વલસાડ(ગુજરાત): 23 સપ્ટેમ્બર 2020ના રોજ વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં આવેલા હરિયા ગામના રહેવાસી જનકભાઈ વૈરાગી નામના એક ડોક્ટરનું ભગોદ ગામ નજીકથી અપહરણ થયું હતું. મોડી રાત્રે તબીબ ક્લિનિક પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભગોદ ગામના આશ્રમ નજીક બે વાહનોમાં આવેલા 4 અજાણ્યા વ્યક્તિઓએ મોપેડ પર આવતા ડોક્ટરનું આંખા પાડા બાંધી અપહરણ કર્યું હતું.
અપહરણ બાદ થોડાક જ સમયમાં સમગ્ર જિલ્લાની પોલીસ અપહરણકર્તાઓની ચુંગાલમાંથી ડોકટરને છોડાવવા જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. જોકે 11 મહિના સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા અને તેમની ઓળખ પણ થઈ શકી ન હતી. જો કે પોલીસની સતત તપાસને કારણે આખરે 11 મહિના પછી ચાર આરોપીઓની અટકાયત કરી છે.
પોલીસે ચાર આરોપી દિપેશભાઈ પટેલ, રોહન સતીષભાઈ પટેલ, કલ્પેશ ઉર્ફે ભીમા પટેલ અને લલિત ઉર્ફે સોમ હસમુખ પટેલની અટકાયત કરી છે. વલસાડની નજીક આ તમામ આરોપીઓ રહે છે. આરોપીઓમાં દીપેશ પટેલ નામનો આરોપી નોટ બંધી વખતે બીમારીને કારણે અપહરણનો ભોગ બનેલા ડૉકટર પાસે દવા લેવા ગયો હતો. ડોક્ટરે ફોન પર વાત કરતાં પોતાના મિત્રોને નોટ બંધી વખતે તેમની પાસે ઘરે કબાટ ભરીને રૂપિયા છે.
આમ ડોક્ટરની આ વાત દીપેશે સાચી માની લીધી હતી. એ વખતે જ દીપેશ ના મનમાં લાલચ જાગી અને પોતાના મિત્રોને વાત કરી ડોક્ટરનું અપહરણ કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. છેવટે તેઓ અપહરણ કરવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ ડોકટરના પરિવારજનો પાસેથી તેમના છુટકારા માટે રૂપિયા 1 કરોડ રૂપિયાની માંગી કરી હતી.
પરંતુ અપહરણ બાદ આરોપીઓને રૂપિયા ન મળતા ડોક્ટરને નિર્વસ્ત્ર હાલતમાં જંગલ વિસ્તારમાં છોડી અને ફરાર થઈ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં વધુ ચોંકાવનારી બાબતએ છે કે, આરોપીઓએ પ્રથમ વખત આ પ્રકારનો ગંભીર ગુનો કર્યો હતો. જેને કારણે તેમનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. પરંતુ તેઓએ ડોક્ટર પાસે કરોડો રૂપિયા હોવાનું માની અને તેમના અપહરણનો પ્લાન બનાવ્યો હતો.
લાંબા સમય સુધી અપહરણ માટે આરોપીઓએ youtube પર અને ટીવી સહિતના માધ્યમો અને ક્રાઈમ ડાયરી જેવી સીરિયલો અને સાઉથની ફિલ્મો જોઈએ અને ડોકટરના અપહરણનો ફૂલ પ્લાન બનાવ્યો હતો અને તેમાં તેઓ સફળ પણ રહ્યા હતા. 11 મહિના સુધી પોતાની ઓળખ છુપાવી અને પોલીસ પકડથી દૂર પણ રહ્યા હતા. પરંતુ આ કેસમાં વલસાડ એલસીબી પોલીસને 11 મહિનાની જહેમત બાદ સફળતા હાથ લાગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.