૧૯૯૯માં આવેલા સુપર સાયકલોન બાદ ફરી એક વખત મહાભયાનક વાવાઝોડુ ઓડીશામાં આજે સવારે ત્રાટકતા ભારે નુકસાન થયું હોવાના અહેવાલો છે. આ વાવાઝોડાએ ૬ લોકોનો ભોગ લીધો છે. બીજી બાજુ તેના કારણે કલકત્તા એરપોર્ટ પર બપોરે ૩ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધી વિમાનોનું પરિચાલન બંધ રહેશે. તેના કારણે સૌથી વધુ ત્રણ રાજ્ય ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ પ્રભાવિત રહેશે. બીજી બાજુ બિહાર અને ઉત્તરપ્રદેશમાં પણ તેની અસર જોવા મળશે.
વડાપ્રધાન મોદી રાજસ્થાનમાં એક ચૂંટણી સભા સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર દેશ અસરગ્રસ્તોની સાથે છે, અસરગ્રસ્ત રાજયોના સંપર્કમાં છું, સરકારે અગાઉથી જ સહાયતા માટે રૂપિયા ૧,૦૦૦ કરોડની સહાય જાહેર કરી છે.
૨૦૦ કિ.મી.ની ઝડપે ફુંકાયેલા કાતીલ પવનો અને ભારે વરસાદને કારણે વિજળી, સંચાર અને પાણી પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો અને થાંભલાઓ જમીનદોસ્ત થઈ ગયા છે. વાવાઝોડાની ૧૪ જિલ્લાઓમાં અસર જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે અગાઉથી તૈયારી કરી હોવાથી અને ૧૧ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડયા હોવાથી જાનહાની નથી થઈ. લોકોને ઘરોની બહાર નહી નીકળવા જણાવાયુ છે.
તટીય ઓડિશામાં ચક્રવાત ફેનીના કારણે વરસાદ અને કાતિલ પવનોની વચ્ચે ૧૨ લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓડિશાના ૧૧ તટીય જિલ્લાના નીચલા અને સંવેદનશીલ વિસ્તારોમાંથી ૧૧ લાખ લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે. ત્યાં રેલવે, માર્ગ અને હવાઇ વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે.
પર્યટકોને લઇ જવા માટે પૂરીથી હાવડા અને શાલીમાર વચ્ચે ત્રણ વિશેષ ટ્રેનો ચલાવામાં આવી છે. આજે સવારે પુરીના કિનારે વાવાઝોડુ ફાની ધસમસતુ આવી પહોંચ્યુ હતુ અને તેને વિકરાળ સ્વરૂપધારણ કરી તેણે ૨૦૦ કિ.મી.ની ઝડપે પવનનો મારો ચલાવ્યો હતો અને ભારે વરસાદ પણ વરસાવ્યો હતો. પશ્ચિમ બંગાળ અને આંધ્રમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ઓડીશા પરથી પસાર થઈ રહ્યા બાદ વાવાઝોડુ પ.બંગાળ તરફ આગળ વધશે.
વાવાઝોડાને કારણે ભુવનેશ્વર એરપોર્ટ બંધ કરી દેવાયુ છે અને શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. ઓડીશા આવતી ૨૦૦ જેટલી ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે દરીયામાં ૯ મીટર ઉંચા મોજા ઉછળે તેવી શકયતા છે. ભીષણ પવન અને વરસાદને કારણે ઠેર ઠેર વૃક્ષો તૂટી ગયા છે અને કાચા મકાનો પણ જમીનદોસ્ત થઈ ગયા છે. વિજળી અને સંચારના થાંભલાઓ પણ બેન્ડ વળી જતા સંચાર અને વિજળી સેવા ઠપ્પ થઈ જવા પામી છે.
કોઈપણ પરિસ્થિતિના સામના માટે ભારતીય સેનાની ત્રણેય પાંખ અને નેશનલ ડીઝાસ્ટરની ૮૧ ટુકડીઓ સજ્જ છે. વાવાઝોડુ ૫ થી ૬ કલાક તાંડવ મચાવે તેવી શકયતા છે અને પછી તે ધીમે ધીમે નબળી પડી છે. વાવાઝોડાને કારણે માર્ગોને ભારે નુકશાન થવાની શકયતા છે. જો કે જાનમાલની નુકશાની નહિવત જોવા મળી રહી છે. આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત વેપારીઓ સંસ્થાઓ, દુકાનો, બજારો વગેરે પણ બંધ છે.
કોલકતાનું એરપોર્ટ પણ બંધ કરી દેવાતા ભારે અફડાતફડી મચી જવા પામી છે. અનુમાન મુજબ લગભગ ૧૦,૦૦૦ ગામડાઓ અને ૫૨ શહેરો આ ભયાનક વાવાઝોડાની અસર હેઠળ આવી શકે છે. ૧૯૯૯માં આવેલા સુપર સાયકલોન બાદ પહેલુ વિકરાળ વાવાઝોડુ આ કહી શકાય તેમ છે.