વર્ષોથી એક જગ્યાએ બેઠેલા અધિકારીઓ કૌભાંડી બની ગયા !
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હજારો કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડો સામે આવી રહ્યાં છે, મોટાભાગના કેસોમાં જીએસટી વિભાગ દ્વારા ઓછી રિકવરી થઇ રહી છે, કારણ કે સાચા આરોપીઓ ક્યારેય ઝડપાતા નથી, કૌભાંડીઓ છટકી જાય છે, માત્ર નાના લોકો જ પકડાય છે, મોટા કૌભાંડીઓ ઉચ્ચ અધિકારીની કૃપાથી છટકી જાય છે, થોડા દિવસ પહેલા ભાવગનરમાંથી બોગસ બિલિંગ કૌભાંડના આરોપી મુનાફ ઉર્ફે મુન્ના દાઢી અને ભાનુસિંગ ખિમસુરીયાની જીએસટી વિભાગ દ્વારા ધરપકડ કરાઇ હતી, પરંતુ આ માત્ર મોહરા છે, તેમની ઉપર કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા મોટા માથા બેઠા છે,જે કરોડો રૂપિયાની મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓમાં ફરી રહ્યાં છે અને માત્ર મોહરા જેલની હવા ખાઇ રહ્યાં છે, આ બધુ અમદાવાદમાં બેઠેલા ઉચ્ચ અધિકારીની કૃપાથી થઇ રહ્યું છે, નવાઇની વાત તો એ છે કે મજૂરી કામ કરતા નાના લોકોને જીએસટી બોગસ બિલિંગ કૌભાંડોમાં ફસાઇ દેવામાં આવે છે,તેમની ઉપર બેઠેલા કૌભાંડીઓ છટકી જાય છે.
ભાવનગર-અલંગમાં બોગસ બિલિંગના નામે કરોડોના કૌભાંડ
થોડા દિવસો પહેલા રાજ્યમાં 280 કરતા વધુ જગ્યાઓએ જીએસટી વિભાગે દરોડા પાડ્યાં હતા, ભાવનગરમાંથી પણ બોગસ પેઢીઓ ઝડપાઇ હતી, જેમાં નાના લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ અલંગમાં કરોડો રૂપિયાના બોગસ બિલો ફાડીને સરકારમાંથી કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેતા કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવા કોઇ જ અધિકારીને રસ નથી, જો કોઇ અધિકારી આ કૌભાંડીઓ સામે કાર્યવાહીની વાત પણ કરે તો તેને કોઇને કોઇ રીતે દબાવી દેવામાં આવે છે, માત્ર કહેવામાં આવ્યું હોય તે જ કરવાની સલાહ આપીને ખાતાકીય કાર્યવાહીની ધમકી આપવામાં આવી રહી છે, ઉચ્ચ અધિકારીઓનાં આર્થિક હિતો સાચવવા નીચેના અધિકારીઓએ ચૂપ થઇ જવું પડે છે, તે કદાચ તેમની મજબૂરી છે, અને અલંગ હવે રિટાયર્ડમેન્ટ પહેલા જતા જતા કરોડો રૂપિયા બનાવવાનું સાધન બની ગયું છે.
ખેડા જિલ્લામાં દરોડા બાદ એક અધિકારીએ સોગંધનામું ફાડી નાખ્યાંની ચર્ચા
4 મહિના પહેલા ખેડા જિલ્લામાં આવેલા ગુજરાત ટોબેકો કંપનીનાં ગોડાઉનમાં જીએસટી વિભાગે દરોડા કર્યા હતા, અહી તેમને તમાકુનો લાખો રૂપિયાનો બિન હિસાબી જથ્થો જપ્ત કર્યો હતો, દરોડાના તાર દિલ્હીની વિમલ કંપની સાથે જોડાયેલા હતા, જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા આ કંપનીઓ સાથે જોડાયેલી કેટલીક ટ્રકો પણ જપ્ત કરાઇ હતી, ખોટા ઇ-વે બિલને આધારે દરરોજ લાખો રૂપિયાના માલની હેરાફેરી કરતી વિમલ અને ગુજરાત ટોબેકો જેવી કંપનીઓ સામે કાર્યવાહી કરવાને બદલે અમદાવાદ જીએસટી વિભાગના એક અધિકારીએ લાખો રૂપિયાની લાંચ લઇને મામલો દબાવી દીધો, નવાઇની વાત તો એ છે તેમને એક નીચેના અધિકારીને દબાણ કરીને ઓફિસમાં જમા પડેલું ગોડાઉન ચલાવનારા શખ્સનું સોગંધનામું પણ ફાડી નાખ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે, જો આ સાચુ હોય તો સરકારી ડોક્યુમેન્ટ ફાડનાર અધિકારી સામે કાયદાકીય રીતે કાર્યવાહી થવી જોઇએ, આ દરોડા બાદ હજુ સુધી આ ફ્રોડ કંપનીઓ પાસેથી કોઇ જ પ્રકારની રિકવરી કર્યાનું કે આરોપીઓ સામે પોલીસ કેસ કે અન્ય કાર્યવાહી કર્યાનું જાણવા મળ્યું નથી, એક જ ગોડાઉનમાં 2 જીએસટી નંબર લઇને બોગસ બિલિંગ કૌભાંડ ચાલતા હોવા છંતા અધિકારીઓ આંખ આડા કાન કરીને પોતાના ખિસ્સા ભરી રહ્યાં છે.
ગાંધીનગરના અન્ય વિભાગના કર્મચારીએ લાંચકાંડને અંજામ આપ્યો
ગુજરાત ટોબેકો અને વિમલના સમગ્ર લાંચકાંડમાં ગાંધીનગરના સરકારી અધિકારીની ભૂમિકાની તપાસ જરૂરી છે, અમદાવાદ આશ્રમ રોડ જીએસટી ભવનના એક ઉચ્ચ અધિકારી સાથેના તેના સંબંધો સામે આવે તે જરૂરી છે, કારણ કે દિલ્હીથી વિમલ કંપનીની તપાસની સાથે અન્ય 7 કંપનીઓ બોગસ ઇ-વે બિલને આધારે સરકારને લાખો રૂપિયાનો ચૂનો લગાવતી હોવાનું સામે આવ્યું હતુ, જેમાં કેટલીક કંપનીઓની ટ્રકો જપ્ત કરાઇ હતી, બાદમાં લાખો રૂપિયાની લાંચ લઇને છોડી દેવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં દિલ્હીથી સતત ત્રણ વખત ફ્લાઇટમાં આવીને સમગ્ર કૌભાંડને દબાવવા આવેલા વ્યક્તિઓ કોણ છે તેની પણ તપાસ થવી જોઇએ.
વર્ષોથી એક જગ્યાએ બેઠેલા અધિકારીઓને હટાવવા જોઇએ
અમદાવાદની જીએસટી ડિપાર્ટમેન્ટની ઓફિસોમાં વર્ષોથી એક જ જગ્યાએ કેટલાક રાજકારણીઓની કૃપાથી બેઠેલા અધિકારી ઓને કારણે સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લાગી રહ્યો છે, ભ્રષ્ટ અધિકારીઓ અને ખોટી કંપનીઓ ઉભી કરનારા કૌભાંડીઓ ની મિલીભગતથી આ કૌભાંડો થઇ રહ્યાં છે, અમદાવાદ આશ્રમ રોડ પરની જીએસટીની ઓફિસમાં તો રિટાયર્ડમેન્ટ બાદ પણ કેટલાક નિવૃત અધિકારીઓ અહી આવીને મલાઇ ખાઇ રહ્યાં છે, આ તમામ કૌભાંડો સામે ભાજપના સીએમ વિજય રૂપાણી લાચાર લાગી રહ્યાં છે, ગુજરાતની પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા અધિકારીઓની કાળી કમાણીની આવક વધારવાનું સાધન બની ગયા છે. જે ટેક્સ સરકારી ખજાનામાં જમા થવો જોઇએ તે બાબુઓના ખિસ્સામાં જઇ રહ્યો છે, વિકાસ પ્રજાને બદલે બાબુઓનો થઇ રહ્યો છે, ત્યારે ભ્રષ્ટ અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો જીએસટીના કૌભાંડોના નામે સરકારી ખજાનાને કરોડો રૂપિયાની ચૂનો લાગતો રહેશે.
મહેશ પટેલ, એડિટર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.