ગુજરાત સર કરવાના સપના જોતા કોંગ્રેસ અધ્યક્ષ એ પોતાની જૂની તલવારો બદલવાની જરૂર છે

ગુજરાત કોંગ્રેસ છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે મજબૂત થઈ છે તેનાથી વધુ ગતિએ તૂટતી પણ ગઈ છે. ગુજરાત કોંગ્રેસમાં વર્ષોથી મૂળિયા નાખીને દિલ્હીમાં બેસી રહેલા…

ગુજરાત કોંગ્રેસ છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે મજબૂત થઈ છે તેનાથી વધુ ગતિએ તૂટતી પણ ગઈ છે. ગુજરાત કોંગ્રેસમાં વર્ષોથી મૂળિયા નાખીને દિલ્હીમાં બેસી રહેલા નેતાઓ લીડરશીપ ના નામે મોટા દેખાડો કરીને ગુજરાતમાં એક વિપક્ષ તરીકે સદંતર નિષ્ફળ રહેલ છે. તેની પાછળ કંઈક ને કંઈક અંશે જુની થઇ ગયેલી મુઠ્ઠી તલવારો જવાબદાર છે. આ તલવારો પોતાની આસપાસ શણગારેલી ભપકાદાર મ્યાન ના આધારે પોતાનું કદ મોટું દેખાડી રહ્યા હોય છે. પરંતુ એ ન ભૂલવું જોઈએ કે યુદ્ધ કરવામાં તલવારની શણગારાયેલી મ્યાન કામ નથી લાગતી, પરંતુ ધારદાર અને મજબૂત તલવાર જ કામ લાગે છે. જે કદાચ કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરી ને ખ્યાલ નથી.

કોંગ્રેસ હંમેશા ટોળા ભેગા કરવામાં જ માને છે કોંગ્રેસની સભાઓમાં ભાજપ કરતાં વધુ જનમેદની ઉમટે છે. પરંતુ આ જનમેદનીના વોટ કોંગ્રેસને મળતા નથી. જેનું કારણ આજદિન સુધી કોંગ્રેસ પાસે અકબંધ છે. કોંગ્રેસ ચૂંટણી સમયે ઊભા થતાં સ્ટંટ સુપેરે સમજી શકતી નથી. 2007, 2012માં ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ઊભા થયા, તેનો સીધો ફાયદો ભાજપને મળ્યો। જ્યારે 2017માં બની બેઠેલા સામાજિક યુવા નેતાઓ ના ભરોસે રહીને કોંગ્રેસે પોતાની નૈયા પાર કરાવવાનો સંકલ્પ લીધો પરંતુ કોંગ્રેસની નૈયા કિનારે આવતા આવતા ડૂબી ગઈ.

હાલમાં લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે કોંગ્રેસ માટે ખૂબ સારી તક છે કે તેઓ ભાજપના ગઢમાં જ ગાબડા પાડી શકે. પરંતુ કેન્દ્રીય નેતાગીરી સદંતર ગુજરાતમાંથી નવા નેતાઓને બહાર લાવવામાં નિષ્ફળ રહી છે. અથવા રસ નથી લઈ રહી કે પછી ગુજરાતમાંથી દિલ્હીમાં બેસેલા નેતાઓ ગુજરાતના યુવા નેતાઓને બહાર નીકળવા ન દેવા પણ માંગતા હોય. આતો કોંગ્રેસનો વિષય છે કે, તેને આત્મજ્ઞાન કરવું જરૂરી છે કે પોતાની તલવારો મજબુત અને ધારદાર કરે નહીં કે તલવાર મુકવાની મ્યાન!

ગુજરાતમાં સૌથી વધુ નેતાઓ નું આયાત નિકાસ થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં તો ભાજપમાંથી કોંગ્રેસ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જતાં નેતાઓની સંખ્યામાં વધારો થઈ ગયો છે. કોંગ્રેસ પણ ભાજપની માફક પક્ષ પલટો કરનાર ભાજપે કે અન્ય પક્ષના નેતાઓને સ્થાન આપીને પોતાના પાયાના સંનિષ્ઠ કાર્યકર્તાઓને તમાચો મારી રહી છે. કોઈ એક-બે નેતાના ખાસ ચમચાઓ કેન્દ્રીય નેતાગીરી સામે બુઠ્ઠી તલવારને બદલે સુંદર મ્યાનને રજૂ કરે છે. અને જીતી શકાય તેવી લડાઈને હારી જાય છે. છેલ્લા ૨૫ વર્ષથી બેકફૂટ પર રહેલી કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ પર આવીને બેટિંગ કરવાની કોશિશ તો કરે છે પરંતુ જાણી જોઈને રન આઉટ થઈ જાય તેવો ઘાટ સર્જાય છે.

કોંગ્રેસને ભૂતકાળમાં ગાળો ભાંડનારા નેતાઓને પણ કોંગ્રેસ સ્વીકાર કરી લે છે અને ચૂંટણીઓ દરમ્યાન ટિકિટ આપીને મેચ રમવા માટે પસંદ પણ કરી નાખે છે. આ નેતા કદાચ જીતી જાય તો પણ છેલ્લે ભાજપમાં સમાય જાય છે. કારણકે ગુજરાતની જૂની કંટાયેલી તલવારો નવા આવેલા નેતાઓને અથવા કોંગ્રેસના પાયાના યુવા નેતાઓને યોગ્ય ઊંચાઈ અને કાર્યક્ષમતા આધારિત કામ સોંપવાને બદલે પોતાના હમેલીયાઓ દ્વારા પોતાની કસાયેલી તલવારને બદલે સુંદર મ્યાન બતાવીને વાહ વાહી લૂંટી જાય છે અને જનતાએ વોટ આપીને જીતાડેલા નેતા પોતાને અન્યાય થાય છે, પોતાનું કોઈ સાંભળતું નથી, તેવું કહીને રિસાઈ જાય છે અને અન્ય પક્ષમાં ભળી જાય છે.

2019 ની ચૂંટણી માં પણ કોંગ્રેસ ફરી એકવાર આજ ભૂલ દોહરાવી રહી છે. વર્ષો જુની તલવારોને દૂર કરવાને બદલે તેને જ આગળ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા કનુભાઈ કલસરિયા જેવા ત્રણ વખત પોતાની પાટલી ફેરવનાર વ્યક્તિ પર ભરોસો મૂકીને અમરેલી- ભાવનગર સીટ પર ઉતારીને પોતાના પગ પર કુહાડો મારી રહી છે. કનુ કલસરિયા પોતે સ્થાનિક નેતા જરૂર છે પરંતુ પોતે વિધાનસભા પણ ખરાબ રીતે હારી ચૂક્યા છે. વિધાનસભા હાર્યા બાદ કોંગ્રેસ પોતાના પક્ષના ઉમેદવારોને આગળ કરવાને બદલે બહારથી લાવેલા ઉમેદવારને ઉતારીને સામેથી હારનો સ્વીકાર કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

કોંગ્રેસ પોતાના યુવા અને સક્ષમ કાર્યકર્તાઓને નારાજ કરીને પોતાનું સંગઠન નબળું બનાવવા જઇ રહી છે જો સમય આવતાં સુધીમાં કોંગ્રેસ ની કેન્દ્રીય નેતાગીરી જાગશે નહીં તો નરેન્દ્ર મોદીનો કોંગ્રેસમુક્ત ભારત સપનું ચોક્કસ સાકાર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *