ગુજરાતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા જ રાજકોટમાં કોરોનાની હોસ્પિટલમાં શિવાનંદ હોસ્ટિપટલમાં આગ લાગ્યા બાદ આ સમગ્ર ઘટનામાં બેજવાબદાર ડોકટરોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ દરમ્યાન હવે ગુજરાતના પ્રખ્યાત એવા દિવ્ય ભાસ્કરના પત્રકાર અને ફોટોગ્રાફર સામે ગુનો નોંધ્યો છે.
પોલીસે ત્રણેય પત્રકારો, પ્રીતિપાલસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ જાડેજા અને ઇમરાન હોથી અને ફોટોગ્રાફર પ્રકાશ રમેશના નામનો એફઆઈઆર નોંધી હતી. આઇ.પી.સી.ની કલમ 186, 114, જીપીએની કલમ 120 અને આઇ.ટી.એક્ટ 72(એ), 84 હેઠળ FIR નોંધવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશ મનુભાઇ ગઢવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, અગ્નિકાંડના આરોપીઓ ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. વિશાલ મોઢા, ડૉ. તેજસ કરમટાને તપાસ માટે રાજકોટ પોલીસ સ્ટેશન લવાયા હતા.
થોડા સમય પહેલા જ પત્રકાર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ત્યાર બાદ ખુદ અમિત શાહ સહીત ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ તેને ચોથી જાગીર ઉપર હુમલો કહ્યો હતો. આ દરમ્યાન, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર અને મતવિસ્તારમાં પત્રકાર અને ફોટોગ્રાફર સામે ગુનો નોંધાય ત્યારે ચોથી જાગીર ઉપર હુમલાની કોઈ વાત કરતું નથી. આ સમગ્ર ઘટના અંગે દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડીટર દેવેન્દ્ર ભટ્ટનાગરે ટવીટ કરીને જણાવ્યું કે, એફઆરઆઈ નહીં પત્રકારોના એન્કાઉટર કરો. તેવું જણાવીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
રાજકોટની કોરોનાની હોસ્પીટલમાં લાગેલી આગ બાદ થોડા સમય પહેલા જ ડોકટરો વિરુધ ગુનો નોંધીને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને લોકઅપમાં નહિ પરંતુ સોફા ઉપર બેસાડવમાં આવ્યા હતા. તેમને સારામાં સારી સુવિધાઓ આપવામાં આવી રહી હતી. તેમની સામે ટેબલ ઉપર બીસ્લેરીનું પાણી પણ મુકવામાં આવ્યું હતું. જેને લઈને ભાસ્કરના પત્રકાર અને ફોટોગ્રાફર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે પકડાયેલા ડૉકટર આરોપીઓને લોકઅપમાં રાખવાને બદલે પોલીસ સ્ટેશમાં જ સુવીધા આપતા હોવાની સ્ટોરી કરી અને ફોટોગ્રાફ પાડયા હતા. જે દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયા હતા. આ મામલે રાજકોટ પોલીસે દિવ્ય ભાસ્કરના ત્રણ રિપોર્ટર અને એક ફોટોગ્રાફર સામે પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે પ્રવેશ કરવો, સરકારના કામમાં દખલ કરવું અને કાવત્રૂ રચવાનો ગુનો નોંધ્યો છે.
જે વિસ્તારમાં આગની ઘટના બનવા પામી હતી, તે મત વિસ્તાર મુખ્યમંત્રી વિજય રૂપાણીનો છે. તેમના જ રાજકોટ શહેરમાં કોઈ કોરોનાની હોસ્પિટલમાં આગ લાગે અને કોરોનાથી બચવા આવેલા લોકો આગમાં ભૂંજાઈને મૃત્યુ પામે તે સમગ્ર ઘટના એક અકસ્માત હતો. આ ઘટના અંગે વિજય રૂપાણી જવાબદાર છે તેવું નથી, કારણ રાજ્યમાં થતાં તમામ અકસ્માત માટે તમે મુખ્યમંત્રીને જવાબદાર ઠેરવો તે યોગ્ય નથી. જો કે દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલી સ્ટોરીમાં કયાંય વિજય રૂપાણીનો ઉલ્લેખ ન હતો. તેમ છતાં વિજય રૂપાણીને ખોટું લાગી આવ્યું હતું. કારણ કે, આ ઘટના તેમના શહેર અને મત વિસ્તારની હતી. જેના ઉપર લખવામાં આવ્યું હતું.
અહિંયા પ્રશ્ન એવો છે કે, સત્યતાની તપાસ કરતા પત્રકારોને કેટલાંક જોખમો લેવા પડે અને નિયમો પણ તોડવા પડે છે, પણ સત્ય જાણવાના તેના પ્રયાસમાં પત્રકારોનો ઈરાદો શું હતો, સત્યને ઉજાગર કરવાનો કે મલીન ઈરાદો હતો, પણ રાજકોટના કિસ્સામા્ં કોઈ મલીન ઈરાદો ન્હોતો તેવું સ્ટોરી જોતા સ્પષ્ટ થાય છે. આમ છત્તાં તેમની સામે ગુનો નોંધાય છે. એક તરફ આપણે ચોથી જાગીરની દુહાઈ આપતા હોઈએ ત્યારે આપણે પસંદ નથી તેવા કોઈ સમાચાર પ્રસિધ્ધ થાય ત્યારે પત્રકાર બદમાશ છે તેવું કહીએ તે વાજબી નથી.
આ કેસમાં જેમને આરોપી બનાવવામાં આવ્યા છે તે પત્રકાર અને ફોટોગ્રાફર સામાન્ય માણસ છે, તેમને પોતાના સિનિયર પાસેથી મળેલી સુચના અને આદેશનું તેમણે પાલન કર્યું છે. કદાચ વિજય રૂપાણી અને રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમને વ્યકિતગત રીતે ઓળખતા પણ નહીં હોય, પણ અહિંયા ઝઘડો જુદો છે, સામાન્ય રીતે સરકારની સાથે રહેતુ દિવ્ય ભાસ્કર અખબાર કોરોનાના મુદ્દે આકરૂ વલણ લઈ રહ્યું છે જે તેનો અધિકાર અને ધર્મ પણ છે, પણ વિજય રૂપાણીને તેનું માઠું લાગવું પણ સ્વભાવીક છે.
જોકે, ગુનો નોંધતા પહેલા રાજકોટના પોલીસ કમિશનર વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મંજુરી લીધી હોય ના હોય તે વાતમાં માલ નથી. આ ફરિયાદ રાજકિય ઈશારે જ થઈ છે પછી ભલે માંડવાળ થાય પણ દરેક વખતે પત્રકારો સામેની લડાઈમાં અમે જાણતા નથી તેવું કહી નેતાઓ આબાદ છટકી જાય છે, પણ આપણે સરકારમાં હોઈએ ત્યારે પણ આપણને નહીં ગમતા પત્રકારોની ચોથી જાગીરની પણ આપણે ચિંતા કરવી જોઈએ તેવું સમજાય તો સારૂ છે. આમ થતાં દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડીટર દેવેન્દ્ર ભટ્ટનાગરે પોતાની નારાગજગી વ્યકત કરતા કહ્યું એફઆરઆઈ નહીં પત્રકારોના એન્કાઉન્ટરો કરો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle