ચાલુ વર્ષે શિયાળાએ ધીમી ગતિએ પ્રવેશ કર્યો છે છે. સામાન્ય રીતે ગરમીમાં શેકાતા અથવા વાયુ પ્રદૂષણને કારણે ગરમ વાતાવરણમાં રહેવા ટેવાયેલા શહેરીજનોથી ખુબ ઠંડી સહન નથી કરી શકતા. આવામાં ઠંડીથી બચવાના સરળ ઉપાય તેમને હુંફ આપી શકે છે. આજે અમે આ બાબતની વિશેશ્ગ્નોએ આપેલી ટીપ્સ તમને શેર કરીશું.
શિયાળા દરમ્યાન તમે ઘરમાં હોવ ત્યારે સવારના સમયે ઘરમાં તડકો આવતો હોય તે દરમિયાન ઓરડાની બારીઓ ખુલ્લી રાખો. તડકાને કારણે ઘરનું વાતાવરણ હુંફાળુ લાગશે. પરંતુ સાંજે બહારના વાતાવરણમાં ટાઢક વધુ હોવાથી ઓરડાની બારીઓ બંધ કરી દો, જેથી રૂમની ગરમી બહાર ન નીકળી જાય અને ઠંડો પવન ઘરમાં ન આવે.
આ એક ઉપાય બાદ ઘરના ઓરડાને હુંફાળો રાખવા ભોયતળીયે પર ગાલીચો પાથરી રાખો. ગાલીચાને કારણે રૂમ પણ થોડો ગરમ રહેશે અને તમારા ખુલ્લા પગ ઠંડી ભોયતળીયાને નહીં અડે. આ સિવાય ઘરમાં હાલતી ચાલતી વખતે પગમાં સ્લીપર પણ પહેરી રાખી શકાય. તમારા ઘરમાં સરસ મઝાના કુશન હોય તો તે સોફા પર ગોઠવી દો. સોફા પર બેસીને ખોળામાં કુશન મુકવાથી પણ ઠંડી ઓછી લાગશે. દરવાજા નીચેની તિરાડ ઢાંકવાનો પ્રયત્ન કરો. તિરાડમાંથી આવતી ઠંડી હવાથી પણ રૂમમાં ઠંડક પ્રસરવાની ભીતિ રહે છે. વધુ કાંઈ ન કરી શકો તો દરવાજા પાસે જાડું પગલૂછણિયું મુકી દો. તિરાડમાંથી આવતી ઠંડી હવા આપોઆપ અટકી જશે.
રૂમમાં લગાવેલો એક્ઝોસ્ટ ફેન(ઘરની હવા બહાર ફેકતો પંખો) ચલાવવાનું ટાળો અને ઘરની કલમદાની પણ બંધ રાખો. સાથે બારી પર જાડા પડદા લગાવી દો. પડદા જેટલા જાડા હશે એટલો ઓરડો વધુ હુંફાળો રહેશે.
શહેરમાં શિયાળો લાંબો નથી ટકતો તેથી વિદ્યુતરોધક લગાવવાનો કોઈ અર્થ નથી સરતો. વાસ્તવમાં તેને કારણે ચોમાસામાં લિકેજ થતું હોય તો સમસ્યા સર્જાઈ શકે.
વધુ એક ઉપાય જાણીએ તો ઓરડાને ગરમ રાખવા રૂમમાં મીણબત્તી સળગાવી શકાય. વળી આજે બજારમાં અનેકજાતની સુગંધી મીણબત્તીઓ (આરોમા કેંડલ્સ) પણ મળે છે. મીણબત્તી પેટાવવાથી રૂમમાં હુંફ અને સુગંધ બંને પ્રસરશે.
શક્ય હોય તો ઘરના બધા સભ્યો એક રૂમમાં બેસો. આમ કરવાથી પણ ઓરડામાં ગરમાટો આવી જશે. હા, આ સમય દરમિયાન અન્ય ઓરડાના દરવાજા બંધ રાખો જેથી તમારા ઓરડાનો ગરમાટો બીજા ઓરડાઓમાં પ્રસરી ન જાય.
જોકે શિયાળાની ઠંડીમાં પણ ગૃહિણીઓને રસોઈ બનાવતી વખતે આપોઆપ ગરમાટો મળી રહે છે. ગરમીના દિવસોમાં જે ચૂલા પાસે ઊભા રહીને રાંધતી વખતે પરસેવાથી રેબઝેબ થઈ જવાતું હોય છે, શિયાળામાં એ ચૂલો જ હુંફાળો લાગે છે.