કોઈ પણ પાર્ટી આચારસંહિતાનો ભંગ કરે છે? અહીં કરો ફરિયાદ- 100 મિનિટમાં થશે કાર્યવાહી

Published on: 9:30 am, Thu, 14 March 19

ચૂંટણીપંચે સોશિયલ મીડિયા મારફત આચાર સંહિતા ભંગની ફરિયાદો સાંભળવા માટે એક સ્પેશિયલ એપ્લિકેશન લોન્ચ કરી દીધી છે. જેનાથી કોઈપણ પક્ષ દ્વારા આચારસંહિતાના ભંગની ફરિયાદ દેશનો કોઈ પણ નાગરિક સીધો કેન્દ્રીય ચૂંટણી પંચને કરી શકશે. ગઈકાલે ચૂંટણીપંચ દ્વારા સી વિજીલ C Vigil નામની સ્માર્ટફોન એપ્લિકેશન લોન્ચ કરી દીધી છે. જેનાથી દેશનો કોઈ પણ નાગરિક આચારસંહિતા ભંગ થતી હોય તેવા ફોટો અથવા વિડિયો ચૂંટણીપંચને મોકલીને ફરિયાદ દાખલ કરાવી શકે છે. વિશેષ વાત એ છે કે, ચૂંટણીપચ તમારી ફરિયાદને માત્ર સો મિનિટની અંદર જ કાર્યવાહી કરીને તમને જવાબ આપશે.

આ એપ્લિકેશન પંજાબમાં લોન્ચ કરવામાં આવી. કારણકે દેશમાં સૌથી વધુ સ્માર્ટફોન ઉપયોગ કરતા રાજ્યોમાં ત્રીજા નંબરે આવે છે. એપ્લિકેશન દેશભરના યુઝરો ડાઉનલોડ કરી શકશે અને ફરિયાદ દાખલ કરી શકશે. આ એપ્લિકેશન લોન્ચ થવાથી દેશભરના પક્ષો વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરીયાદ થશે અને દેશમાં તટસ્થ ચૂંટણી થઈ શકશે.

આ એપ્લિકેશન નો ટ્રાયલ 2018માં થયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં થયેલા વિધાનસભા ચૂંટણીમાં આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને 28 હજાર ફરિયાદો મેળવવામાં આવી હતી જેમાંથી 75 ટકા ફરિયાદો સાચી ઠરી હતી અને ચૂંટણી પંચે આ ફરિયાદોનું નિરાકરણ કર્યું હતું.

અત્યાર સુધી ચૂંટણી આચાર સંહિતા માં ફરિયાદ માટે લેખિતમાં અરજી કરીને ફરિયાદો કરવામાં આવતી હતી. જેમાં ખાસ્સો સમય થઈ જતો હતો અને ચૂંટણી પણ પૂરી થઇ જતી હતી. હાલ પ્રોસેસમાં લાંબો સમય લાગતો હોવાથી લોકો આચારસંહિતા ભંગ થતો જોવા છતાં ફરિયાદથી દૂર રહેતા હતા. પરંતુ હવે ચૂંટણીપંચ દ્વારા આ એપ્લિકેશનથી દેશના તમામ ભાગોમાં નજર રાખવામાં આવશે. તેથી જ આ એપ્લિકેશનનું નામ સિ વિજિલ રાખવામાં આવ્યું છે.

જોકે ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. ભારતીય દૂરસંચાર પ્રાધિકરણ એટલે કે ટ્રાય દ્વારા ગયા વર્ષે જાહેર કરવામાં આવેલા મોબાઈલ યુઝર્સ ડેટા અનુસાર દેશમાં ૧૨૦ કરોડથી વધુ મોબાઇલ ઉપયોગકર્તા છે. જેમાંથી ૫૪ ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. સાયબર મીડિયા રિસર્ચ ડેટા અનુસાર 2018ની જાન્યુઆરી મહિના સુધીમાં દેશમાં કેરલ સ્માર્ટફોન ઉપયોગ કરવા વાળા રાજ્યોમાં 65 ટકા સાથે પ્રથમ ક્રમે, બીજા ક્રમે ગુજરાત 60% અને ત્રીજા નંબર પર પંજાબ હતું જ્યાં 59 ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.

એ પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજીસ્ટર થઈને આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી શકો છો અને દેશભરમાં એક જાગૃત નાગરિક તરીકે તટસ્થ ચૂંટણી આયોજન થાય તે દિશામાં મદદગાર થશો.