આપણને સૌને ગણપતિ વિસર્જન વખતે આડેધડ અને જેમ તેમ વિસર્જન કરીને રઝળતી મૂકીને જતા રહેવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ હવે છેલ્લા કેટલાક વર્ષોથી મૂર્તિ વેચનારા લોકો જ મૂર્તિ રઝળતી મૂકીને જતા રહેતા હોવાનું નજરે ચડ્યું છે જે ખૂબ જ દુઃખદ બાબત ગણી શકાય. બીજા રાજ્યોમાંથી શ્રીજીની પ્રતિમા વેચવા માટે લોકો સુરતમાં આવતા હોય છે. મોટા પ્રમાણમાં મૂર્તિઓ વેચાણ માટે લાવ્યા બાદ ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના થઈ ગયા બાદ મૂર્તિઓનું વેચાણ બંધ થઈ જતું હોય છે જે આપણને સૌને ખબર છે. જેથી જે મૂર્તિઓમાંથી રૂપિયા કમાયા હોય તેટલા રૂપિયા લઈને તેઓ પોતાના રસ્તે જતા રહે છે અને બાકીની મૂર્તિઓ તે સ્થળે જ મૂકીને ચાલ્યા જતા હોય છે.
ગણેશ ઉત્સવ સમિતિએ વિસર્જન માટેની વ્યવસ્થા કરી:
સુરત શહેરના સિવિલ હોસ્પિટલ, બમરોલી, અડાજણ, પાંડેસરા સહિતના વિસ્તારોમાં ગણેશજીની પ્રતિમાઓ રઝળતી જોવા મળી હતી. છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોવાથી સુરત ગણેશ ઉત્સવ સમિતિ સક્રિય થઈ જાય છે અને જેટલી પણ પ્રતિમાઓ મૂકીને જતા રહે છે તે તમામ મૂર્તિઓને એકત્રિત કરવાનું કાર્ય કરે છે અને તમામ મૂર્તિઓનું પણ યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.આપને સૌને ખબર છે કે, આસ્થાને ઠેસ પહોંચે તેવા દ્રશ્યો અવારનવાર જોવા મળતા હોય છે.
હજારોની સંખ્યામાં મૂર્તિઓ રસ્તા પર પડેલી જોવા મળે છે:
માત્ર રૂપિયા કમાઈ લેવા માટે જ મૂર્તિને વહેચીને ધંધો કરતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આ લોકોમાં કોઈપણ પ્રકારની આસ્થા દેખાતી નથી. ગણેશજીની મુર્તિઓનું વેચાણ કરીને પોતાની રોજીરોટી ચલાવે છે અને તેઓ તેમની સાથે આસ્થાથી જોડાયેલા હોય તેવું જણાતું નથી અને તેના કારણે જ દર વર્ષે આ રીતે મૂર્તિની વહેચણી કરી રહેલા લોકો પોતાની શ્રીજીની પ્રતિમાઓને રસ્તા ઉપર મૂકીને જ ચાલ્યા જાય છે. હજારોની સંખ્યામાં મૂર્તિઓ અહીં પડેલી જોવા મળી રહે છે જે ખરેખર આ ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય. પહેલા ગણેશજીની મૂર્તિ માત્ર વિસર્જન વખતે દેખાતી હતી, પરંતુ હવે ગણપતિ ચતુર્થીના દિવસે સ્થાપના થયાને બીજે દિવસે આ પ્રકારના દૃશ્યો સુરત શહેરમાં સામાન્ય રીતે જોવા જ મળતા હોય છે.
સુરત ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાળાએ જણાવતા કહ્યું છે કે, ગણેશજીની પ્રતિમા વહેંચી રહેલા લોકો આ પ્રકારનું વર્તન ઘણા સમયથી કરી રહ્યા છે. સાથે તેમણે જણાવતા કહ્યું છે કે, અમે ગઈ વખતે પણ સુરત કોર્પોરેશનનું આ બાબતે ધ્યાન દોર્યું હતું કે જે પણ મૂર્તિ વહેચનારા લોકો સુરતમાં વેચાણ માટે આવે તે તમામ સુરત કોર્પોરેશન દ્વારા રજિસ્ટ્રેશન કરવું જોઈએ. સાથે જ તેમના આધારકાર્ડ પણ લેવા જોઈએ જેથી કરીને તેઓ જ્યાં પોતાની વેચાણ માટે લાવેલી પ્રતિમા હોય તે તમામનું રજિસ્ટ્રેશન થઇ જાય તો તે લોકો મૂર્તિઓને રઝળતી મૂકીને જતા રહે તો તેમની સામે કાયદાકીય રીતે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં સરળતા રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.