ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે સચિવાલયમાં અને રાજકીય વર્તુળોમાં સરકાર અને સંગઠનને લઈને વિવિધ અટકળો અને ચર્ચા થઈ રહી છે. આધારભૂત સૂત્રો જણાવે છે કે હાલમાં ગુજરાત સરકાર અને સંગઠનમાં ફેરફાર થાય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે.
જોકે અત્યારે પણ જો અને તોની સ્થિતિ છે એટલે કે જો ભાજપ ગુજરાતની 26માંથી સાત કે તેથી વધુ બેઠકો ગુમાવે તો હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી હકાલપટ્ટી નિશ્ચિત રીતે કરાશે એવી વાતો છે, પરંતુ જો ભાજપ સાતથી ઓછી બેઠક ગુમાવશે તો ધરખમ ફેરફારો કરવા કે નાના-મોટા ફેરફાર કરવા તેનો નિર્ણય પણ તે સમયે જ લેવાશે પરંતુ લોકસભાના પરિણામો બાદ ગુજરાતમાં સરકાર અને સંગઠનમાં ફેરફારો કરવાનું મન ભાજપ હાઇકમાન્ડે બનાવી લીધું છે.
2014ની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો. એ વખતના મુખ્યમંત્રી મોદી વડાપ્રધાન થતા તેઓના ગયા બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારબાદ પાટીદારોનું આંદોલન થતાં તેમને ખસેડીને વિજય રૂપાણી અને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
2017ની ચૂંટણીમાં પણ ભાજપને પાતળી બહુમતી મળવા છતાં તેમને જ મુખ્યમંત્રી તરીકે ચાલુ રખાયા હતા.પરંતુ હવે જો લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનું ધોવાણ ચાલુ રહેશે તો ભાજપ હાઈકમાન્ડ ગુજરાતના તેના ટોચના ત્રણેય નેતાઓની હકાલપટ્ટી કરી શકે છે. કારણ કે ઓછી બેઠક મળવા પાછળ આ ત્રણેયની જવાબદારી આવે છે.
ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે પણ છેલ્લા બે વર્ષથી ઠંડું યુદ્ધ ચાલી રહ્યું છે. નીતિન પટેલ અનેક ફાઈલો દબાવીને બેઠા હોવાની પણ ફરિયાદો અવારનવાર થતી હોય છે. તેઓ કોઈનું માનતા નથી અને વિજય રૂપાણીએ હજુ પણ વહીવટી તંત્ર ઉપર જોઈએ એવો કાબુ મેળવ્યો નથી જ્યારે સંગઠન મજબૂત કરવાની તેમજ સરકારની સાથે સંકલન અને તાલમેલ રાખવાની જવાબદારી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની છે જેમાં તેઓ સંપૂર્ણ નિષ્ફળ ગયા છે.
નાના-મોટા કાર્યકરો અને આગેવાનો પક્ષમાં હોવા છતાં નિષ્ક્રિય રહે છે. બેઠકોની ફાળવણી બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અને અસંતુષ્ટો બહાર આવ્યા હતા. તેઓએ પણ ભાજપના ઉમેદવારને હરાવવા માટે કાર્યવાહી કરી હતી.
જીતુ વાઘાણીની નીતિ અને સ્વભાવને કારણે પણ સિનિયર આગેવાનો પક્ષથી દૂર થઈ રહ્યા છે. તેવી ચર્ચા પણ છે કે ચૂંટણી પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જીતુ વાઘાણીને પણ ખખડાવ્યા હતા. આવી સ્થિતિમાં જો ભાજપની બેઠકો ઘટે તો હાઈકમાન્ડને ગુજરાતમાં ધરખમ ફેરફારો કરવાની ફરજ પડશે કારણ કે જો આ જ ટીમ ચાલુ રાખશે તો વિધાનસભાની 2022માં યોજાનારી ચૂંટણીમાં ભાજપને ત્રણ દાયકા પછી સત્તા ગુમાવવાનો વારો આવે એવી ભીતિ છે.
આથી પાણી પહેલા પાળ બાંધવા માટે ભાજપ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતની નેતાગીરી માટે આકરા નિર્ણયો લઈ શકે છે. ધરખમ ફેરફાર ઉપરાંત મંત્રીમંડળમાં પણ ફેરબદલ કરાશે. કેટલાક મંત્રીઓને હાંકી કાઢવામાં આવશે તો અમુક નવા ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળશે.
આ જ રીતે સંગઠનમાં પણ મોટા ફેરફારો કરાશે. ગુજરાતના રાજકારણમાં આગામી દિવસોમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ જોવાઇ રહી છે. શક્યતાઓ રહેલી છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં શામેલ થી શકે છે અને મંત્રી પણ બની શકે છે.