Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી આવી રહી છે,ત્યારે કોંગ્રેસની હાલત દિવસેને દિવસે કફોડી થઇ રહી છે.કારણકે કોંગ્રેસના એક પછી એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે.ત્યારે આજે ફરી એકવાર ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના બે કોર્પોરેટરોએ રાજીનામું આપતા ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસમુક્ત બની છે. અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું(Lok Sabha Election 2024) આપી દીધું છે. તેઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામાનો પત્ર પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહને મોકલ્યો છે.
ગાંધીનગર મનપા કોંગ્રેસ મુક્ત બની
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોગ્રેસના બંન્ને કોર્પોરેટરો આવતીકાલે ભાજપના ભરતીમેળમાં જઈ ભાજપનો કેસરિયો ખેસ પહેરશે. થોડા દિવસ અગાઉ અંકિત બારોટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. ગાંધીનગર કોર્પોરેશનમાં 44 બેઠકોમાંથી 2 બેઠકો પર કોંગ્રેસને જીત મળી હતી પરંતુ રાજીનામું આપતા ગાંધીનગર મનપા કોંગ્રેસ મુક્ત બની છે.
રાજીનામાં અંગે શક્તિસિંહને લખ્યો પત્ર
બંને કોંગી કોર્પોરેટરોએ રાજીનામાનો પત્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે હું અંકિત અશ્વિનકુમાર બારોટ વિપક્ષ નેતા, ગાંધીનગર મહાનગરપાલિકા, કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારીમાંથી મુક્ત થાઉં છું. અંકિત બારોટે વધુમાં જણાવ્યું કે કોર્પોરેશનમાં પક્ષાંતર ધારો લાગુ પડતો ન હોવાથી અમારું પદ સલામત રહેશે. અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કોર્પોરેટર પદે ચાલુ રહીશું. આમ બંને કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે પણ કોર્પોરેટર પદે ચાલુ રહેશે.
અમારા વોર્ડના વિકાસ માટે ભાજપમાં જોડાયા
કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ બંને કોર્પોરેટરોએ જણાવ્યું કે અમારા વોર્ડમાં વિકાસના કામો ન થતા હોવાથી અમે ભાજપમાં જોડાઈએ છીએ. બંને કોર્પોરેટરોએ પક્ષ પલટાનો લૂલો બચાવ કર્યો હતો. ભાજપમાં ભળવાથી અમારા વિકાસના કામો ઝડપથી થશે. કોંગ્રેસમાં હોવાથી ક્યાંકને ક્યાંક મર્યાદાઓ નડતી હતી. અમે ચાર પાંચ દિવસ લોકો વચ્ચે ગયા ત્યારે વોર્ડના આગેવાનોએ ભાજપમાં જોવા જોડાવાનું જણાવ્યું હતું.
બંને કોર્પોરેટરો પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડાના સમર્થક
ભાજપ દ્વારા આ બંને કોર્પોરેટરો સાથે છેલ્લા થોડા દિવસોથી બેઠક કરવામાં આવી હતી અને તેમાં ભાજપને સફળતા મળી છે. વિજાપુરના ધારાસભ્ય તરીકે સી.જે ચાવડાએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં ભળી ગયા હતા અને તેમના ટેકેદારો તરીકે ગણાતા આ બંને કોર્પોરેટરો હવે ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ મેળવી લેશે.
મનપામાં ભાજપનું સંખ્યાબળ 43 કોર્પોરેટરનું થયું
ગાંધીનગર મનપામાં વિપક્ષમાં ફક્ત એક જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રહેશે. જેને પણ આગામી દિવસમાં ભાજપ દ્વારા સમાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેથી ગાંધીનગર મહાનગરપાલિકામાં આગામી સમયમાં કોઈ વિપક્ષ જ નહીં રહે તેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં. હાલ 44 પૈકી 41 કોપોરેટર ભાજપના છે ત્યારે બે કોંગ્રેસના કોર્પોરેટરો ભાજપમાં ભળી જાય તો સંખ્યાબળ 43નું થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App