માનવ અધિકાર આયોગને પોલીસ વિરૂધ્ધ 5279 અને ગુંડા તત્ત્વો વિરૂધ્ધ 2281 અરજીઓ મળી.
જેલતંત્ર, મહિલાઓને લગતી અને સેવાકીય બાબતો સહિત છેલ્લા પાંચ વર્ષમાં 16641 અરજીઓ મળી છે.
સામાન્ય નાગરિકને જ્યારે કોઈપણ અસામાજિક તત્વો દ્રારા હેરાનગતિ થતી હોય કે અન્ય કોઈપણ પ્રકારે કાયદાકીય મદદની જરુર પડે ત્યારે સૌથી પહેલી યાદ પોલીસની આવે એ સ્વાભીવિક છે. પરંતુ જો પોલીસ દ્રારા જ કનડગત થતી હોય તેવા સંજોગોમાં શુ કરવું તે મોટેા પ્રશ્ન છે. રાજ્યના માનવ અધિકાર આયોગને છેલ્લા પાંચ વર્ષમાં મળેલી કુલ અરજીઓ ૧૬૬૪૧માં પોલીસ વિરુદ્ધ અરજીઓનો આંકડો સૌથી મોખરે છે. ચોંકાવનારી વાત છે કે પોલીસતંત્ર વિરુદ્ર મળેલી અરજીઓની સંખ્યા ગુંડા અને માફિયા તત્વો વિરુદ્ધ મળેલી અરજીઓની સંખ્યાકરતાં પણ બમણી છે.
વર્ષ | પોલીસ | માફિયા-ગુંડા તત્વો |
2013-2014 | 954 | 558 |
2014-2015 | 823 | 697 |
2015-2016 | 1037 | 515 |
2016-2017 | 1317 | 324 |
2017-2018 | 1148 | 186 |
કુલ | 5279 | 2281 |
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને અલગ અલગ મુદ્દે જેવા કે બાળકો, આરોગ્ય, જેલતંત્ર, ગુંડા અને માફિયા તત્વોની કનડગત, પોલીસ અંગે અને અસામાજિક પ્રવૃતિ સંદર્ભે, પયૉવરણના મુદ્દે, ધાર્મિક કે મહિલાએા સંદર્ભે માનવ અધિકાર ભંગ અંગે રાજ્યભરમાંથી અરજીઓ મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં આયોગને કુલ ૧૬૬૪૧ જેટલી અરજીઓ મળી છે.
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના સૂત્રો મુજબ જ્યારે કોઈપણ સામાન્ય નાગરિકના જીવન જીવવાનાં, મુકતતાના અને ગૌરવના અધિકારોનુ હનન થાય અને આયોગને આ અંગે અરજી મળે છે ત્યારે આયોગ દ્વારા આ અંગે કાયદાકીય પગલાં લેવામાં આવે છે.
ચોંકાવનારી વાત એ છે કે આયોગને છેલ્લા પાંચ વર્ષમાં માફિયા તત્વો કરતાં પણ વધુ પોલીસ તંત્ર વિરુદ્ધ અરજીઓ મળી છે. આયોગને પોલીસ વિરુદ્ધ મળેલી અરજીઓમાં મુખ્યત્વે સત્તાનો દુરુપયોગ, કાયદેસર ના પગલાં લેવામાં નિષ્ફળતા, ગેરકાયદેસર અટકાયત-ધરપકડ તેમજ સત્તાનો આપખુદ ઉપયોગ જેવા મુદ્દા મુખ્ય છે.
આયોગને છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ વિરુદ્ધ ૫૨૭૯ જેટલી અરજીઓ મળી છે. જેમાં સૌથી વધુ અરજીઓ વર્ષ ૨૦૧૬-૧૭ માં ૧૩૧૭ જેટલી હતી. બીજી બાજુ ગુંડા અને માફિયા તત્વોની સતામણી કે ભૂૂગર્ભ પ્રવૃતિઓ અંગે છેલ્લા પાંચ વર્ષમાં મળેલી અરજીઓની સંખ્યા પોલીસ ની સરખામણીમાં લગભગ અડધી ૨૨૮૧ જેટલી છે. તો બીજીબાજુ જુદા જુદા જિલ્લા કે શહેરની વાત કરીએ તો વર્ષ ૨૦૧૭-૧૮ માં અમદાવાદ શહેરમાંથી આયોગને ૭૬૨ જેટલી અરજી ઓ મળી હતી. જ્યારે ગાંધીનગરમાંથી ૧૭૧ અને સુરતમાંથી ૧૫૭ જેટલી અરજીઓ મળી હતી.