ભારતમાં આઈપીએલ 2022 (IPL 2022) નો રોમાંચ ચરમસીમાએ છે. ત્યારે આજરોજ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રવિવાર 2 એપ્રિલ ભારતીય ક્રિકેટ ટીમ અને તેમના ચાહકો માટે સારી સવાર ન હતી. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી સલીમ દુર્રાનીનું રવિવારે સવારે નિધન થયું હતું.
ગુજરાતના જામનગરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 88 વર્ષના હતા અને કેન્સર સામે લડી રહ્યા હતા. જણાવી દઈએ કે, સલીમ દુર્રાનીનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો અને તે ઘણા વર્ષો સુધી ભારત માટે ક્રિકેટ રમ્યા હતા. આ સાથે દુર્રાની અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર છે. દુર્રાની એવા પ્રથમ ભારતીય ક્રિકેટર છે જેમને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દુર્રાનીને 1960માં અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સલીમ દુર્રાનીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી
તમને જણાવી દઈએ કે, કાબુલમાં જન્મેલા સલીમ દુર્રાનીએ ભારત માટે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ 1 જાન્યુઆરી 1960ના રોજ ઓસ્ટ્રેલિયા સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમી હતી. આ તેની ડેબ્યૂ મેચ હતી. દુર્રાની લગભગ 13 વર્ષથી ભારત માટે ક્રિકેટ રમ્યા હતા. આ દરમિયાન તેણે 29 ટેસ્ટમાં 25.04ની એવરેજથી બેટિંગ કરીને 1202 રન બનાવ્યા છે, જેમાં તેણે પોતાના બેટથી 1 સદી અને 7 અડધી સદી ફટકારી હતી.
તે એવા બેટ્સમેન હતા જે ચાહકોની માંગ પર સિક્સર ફટકારતા હતા. આ સિવાય સલીમે બોલિંગમાં પણ પોતાનું નામ બનાવ્યું હતું. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 75 વિકેટ પણ લીધી હતી. તે ડાબોડી સ્પિન બોલર હતો. સલીમ દુરાનીએ માત્ર ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ 06 ફેબ્રુઆરી 1973ના રોજ ઈંગ્લેન્ડ સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં જ રમી હતી.
બોલિવૂડમાં પણ કર્યું છે કામ
સલીમ દુર્રાની તેમના જબરદસ્ત દેખાવ માટે પણ જાણીતા હતા. તેણે બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. 1973માં સલીમે ચરિત્ર નામની ફિલ્મમાં કામ કર્યું હતું. તે ફિલ્મમાં દુર્રાનીએ તત્કાલીન સ્ટાર અભિનેત્રી પરવીન બાબી સાથે કામ કર્યું હતું. આ સિવાય સલીમને 2011માં બીસીસીઆઈ દ્વારા સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.