અમદાવાદ(ગુજરાત): આજકાલ બળાત્કાર અને છેડતીના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત, અનૈતિક સંબંધને છુપાવા માટે વ્યક્તિ ગમે તેટલા પ્રયાસ કરે પણ ક્યારેક કોઈ ગુનાને અંજામ આપીને તે બચી શકતો નથી. આ દરમિયાન, અમદાવાદમાં એક યુવક પોતાની પત્ની સિવાય વિધવા મહિલા સાથે સબંધ રાખ્યા હોવાની જાણ પત્નીને થતાં તે રિસાઈ ગઈ હતી.
આ દરમિયાન પ્રેમિકા બ્લેકમેલ કરતા અન્ય યુવતીના પ્રેમમાં આ યુવક ફસાયો હતો. હવે વિધવા મહિલાએ 10 લાખ રૂપિયાની માગણી કરતા તેણે મહિલાને પથ્થર મારી માથું છૂંદી નાંખ્યું અને લાશ ફેંકી દીધી હતી. બિનવારસી લાશની તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા હાલ આ મર્ડર મિસ્ટ્રી ઉકેલી નાખવામાં આવી છે. હાલ આરોપી પોલીસ પકડમાં છે અને તેણે સમગ્ર ગૂનો કબૂલી લીધો છે.
જાણવા મળ્યું છે કે, અમદાવાદના રિવરફ્રન્ટ પર એક મહિલાની લાશ વાસણા બેરેજ નજીક ખુલ્લા ખેતરમાં પડી હતી. આશરે 30 થી 35 વર્ષની આ મહિલાની લાશની જાણ થતાં પ્રથમ નજરે મહિલાના મૃત શરીર પર ઇજાના અને બોથડ પદાર્થના ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા હતાં. પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મહિલાની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીની ટીમ દ્વારા રિવરફ્રન્ટ આસપાસના વિસ્તારમાં થોડા સમયથી ગુમ થયેલી 30 વર્ષની યુવતીની શોધખોળ પણ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસને કાલુપુર પાસેથી 35 વર્ષની વિધવા મનિષા વિશેની માહિતી પ્રાપ્ત થઇ હતી. હવે પોલીસે મનિષાને કેન્દ્રમાં રાખીને તપાસ શરૂ કરી દીધી હતી.
મળતી માહિતી મુજબ, મનિષા એક જગ્યાએ નોકરી કરતી હતી. તેની કડી પોલીસને મળી હતી. આ દુકાન હિતેશ શ્રીમાળીની હતી. હિતેશ શ્રીમાળી પોતે હોમગાર્ડમાં પણ હતો. 5 વર્ષથી મનિષા અને હિતેશ વચ્ચે શારીરિક સબંધ હતા. જે કારણે પોલીસ દ્વારા હિતેશની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. હિતેશ પોલીસ સમક્ષ જે વાત કરી તે સાંભળીને પોલીસ સ્તબ્ધ રહી ગઈ હતી. હિતેશના અગાઉ લગ્ન થઈ ગયા હતા. તેની પત્નીને મનિષા વિશે શંકા હતી અને તેને કારણે તેમની વચ્ચે ઝઘડા પણ થતાં હતા. એક દિવસ હિતેશની પત્ની આ બાબતથી કંટાળીને પિયર જતી રહી હતી. બીજી બાજુ હિતેશને અન્ય એક યુવતી સાથે પ્રેમ થયો અને તે હવે મનિષાને દૂર રાખવા લાગ્યો હતો.
મનિષાને પણ અંદાજ આવી ગયો હતો કે, હવે હિતેશ તેને દૂર રાખી રહ્યો છે. મનિષાએ હિતેશને ધમકી આપી કે, તારે મારી સાથે સંબંધ ના રાખવો હોય, તો મને રૂપિયા દસ લાખ આપવા પડશે. તે સિવાય હું તને છોડીશ નહી, જો તુ મને પૈસા નહીં આપે તો તારા ઘરે જ રહેવા આવી જઈશ. તને બદનામ કરી નાંખીશ, તું તારા ઘરે નહીં રહેવા દે તો તારા ઉપર ખોટી રેપની ફરીયાદ કરીશ અને તને બરબાદ કરી નાંખીશ.”
આ ધમકી આપ્યા બાદ હવે હિતેશ મનિષાને રસ્તામાંથી હટાવવા માંગતો હતો. જેથી 5મી જુલાઈના રોજ હિતેશ મનિષાને ઘરે ગયો અને તેને લોંગ ડ્રાઇવ માટે જવાનું કહ્યું હતું. મનિષાએ પણ હા પાડી અને વાસણા બેરેજ નજીક રાતના 4 વાગ્યે મનિષા સાથે વાતો કરતા કરતા તેને નીચે પછાડી અને પથ્થરો વડે માથું છૂંદી નાખ્યું હતું. મનિષા તરફડિયા મારીને ઘટનાસ્થળે જ મૃત્યુ પામી અને હિતેશ ત્યાંથી નીકળી ગયો હતો. મનિષાની હત્યાને છૂપાવવા માટે હિતેશે તેની લાશ ખુલ્લા ખેતરમાં ફેકી દીધી હતી. આ સમગ્ર મામલો બહાર આવતા હાલ હિતેશ પોલીસ કસ્ટડીમાં છે અને હવે તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.