સુરત(Surat): પાસોદરા(Pasodra)માં ગ્રીષ્મા વેકરીયા(Grishma Vekariya)ની જાહેરમાં હત્યા બાદ શહેરમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ, શહેરમાં ડ્રગ્સ અને અન્ય દુષણો વધી રહ્યા છે, તેવા સમયે સુરત શહેર સર્વ સમાજ નાગરિક સમિતિ(Sarva Samaj Nagarik Samiti) દ્વારા આ તમામ બાબતોને નાબૂદ કરવા માટે ‘સલામત સુરત પરિસંવાદ’ કાર્યક્રમનું આયોજન સમસ્ત પાટીદાર સમાજની વાડી, કતારગામ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ શહેરમાં ચાલી રહેલા દૂષણો વિશે જણાવ્યું હતું. આ સાથે પટેલ સમાજના આગેવાન મથુર સવાણી, ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા દીપક રાજ્યગુરુ અને પોલીસ કમિશનર અજય તોમરે આ વિષય પર વાત કરી હતી. આ કાર્યક્રમમાં વેલજી શેટા અને લાલજી પટેલ સહિત તમામ પાટીદાર સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો.
‘હની ટ્રેપમાં માત્ર બાળકો કે યુવાનો જ નહીં ધોળા વાળ વાળા પણ ફસાઈ રહ્યા છે: કાનજી ભાલાળા
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ કહ્યું કે, જ્યારે તેઓ ગ્રીષ્માના પરિવારને મળવા ગયા ત્યારે પરિવારના એક ભાઈએ હાથ જોડ્યા અને કહ્યું, “સમાજના આગેવાનોને વિનંતી છે કે અમારી ગ્રીષ્મા સાથે તો આ પ્રકારની ઘટના બની પરંતુ સમાજની અન્ય કોઈ દીકરી સાથે આ પ્રકારની ઘટના ન બને.” અગાઉ જ્યારે તેઓ પોલીસ કમિશનરને મળવા ગયા ત્યારે તેમણે કહ્યું હતું કે, “માત્ર બાળકો હની ટ્રેપમાં નથી પકડાતા, પરંતુ અઠવાડિયામાં એક કે બે વાર સફેદ વાળવાળા લોકો પણ પકડાય છે.” એક વાત તો આપણે સૌને સ્વીકારવી જોઈએ કે, ગુન્હેગારોમાં પોલીસનો જે ખૌફ અને ભય હોવો જોઈએ તે ઓછો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
જ્યારે લોકોને કહીએ છીએ કે, એવી કોઈ જગ્યા કે સ્થળ હોય કે, જ્યાં અસામાજીક તત્વો કે લુખ્ખા તત્વોનો અડ્ડો હોય તેની જાગૃત નાગરિક તરીકે જે પ્રયાસો થઈ શકે તે કરવા માટે પોલીસને જાણ કરવી જોઈએ. ઘણા લોકો તો એમ પણ કહે છે કે, ‘પોલીસને તમામ ખબર છે, પોલીસ કઈ અજાણ નથી.’
સમાજમાં હવે ધરમૂળથી ફેરફાર કરવાનો સમય પાકી ગયો છે: મથુર સવાણી, પટેલ સમાજ આગેવાન
જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે પોલીસ પોલીસની જેમ વર્તે છે, સમાજ એક સમાજની જેમ વર્તે છે અને 15 દિવસમાં બધું ભૂલીને રાબેતા મુજબ થઈ જાય છે. સમાજમાં હવે ધરમૂળથી ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. આપણે જ્ઞાતિવાદ કરીને ખૂબ જ ખરાબ કામ કરી રહ્યા છીએ. જ્ઞાતિવાદ માટે રાજકીય લોકો પણ જવાબદાર છે. આજકાલ લોકો પ્રગતિ કરી રહ્યા છે તેની ચર્ચા કરવાની જરૂર નથી પરંતુ હાલમાં જે સમાજ નબળી વાત કરે છે તે અંગે ચર્ચા કરવાની જરૂર છે. જેમાં સમાજના હર એક નાગરિકને દિલથી કામ કરવું જોઈએ.
શું તમારે અંગ્રેજોના ટાઈમની પોલીસ જોઈએ? -અજય તોમર, પોલીસ કમિશનર
પોલીસ કમિશ્નર અજય તોમર કહે છે કે, મારા અધિકારીઓ, તમામ સ્ટાફ ચાંદ પરથી કે, મંગળ પરથી નથી આવ્યા. અમે તમામ લોકો આ સમાજના જ છીએ. સમાજમાં અમુક ઘટના સામે આવે છે ત્યારે અનેક લોકો કહે છે પોલીસનો ખૌફ કે ડર ઓછો થઈ ગયો છે, એવી વાતથી ઘણા મોટા પ્રશ્નો પેદા થઇ રહ્યા છે. શું તમારે ફરીથી અંગ્રેજોના ટાઈમની પોલીસ જોઈએ છે? 1857 બાદ અંગ્રેજોએ આ પોલીસની સ્થાપના કરી હતી. તે પહેલાં પ્રથમ સ્વતંત્ર સંગ્રામ આવ્યો.
આ પ્રથમ સ્વતંત્ર સંગ્રામમાં મંગલ પાંડે હતાં, રાણી લક્ષ્મીબાઈ હતાં. ત્યારે અંગ્રેજોએ લોકોના ગળા કાપી નાંખ્યા હતાઅ અને ત્યારે ઈન્ડિયાને ફરીથી કંટ્રોલ કરી દીધા. દુનિયામાં કોઈ પ્રકારની એવી લોકશાહી નથી કે, જ્યાં લોકો એમ ઈચ્છતા હોય કે પોલીસનો ખૌફ હોવો જરૂરી છે. પોલીસનો ખૌફ હોવો જ ન જોઈએ. પોલીસ પર તમામ લોકોનો વિશ્વાસ હોવો જોઈએ. પોલીસ અને સમાજના સારા સંબંધ સુરતમાં ઉભા થાય તેના માટે તમામ કોશિશ મારા દ્વારા કરવામાં આવી રહી છે અને આગળ પણ કરતો રહીશ.
શિક્ષકને લાફો મારવાનો અધિકાર આપો: ડો.દિપક રાજ્યગુરૂ, ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ
ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ડૉ. દીપક રાજ્યગુરુ કહે છે, “મને કાનજીભાઈનો દૃષ્ટિકોણ ગમે છે. પોલીસનો ડર ઓછો થયો છે અને ગુનામાં વધારો થયો છે.” તે સમજવા જેવું છે. સરહદ પર જવાનોનો ડર ન હોય તો દુશ્મન હુમલો કરે છે. શહેરમાં પોલીસનો ડર નહીં રહે તો ગુનાખોરી વધશે. હું ભણતો હતો ત્યારે શિક્ષકોએ મને લાકડીઓથી ધમકાવ્યો હતો. મને લાકડીઓ બતાવીને ડરાવવામાં આવ્યો હતો. અમારામાં ખોટું કરવાની હિંમત નહોતી. મને એવું લાગે છે કે તે સમય પાછો લાવવાની જરૂર છે.
આપણે સમાજમાં સંસ્કાર આપવાનું કામ કરવું પડશે. કોલેજો અને શાળાઓમાં નૈતિક મૂલ્યોના વર્ગો શરૂ કરવા પડશે. શિક્ષકને લાફો મારવાનો અધિકાર આપવામાં આવે. બાળકોને લાકડી લઈને નથી મારવાના, બંદૂક લઈને નથી મારવાના, ક્લાસમાં ભૂલ થાય તો લાફો મારવાનો અધિકાર આપો, હું માનું છું કે 70 થી 80 ટકા સમસ્યા ત્યાં જ ઉકેલાઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.