દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં કિસાનો છેલ્લા 11 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ કડીમાં કિસાનોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. કોંગ્રેસ સહિત 22 જેટલી રાજકીય પાર્ટીઓએ કિસાનોના ભારત બંધને સમર્થન આપ્યું છે. તો ગુજરાતમાં પણ ઘણા માર્કેટિંગ યાર્ડ, વેપારી એસોસિએશન, કોળી સમાજ સહિતે આ બંધને સમર્થન આપ્યું છે. તો ભારત બંધને લઈને ગુજરાત કોંગ્રેસે પણ પોતાની રણનીતિ બનાવી છે.
અખિલ ભારતીય કોળી સમાજ કરશે સમર્થન:
અખિલ ભારતીય કોળી સમાજ ખેડૂત આંદોલનનાં સમર્થનમાં આવ્યું છે અને ખેડૂતોના ભારત બંધ ને સહયોગ આપવા વિનંતી કરી છે.સુરતના ચંદ્રવદન પીઠાવાલા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગણી યોગ્ય હોવાથી સમર્થન કરી રહ્યા છીએ.
ટેક્સટાઈલ લેબર યુનિયન અને ટેમ્પો એસોસિએશ- સુરત:
ભારત બંધના એલાનને સુરતના ટેક્સટાઈલ લેબર યુનિયન અને ટેમ્પો એસોસિએશને સમર્થન આપ્યું છે તેથી આવતીકાલે એક દિવસ તમામ મજૂર ભાઈઓ બહેનો કામથી અળગા રહી બંધ પાળશે. નોંધનીય છે કે, ટેક્સટાઈલના લેબર અને ટેમ્પો સેવા બંધ થતાં ટેક્સટાઈલના કરોડોનો વેપાર પર માઠી અસર થશે.
કોંગ્રેસ આવતીકાલે તમામ APMC બંધ કરાવશે
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કોંગ્રેસના નેતાઓને આવતીકાલે દરેક જિલ્લામાં એપીએમસી બંધ કરાવવાની સૂચના આપી છે. કોંગ્રેસે કિસાનોના બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. હવે ગુજરાત કોંગ્રેસ પણ બંધને સફળ બનાવવા માટે સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દરેક ધારાસભ્યોને પોતાના વિસ્તારનું એપીએમસી બંધ કરાવવા સૂચના આપી છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઘર્ષણમાં ન ઉતરે
અમિત ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના જિલ્લામાં કિસાનોના સમર્થનમાં એપીએમસી બંધ કરાવવાની સૂચના આપી છે. આ સાથે તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો કે કાર્યકરો ઘર્ષણમાં ન ઉતરે. અમિત ચાવડાએ કોઈ સાથે સંઘર્ષ ન કરવાની કડક શબ્દોમાં સૂચના આપી છે. તેમણે નેતાઓને કહ્યું કે, ખેડૂતો અને વેપારીઓને સમજાવીને બંધમાં સહકાર માગવાનું કહ્યું છે. તેમણે કોંગ્રેસ નેતાઓને ખેડૂતોને સાથે રાખી બંધ કરાવવા જવાનું પણ કહ્યું છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ નથી સપોર્ટમાં :
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ આવતીકાલના બંધમાં જોડાવાના નથી અને આવતીકાલે વેપારીઓ પોતાની દુકાન ખુલ્લી રાખશે તેવી ચેમ્બર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ-ગોંડલ માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાને રદ્દ કરવા માટે દિલ્હીની સરહદો પર છેલ્લા 11 દિવસથી પ્રદર્શન કરી રહેલા કિસાનોએ આવતીકાલે એટલે કે 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. તો ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના ભારત બંધને ટેકો આપવામાં આવ્યો છે. આવતીકાલે બંન્ને માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. યાર્ડના દલાલ મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોના આંદોલનના ભારત બંધને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત ભાજપ કિસાન મોરચો:
ગુજરાત ભાજપ કિસાન મોરચો કિસાન બિલનો હકારાત્મક પ્રચાર કરશે અને બંધમાં નહીં જોડાય. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની હાજરીમા ભાજપ કિસાન મોરચાની આજે ખાસ વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી જેમાં આવતીકાલના બંધને લઇને ચર્ચા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle