તળાજા: ખેડૂતો પર લાઠીચાર્જ કરનાર તમામ પોલીસકર્મી વિરુદ્ધ તત્કાલ FRI નોંધવા આદેશ

Published on: 12:32 pm, Fri, 1 February 19

થોડા સમય પહેલા જ ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકામાં દરિયાકાંઠાનાં ગામોમાં ચાલી રહેલા અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીના માઇનીંગનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર પોલીસે બેરહેમીથી લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલે હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં સૂનાવણી દરમિયાન હાઇકોર્ટે હુકમ કર્યો છે કે ખેડૂતો પર દમન કરનારા તમામ પોલીસકર્મીઓ વિરુદ્ધ તત્કાલ FIR નોંધવામાં આવે.

ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકામાં દરિયાકાંઠાનાં ગામોમાં ચાલી રહેલા અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીના માઇનીંગનાં વિરોધમાં આજે હજ્જારો સ્થાનિક લોકો ભેગા થયા હતા અને માઇનીંગ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ સાથે ઘર્ષણ થયુ હતુ.

ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા કરવામાં આવેલા ખેડૂતો પર દમન મામલે મંગળવારે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે ભાવનગર અને તળાજાના ડિસ્ટ્રીકટ અને સેશન્સ જજ પાસેથી ખેડૂતોની ફરિયાદ ન લેવા અંગે ખુલાસો માંગ્યો હતો. તો હાઇકોર્ટે આ સમગ્ર પ્રકારણને ગંભીરતાથી લેતા રાજ્યના DGP, ADGP, સ્થાનિક SP અને અન્ય પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે.

હાઇકોર્ટે દાથા પોલીસ સ્ટેશનને ખેડૂતોની 54 જેટલી ફરિયાદો 2 દિવસમાં દાખલ કરવાનો હુકમ કર્યો હતો.

પીડિત ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, આંદોલનમાં માર મારનારા પોલીસ અધિકારી જ તપાસ કરી રહ્યા છે. જેથી આ કેસની ઉચ્ચ પોલીસ આગેવાની હેઠળ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ચિનાઈ માટીનું ખોદકામ અટકાવવા 50 ગામના 1500 જેટલા સ્થાનિક લોકોએ શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે તેમના પર દમન ગુજાર્યું હતું.

એટલું જ નહી ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે પોલીસ સ્ટેશનમાં પણ ખેડૂતોને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. જેની ફરિયાદ આજ દિવસ સુધી નોંધવામાં આવી નથી.