ગુજરાતમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે હવે તીડની આફત આવીને ઉભી છે. અત્યાર સુધી રાજ્યના બોર્ડર વિસ્તારોમાં તીડનો આતંક હતો. હવે પહેલી વાર એવું બન્યું છે જયારે સૌરાષ્ટ્રમાં પણ તીડના ટોળા દેખાતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે.
મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં તીડ પહોંચી ગયા છે. અહીં લીંબડી તાલુકાના શિયાણી ગામની સીમમાં અસંખ્ય તીડનું ટોળુ આકાશમાં ફરી રહ્યું છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. લીંબડી તાલુકાના શિયાણીમાં તીડ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. તો લોકો સીમમાં થાળી વગાડીને બુમો પાડી તીડ ઉડાડી રહ્યા છે.
ભાવનગરના વલ્લભીપુર તાલુકાના નસીતપુર અને મોટીધરાઈ ગામે તીડ ત્રાટકયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. વાડીઓમાં તીડનું ટોળું આવી ચઢતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. રાત્રિના સમયે એકાએક તીડનું ટોળું ખેતરોમાં ઉતરી આવ્યું હતું. જેથી ખેડૂતો પર મુસીબતોના વાદળ મંડરાયા છે.
અન્ય જીલ્લાની વાત કરીએ તો મોરબી જીલ્લાના હળવદ તાલુકાના સાતેક ગામમાં તીડના ઝુંડ દેખાયા છે. નવા ઇશનપુર, રણમલપુર, ધણાદ, માલણીયાદ, જુના ઇશનપુર ગામમાં તીડનો આતંક જોવા મળ્યો છે. તીડને કારણે તલ સહિતના અનેક પાકમાં ખેડુતોને નુકશાન થયા તેવી દહેશત સતાવી રહી છે. ત્યારે આ જાણ થતા જ ખેતીવાડી અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડ્યા હતા અને તીડનો નાશ કરવા માટે રાત્રિ દરમ્યાન દવાનો છંટકાવ કરવા માટેનું તંત્રએ આયોજન કર્યું છે.
મહિસાગરમાં પણ ખેડૂતો માટે સંકટ ઉભું થયું છે. મહિસાગર જિલ્લામાં પણ તીડનું આક્રમણ જોવા મળ્યું છે. મહિસાગરના ખાનપુર તાલુકાની સરહદે તીડે આક્રમણ કર્યું છે. TDOએ ખેડૂતો સાથે બેઠક કરીને યોગ્ય નિરાકરણ લાવવા પગલા ભરાઈ રહ્યા છે. તંત્ર દ્વારા હાલ દવા સહિતનો સામાન ગામોમાં પહોંચાડાયો છે.
રાહતના સમાચાર એ છે કે તીડના ઝુંડનું પ્રમાણ નાનું હોવાથી તીડ કંટ્રોલ વિભાગ અત્યારે તીડ કંટ્રોલની કામગીરીમાં લાગી છે. જે વિસ્તારમાં તીડ આવ્યા છે તે વિસ્તારમાં અત્યારે ભારત સરકારની કંટ્રોલ વિભાગ દ્વારા દવાનો છંટકાવ થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news