓને શક્તિનું રૂપ માનવામાં આવે છે. એવું જ કઈક આમાં પણ છે. મળેલી માહિતી મુજબ ગોરવાની 21 વર્ષીય પ્રાચી ઠાકોરના પિતાનું મૃત્યુ ગત વર્ષે કોરોનાને કારણે થયું હતું. જેના કારણે તેના પરિવારની સ્થિતિ અસ્થવ્યસ્થ થઈ ગઈ હતી. તેના પિતાનો ગ્રાફિક ડિઝાઇનિંગનો વ્યવસાય હતો. પ્રાચી ઘરની મોટી દીકરી હતી તેથી પરિવારની જવાબદારી તેનાં મમ્મી અને તેના પર આવી પડી હતી. ત્યારબાદ તેની મમ્મીએ તરત જ નોકરી શરૂ કરી હતી અને પ્રાચીએ પણ અભ્યાસની સાથે વ્યવસાય શરુ કર્યો હતો.
લોકો કહેતાં હતા કે, પતિની જેમ બિઝનેસ નહીં કરી શકું, મેં કરી બતાવી મહેણું ભાંગ્યું:
ગોરવાનાં 35 વર્ષીય રશ્મીબેન લાંઘનાજના પતિનું કોરોનાની પહેલી લહેર દરમિયાન 2020માં અવસાન થયું હતું. આ પછી તેઓ નિરાધાર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ મહિલાના પતિની હોમ એપ્લાયન્સિસની દુકાન હતી. તેમના પતિના મૃત્યુ બાદ તેઓ દોઢ વર્ષથી એકલાં હાથે દુકાન ચલાવી રહ્યાં છે. રશ્મિબેનના જણાવ્યા અનુસાર, ‘અગાઉ મને ચેક ભરતાં કે એટીએમમાંથી નાણાં ઉપાડતાં પણ નહોતું આવડતું. તે સમયે લોકોના ખુબ જ મહેણાં સાંભળવા પડતા હતા. લોકોને લાગતું હતું કે હું મારા પતિની જેમ વ્યવસાય કરી શકીશ નહિ, અને આ બાબતને મારે ખોટી પડવી હતી. ત્યારપછી મને ઘણી તકલીફો પડી પરંતુ, હિંમત હાર્યા વિના મેં વ્યવસાય ચાલુ રાખ્યો છે. માન્યું કે, હું મારા પતિ જેટલો નફો નથી મેળવી શકાતી પરંતુ, મારું જીવન સ્વમાન પૂર્વક જીવી શકું છું.’
પતિના મૃત્યુ બાદ અણધારી જવાબદારી,11 મહિનાથી ફેક્ટરી સફળતાપૂર્વક ચલાવું છું:
50 વર્ષીય તેજલબેન ગાંધીના પતિનું ગત વર્ષે એપ્રિલમાં કોરોનામાં મોત થયું હતું. તેથી પરિવારની સમગ્ર જવાબદારી તેમના માથે આવી હતી તેમજ ફેક્ટરીનું સંચાલન કરવાની નવી જવાબદારી આવી પડી હતી. તેમના પતિનું કેમિકલ ક્ષેત્રે વપરાતા પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટ્સના પ્રોડક્શનનું યુનિટ હતું. તેમણે જણાવ્યું કે, મને આ વ્યવસાય વિશે કોઈ માહિતી ન હતી. મારા માટે આ બિઝનેસ તદ્દન નવો હતો. પહેલાં મારી કંપનીને ઉધારી પર માલ મળતો હતો, હવે એ શક્ય બનતું નથી. તેથી લોકોને એવું લાગે છે કે, હું સારી રીતે આ વ્યવસાય સંભાળી શકીશ નહિ. પરંતુ, હાલ પણ હું મારા પતિ જેટલો જ નફો કરીને ફેક્ટરીનું સંચાલન કરી રહી છું. આ સંચાલન હું 11 મહિનાથી સફળતાપૂર્વક કરી રહી છુ.
પિતાની જેમ વ્યવસાય કરતા નથી ફાવતું પણ દૃઢ સંકલ્પ કર્યો છે મહેનતથી આગળ વધીશ:
મીનાબેન જે માંજલપુર વિસ્તારના રહેવાસી છે. તેમના પતિ શ્યામસુંદર અગ્રવાલનું કોરોનામાં મૃત્યું થયું હતું. તેમના પતિના અવસાન બાદ તેના પરિવારની સ્થિતિ ખરાબ હતી. મળતી માહિતી અનુસાર તેના પતિની સ્ટેશનરીની દુકાન હતી. હાલ એ દુકાનનું સંચાલન તેમની પત્ની મીનાબેન અને તેમની પુત્રી શિવાની દ્વારા થઈ રહ્યું છે. શિવાની જણાવે છે કે, મારા પિતાના મૃત્યુ બાદ કેટલાક હોલસેલર વેપારીઓએ અમારી સાથે ધંધો કરવાનો છોડી દીધો છે. પરંતુ અમે અમારી મહેનત તેમજ આતમ્વીશ્વાસથી આ વ્યવસાયને આગળ વધારીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.