ગુજરાત(gujarat): DNT સમાજની એક રાજકીય ઓળખ ઉભી થાય અને એમને પણ એક મહત્વપૂર્ણ વોટ બેંકની રીતે રાજકીય પાર્ટીઓ જુવે, જેથી તેઓ પણ પોતાના સમાજના લોકોના અધિકારો માટે પાર્ટીઓ સાથે આંખ થી આંખ મિલાવીને વાત કરી શકે એના માટે ઘણા સમયથી તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. છેલ્લા 2 મહિનામાં ઘણી મિટિંગ કરીને સામૂહિક રીતે તેમને નક્કી કર્યું કે, તેઓ DNTની 40 જાતીયો એક સાથે આમ આદમી પાર્ટીમાં સામેલ થઈએ અને બતાવી દે કે, DNTના વોટ વગર કોઈ પણ પાર્ટી માટે ગુજરાતમાં જીતવું અઘરું જ નહિ અશક્ય છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે 40 જાતિના લગભગ 1.25 કરોડ લોકો એક થાય ને કોઈ એક પાર્ટી ને વોટ કરે. બધા એ સામૂહિક રીતે નક્કી કર્યું કે સમાજ પહેલા, બાકી બીજું બધું પછી. સમાજના ન્યાય માટે તેઓ બધા એક થઇને રાજકીય રીતે પોતાનું વોટ બેંકનું શક્તિ બળ નહિ બતાવે તો તેઓ હંમેશા પોતાના અધિકારોથી વંચિત જ રહેશે.
ગોપાલ ઈટાલીયાએ જણાવતા કહ્યું કે, અમને જણાવતા આનંદ છે કે બધા એક વાત પર સહમત થયા કે તેઓ આમ આદમી પાર્ટીમાં સામુહિક રીતે જોડાશે અને આ પાર્ટીમાં પોતાનું સ્થાન અને ઓળખ બનાવશે. આમ આદમી પાર્ટી પ્રજાલક્ષી કાર્યો કરવા માટે આખા દેશમાં જાણીતી છે. તેઓ માને છે કે આમ આદમી પાર્ટીથી એક નવી ઉર્જા આપણા ગુજરાતમાં આવી છે અને 40 જનજાતિના લોકો સાથે મળીને તન મન ધનથી આમ આદમી પાર્ટી ને સહાય કરશે અને આવનાર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડવા માટે પ્રયત્ન કરીએ. ગુજરાતમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે DNT લોકો કોઈ પાર્ટી સાથે જોડાયા તે ઐતિહાસિક ઘટના છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આ મહત્વપૂર્ણ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, આજે માનનીય દક્ષિણભાઈ છારાના નેતૃત્વમાં વિચરતી જાતિ અને વિમુક્ત સમાજ માંથી 40 જેટલા સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે, પ્રતિનિધિઓ ઉપસ્થિત થયા છે, એ બધાનો હું આભાર માનું છું. ગુજરાતના ઇતિહાસમાં એવું હંમેશાથી બન્યું છે કે, જેની સંખ્યા વધારે હોય તેને બધા બોલાવે અને માન આપે પણ જેની સંખ્યા ઓછી હોય તેને કોઈ બોલાવતું નથી. રાજકારણના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું છે કે, ભલે નાનો સમાજ હોય પણ એનું સન્માન જરૂરી છે એ ભાવના સાથે આમ આદમી પાર્ટીએ આ કાર્યક્રમ કર્યો છે. ચૂંટણી ની અંદર મત બધી જ પાર્ટીને જોઈએ છે, ગરીબનો પણ જોઈએ છે, અમીરનો પણ જોઈએ છે, અભણનો પણ જોઈએ, ભણેલાનો પણ જોઈએ, મજુરનો પણ જોઈએ,પણ ઇઝ્ઝત આપવી નથી આ માનસિકતા 27 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં રાખી છે. પરંતુ આમ આદમી પાર્ટીને મત પણ વટ થી જોતો છે અને દરેક સમાજને ઇઝ્ઝત પણ વટ થી આપવાની છે.
વધુમાં તેમણે કહ્યું કે, હું આ 40 સમાજના આગેવાનો નો આભાર માનું છું અને સાથે જ અરવિંદ કેજરીવાલનો આભાર માનું છું કે, તેમેણે એવું કહ્યું કે આપણે દરેક સમાજના લોકોને આગળ લઇ જવાના છે. આપણે આમ આદમીની પાર્ટી છીએ, જેની પાસે ઘર ના હોય, પહેરવા ચપ્પલ ને કપડાં ના હોય આ એ જ લોકોની પાર્ટી છે. અહીંયા દરેક લોકોની ઈચ્છા છે કે ગરીબ નથી રહેવું. પણ ગરીબી દૂર કરશે કોણ? સરકાર તરફથી આવેલી લાખોની યોજના ગરીબી દૂર નહિ કરે, ભાજપ કોંગ્રેસ જેવી પાર્ટીઓ ગરીબી દૂર નહિ કરે, સરકાર તરફથી મળતા ઘઉં, ચોખા કે ખાંડ ગરીબી દૂર નહિ કરે, કોઈ ભાષણો તમારી ગરીબી દૂર નહિ કરે, જો ગરીબી દૂર કરશે તો એ તમારા પોતાના સંતાનો દૂર કરશે, તમારો દીકરો કે દીકરી ભણી ઘણીને આગળ વધીને તમારી ગરીબી દૂર કરશે. તમારો દીકરો ભણશે ગણશે ડોક્ટર બનશે અને આખા સમાજની ગરીબી દૂર કરવાનું કામ કરશે. અને તમારા બાળકોને ભણાવવાનું કામ, તમારા બાળકોને શિક્ષણ આપવાનું કામ, તમારા બાળકોને દક્ષિણભાઇ છારાની જેમ તાકાતવર બનાવવાનું કામ, અરવિંદ કેજરીવાલજી કરશે, આમ આદમી પાર્ટી કરશે.
ભાજપના કોંગ્રેસના નેતાઓ વાયદાઓ કરે છે કે અમે આ આપશું ને તે આપશું, તમે ભણતર આપો બીજું બધું તો અમે જાતે જ લઇ લઈશું. આ બધા જુઠ્ઠા વાયદાઓમાં 75 વર્ષ વીતી ગયા. ભારતની ભાજપ સરકાર આઝાદીના 75 વર્ષનું અમૃત મહોત્સવ મનાવે છે, પણ અમૃત તો તે જ લઇ ગયા જનતા ના ભાગમાં ફક્ત ઝેર આપ્યું છે. આપણું જીવતર ઝેર જેવું કરી નાખ્યું છે, ના ખાવાના ઠેકાણા છે કે, ના ભણતરના કે ના રોજગાર છે. પરિસ્થિતિ બદલવાની ખૂબ જ જરૂર છે, અને તેનો વિકલ્પ આમ આદમી પાર્ટી જ છે. જ્યાં આપણને ધારાસભ્યો પણ પૂછતાં નથી ત્યાં આ સભા પૂર્ણ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી પોતે અમને ફોન કરીને પૂછશે કે સન્માન કાર્યક્રમ કેવો રહ્યો, એટલે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારું ધ્યાન રાખવા પોતે અરવિંદ કેજરીવાલજી છે.
ગોપાલ ઈટાલિયાએ આગળ જણાવ્યું કે, ચૂંટણી આવે એટલે એક પાર્ટી દારૂ આપી જાય, એક ભજીયા આપી જાય, એક ચવાણું આપી જાય, આપવાનું છે એ કોઈ નથી આપતું, નિશાળ, દવાખાના અને રોજગાર કોઈ નથી આપતું. હું અરવિંદ કેજરીવાલના પ્રતિનિધિ તરીકે કહેવા માંગુ છું કે, ભાજપ વાળા સાડી અપાઈ તો સાડી લઈ લેવી, કોંગ્રેસ વાળા પૈસા આપે તો પૈસા લઈ લેવા, ખાવાનું આપે તો ખાવાનું લઇ લેવું પણ મત ઝાડુને આપવો એટલે બધું જ સાફ થઇ જાય. આપણી ગરીબી, આપણી પીડા, આપણું દુઃખ એ આપણે ભણ્યા નથી એના કારણે છે, અને આપણે એટલે ભણ્યા નથી કેમ કે સરકારે ભણવા નથી દીધા. પરંતુ અરવિંદ કેજરીવાલજી એ શાળાઓ બનાવાનું કામ કર્યું છે, તેમની ઈચ્છા છે કે દરેક ઘરમાં એક એક ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. હોય.
અરવિંદ કેજરીવાલએ નિર્ણય લીધો છે કે, નાના માણસોની સરકાર બનાવવી છે અને તે સરકાર બનાવાની તાકાત તમારામાં છે. જનતાએ નક્કી કરવાનું છે કે આવતી વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર નાના માણસોની હશે કે મોટા બંગલા વાળા કે ઉદ્યોગપતિઓની હશે. જે લોકોએ આપણા અધિકારોનું હનન કરીને સરકાર ચલાવી છે એમણે જવાબ આપવાનો સમય છે. DNT સમાજ એ કળાઓ થી ભરેલો સમાજ છે, તેમને તે વારસામાં મળ્યું છે પણ તક નથી મળી, આપણે સૌ મળીને તે તક ઊભી કરીએ એવી જ મારી આશા છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.