ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાશે- હવામાન વિભાગની ગરમીને લઈને મોટી આગાહી, જાણો પાંચ દિવસમાં કેટલી વધશે ગરમી

Gujarat Weather forecast: ગુજરાતમા આ વર્ષે શિયાળાનો અનુભવ લગભગ થયો નથી તેમ કહીએ તો પણ ખોટું નથી. ચાર મહિનામાં પંદરેક દિવસ બાદ કરીએ તો સ્વેટર,…

Gujarat Weather forecast: ગુજરાતમા આ વર્ષે શિયાળાનો અનુભવ લગભગ થયો નથી તેમ કહીએ તો પણ ખોટું નથી. ચાર મહિનામાં પંદરેક દિવસ બાદ કરીએ તો સ્વેટર, મફલર કે ધાબડાની જરૂર જ નથી પડી. ત્યારે હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રાત્રે ઠંડી બાદ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા લાગ્યો છે.ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી(Gujarat Weather forecast) મુજબ,પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. જોકે, ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે.

આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે
સમાન્ય રીતે ગુજરાતમાં માર્ચ માહિનામાં મહત્તમ તાપમાન 34થી 36 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે . પરંતુ આ વર્ષે માર્ચ માહિનામાં જ ગરમીનો પારો 38 ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગની આગાહી છે, જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે ત્યારે ,આ વખતે માર્ચની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ગુજરાતમાં બે દિવસ બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.

લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે
તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગે માર્ચ માહિનામાં આકરી ગરમીના એંધાણ આપ્યા છે, 15 માર્ચ પછીના દિવસોમાં શહેરમાં ગરમીમાં વધારો થઈ શકે છે, માર્ચ મહિનાના પ્રથમ 15 દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે જ્યારે બીજા 15 દિવસો દરમિયાન ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે. ઉનાળા દરમિયાન દર વર્ષે 10 થી 15 હિટવેવ આવે તેવી સંભાવના છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં હિટવેવની શક્યતાઓ નથી એપ્રિલ કે મે મહિનામાં હિટવેવ 6થી 12 દિવસ રહેવાની શક્યતા છે.

ઉનાળો સામાન્ય કરતા ગરમ રહી શકે છે
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ લધુત્તમ 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ગાંધીનગરમાં લઘુત્તમ 16.4 અને મહત્તમ 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ગુજરાતમાં 9મી માર્ચથી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઊંચો જઇ શકે છે. જેથી ગુજરાતીઓને બે દિવસ બાદ આકરી ગરમી માટે તૈયાર રહેવાની જરૂર છે.

માર્ચમાં બે વખત માવઠાની શક્યતાઓ
આ સાથે જ ઉનાળું પાક અળદ, તલ, બાજરી, મગફળીનું મોડામાં મોડું 10થી 12 માર્ચ સુધીમાં વાવેતર કરી દેવાની સલાહ ખેડુતોને આપી છે. તેમજ તેમણે કમોસમી વરસાદ અંગે જણાવ્યુ છે કે, માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે અને આજથી તાપમાનમાં રોજ વધારો થતો રહેશે. 10 માર્ચ આવતા-આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ શકે છે. એટલે કે હવે આપણે ધીમે-ધીમે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ. આમ ઠંડીના માહોલથી છૂટકારો મળશે. માર્ચમાં બે વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં 10થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. આ સાથે કચ્છના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે.